National

અમેરિકા દ્વારા દેશનિકાલ બાદ લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ ભારત આવશે, NIA ટીમ તેની ધરપકડ કરશે

લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અને અનેક હાઇ-પ્રોફાઇલ કેસોમાં વોન્ટેડ આરોપી અનમોલ બિશ્નોઈને અમેરિકાએ દેશનિકાલ કર્યા બાદ આજે તેને દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવી રહ્યો છે. NIA તેની કસ્ટડી લેવા IGI એરપોર્ટ પર પહોંચી ગઈ છે.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ જે સલમાન ખાનના ઘર પર ગોળીબાર, બાબા સિદ્દીકી હત્યા કેસ અને સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં આરોપી છે, તેને અમેરિકાએ દેશનિકાલ કર્યો છે. આજ રોજ બુધવાર તા. 19 નવેમ્બર 2025ના રોજ અનમોલને લઈ આવતી ફ્લાઇટ દિલ્હી પહોંચવાની છે. જોકે તેની ફ્લાઇટ આશરે દોઢ કલાક મોડી ચાલી રહી છે. NIAની સ્પેશિયલ ટીમ IGI એરપોર્ટના ટર્મિનલ 3 પર તેની ધરપકડ માટે હાજર છે. આ જ ફ્લાઇટમાં અન્ય કેટલાક ડિપોર્ટેડ વ્યક્તિઓ પણ આવી રહ્યા છે.

દિલ્હી પહોંચતા જ NIA કરશે ધરપકડ
કાનૂની પ્રક્રિયા મુજબ અનમોલ બિશ્નોઈ દિલ્હી એરપોર્ટ ઉતરતાની સાથે જ NIA તેને કસ્ટડીમાં લેશે. તે અનેક રાજ્યોમાં ચાલતા ગંભીર ગુનાકીય કેસોમાં વોન્ટેડ છે. કેન્દ્ર સરકાર નક્કી કરશે કે આગળ કઈ તપાસ એજન્સીને તેની કસ્ટડી સોંપવી. મહારાષ્ટ્ર પોલીસએ જણાવ્યું છે કે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર એપ્રિલ 2024માં થયેલી ગોળીબારમાં પણ અનમોલ વોન્ટેડ છે જેથી મુંબઈ પોલીસ તેની કસ્ટડી મેળવવા કોર્ટનો દરવાજો ખખડાવશે.

એક નકલી રશિયન પાસપોર્ટ સાથે પકડાયો હતો
દેશભરમાં અનમોલ સામે અનેક કેસો નોંધાયેલા છે. મુંબઈ પોલીસે તેના પ્રત્યાર્પણ માટે બે અલગ દરખાસ્તો મોકલી હતી. થોડા સમય પહેલા એજન્સીઓને માહિતી મળી કે અનમોલ યુએસ અને કેનેડા વચ્ચે સતત સ્થળ બદલે છે. બાદમાં તે કેનેડામાં પકડાયો હતો અને તેની પાસે નકલી રશિયન પાસપોર્ટ પણ મળ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં તેને યુએસમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. NIAએ તેની ધરપકડ માટે રૂ 10 લાખનું ઇનામ જાહેર કર્યું હતું.

મૂસેવાલા હત્યા અને બાબા સિદ્દીકી કેસમાં પણ મુખ્ય ભૂમિકા
2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાકાંડમાં પણ અનમોલનું નામ સામે આવ્યું હતું. એમ કહેવામાં આવ્યું હતું કે હત્યારાઓને અનમોલ જ માર્ગદર્શન આપતો હતો.

તે જ રીતે તા.12 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રામાં ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધી 26 લોકોની ધરપકડ થઈ ચૂકી છે પરંતુ અનમોલ, શુભમ લોનકર અને ઝીશાન મોહમ્મદ અખ્તર હજુ સુધી વોન્ટેડ હતા.

અનમોલના ભારત પરત આવવાથી હવે આ હાઇ-પ્રોફાઇલ કેસોની તપાસ વધુ ઝડપી બનશે. સાંભળવામાં આવી રહ્યું છે કે અનમોલની કસ્ટડી માટે ઘણા રાજ્યોની પોલીસ એજન્સીઓ દાવો કરી શકે છે. તેની ભારત વાપસી સાથે ક્રાઇમ નેટવર્ક, નકલી પાસપોર્ટ સિન્ડિકેટ અને આંતરરાષ્ટ્રીય ગેંગ કનેક્શન અંગેની તપાસ વધુ ગંભીર રીતે આગળ વધશે.

Most Popular

To Top