કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી આતંક ફેલાવ્યો છે. ગેંગે કેનેડાના જાણીતા ઉદ્યોગપતિ દર્શન સિંહ સહસીની હત્યા કરી દીધી અને પછી પંજાબી ગાયક ચન્ની નટ્ટનના ઘરે પણ ગોળીબાર કર્યો છે. બંને ઘટનાઓની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી ઢિલ્લોએ ફેસબુક પોસ્ટ દ્વારા લીધી છે.
અહેવાલો અનુસાર ઉદ્યોગપતિ દર્શન સિંહની હત્યા બિશ્નોઈ ગેંગે ખંડણીના વિવાદને કારણે કરી હતી. ગેંગે અગાઉ તેમને પૈસા આપવા માટે ધમકી આપી હતી પરંતુ દર્શન સિંહે ઇનકાર કર્યો અને તેમનો ફોન નંબર બ્લોક કરી દીધો. તેના બાદ ગેંગના સભ્યોએ તેમની હત્યા કરી દીધી. આ ઘટના બાદ થોડા સમય પછી ગેંગે ગાયક ચન્ની નટ્ટનના ઘરે ગોળીબાર કરીને દહેશત ફેલાવી દીધી.

ગોલ્ડી ઢિલ્લોએ લીધી બંને ઘટનાઓની જવાબદારી
લોરેન્સ બિશ્નોઈ ગેંગના મહત્વના સભ્ય ગોલ્ડી ઢિલ્લોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બંને ઘટનાઓની જવાબદારી સ્વીકારી હતી. પોસ્ટમાં તેણે લખ્યું કે દર્શન સિંહ ડ્રગ્સના વેપારમાં સામેલ હતા અને ગેંગને પૈસા આપતા ન હતા. તેથી તેમની હત્યા કરવામાં આવી છે. તેણે ચેતવણી આપી હતી કે ગેંગના વિરુદ્ધ જનારને પણ આવું જ પરિણામ ભોગવવું પડશે.
ગાયક ચન્ની નટ્ટનના ઘરે ગોળીબાર
ગોળીબારની ઘટના બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. અહેવાલ મુજબ ચન્ની નટ્ટન અને ગાયક સરદાર ખેરા વચ્ચે ગાઢ મિત્રતા છે. બિશ્નોઈ ગેંગે નટ્ટનના ઘરે ગોળીબાર સરદાર ખેરા સાથેના સંબંધને કારણે કર્યો હતો. ગોલ્ડી ઢિલ્લોની પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે નટ્ટનને વ્યક્તિગત દુશ્મનાવટ નથી પરંતુ આ હુમલો સરદાર ખેરાને ચેતવણી આપવા માટે હતો.

તેમાં આગળ લખ્યું હતું “જે કોઈ ગાયક ભવિષ્યમાં સરદાર ખેરા સાથે કામ કરશે અથવા તેની નજીક જશે, તે પોતાને નુકસાન માટે જવાબદાર રહેશે.” આ પોસ્ટ પછી કેનેડાની પંજાબી સમુદાયમાં દહેશતનો માહોલ ફેલાયો છે.
બિશ્નોઈ ગેંગને કેનેડામાં આતંકવાદી સંગઠન જાહેર
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2025માં કેનેડાની સરકારે લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું હતું. આ નિર્ણય ગેંગની ખંડણી, હિંસા અને ડ્રગ્સના વેપારમાં સંડોવણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. આ પગલાથી કેનેડિયન કાયદા અમલીકરણ એજન્સીઓને ગેંગ સામે આતંકવાદી કાયદા હેઠળ કાર્યવાહી કરવાની વધુ સત્તા મળી છે.
આ ઘટના પછી ફરી સાબિત થયું છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના નેટવર્ક અને ખતરનાક પ્રવૃત્તિઓને વધારતું જઈ રહ્યું છે.