Trending

લૉ ઑફ ઍવરેજીસનો ગણિતનો સિદ્ધાંત મનુષ્યના જીવનમાં ઘણો અસરકારક સાબિત થયો છે

મનુષ્યનો ક્યારેક સારો સમય તો ક્યારેક ખરાબ સમય આવતો હોય છે. જીવનમાં ઉતાર-ચઢાવ સાવ સામાન્ય બાબત છે. જીવનનો ગ્રાફ ક્યારેક ઊંચો જાય છે, તો ક્યારેક માઇનસમાં એટલે કે ઍવરેજ લાઇનથી નીચે આવતો હોય છે. સમયાન્તરે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું જ હોય છે. એમાં કોઈએ કશું કહેવાનું હોતું નથી અથવા તો કંઈક છે કે જીવનમાં જે માણસે તડકી-છાંયડી બંને જોઈ હોય તે ક્યારેય પાછો પડતો નથી. સારા લીડર બનવા માટે પણ માણસે સારી પરિસ્થિતિની સાથોસાથ ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો હોવો જોઈએ અને એ જ સારો લીડર બની શકે. શ્રેષ્ઠ લીડર અથવા તો સફળ માનવી બનવા માટે માણસે તેના જીવનમાં ઝંઝાવાતોનો સામનો કરવો જરૂરી છે, આવા ઝંઝાવાતો માનવીને જીવનનો સાચો અધ્યાય શીખવે છે. જીવનનો સાચો અર્થ સમજાઈ જાય છે એટલે જ આવો માણસ સચ્ચાઈનો અહેસાસ કરી ચૂકે છે. જેથી કઠીન પરિસ્થિતિમાં પણ અડગ રહીને પોતાના કાર્યમાં આગળ આવતા આવડી જાય છે.
માણસ ગમે તેટલો સફળ હોય પરંતુ તે જીવનમાં ક્યારેક તો વિષમ સ્થિતિનો સામનો કરીને, તેમાંથી બહાર આવી સફળતાની સીડીઓ ચડયો હોય છે. જો માણસ પોતાની જિંદગીના કઠોર-કપરા સમયનો શાંતિથી તેમ જ અડગતાથી સામનો કરે છે તો તેમાંથી ખૂબ જ સારી રીતે બહાર આવી શકે છે અને જીવનનો બાકીનો સમય સારા વાતાવરણમાં પસાર થઈ શકે છે. સાથોસાથ સફળતાનાં અનેક શિખરો પણ સર કરવામાં તેને મદદ મળી રહે છે.
ઘણી વાર એવું બનતું હોય છે કે સંસ્થા કે ઑર્ગેનાઇઝેશનમાં જ્યારે કપરો સમય શરૂ થાય ત્યારે તેનું મૅનેજમૅન્ટ દિશાવિહીન થઈ જતું હોય છે. પરિણામે ઝંઝાવાતમાંથી બહાર આવવાની તક તેમને દેખાતી નથી હોતી. ઑર્ગેનાઇઝેશનના સીનિયર મૅનેજમૅન્ટ અથવા લીડરે શાંતિથી, મન તથા જીભ ઉપરનો કાબૂ ગુમાવ્યા વિના ઠંડે કલેજે સમય પસાર કરવો અને તેમાંથી બહાર નીકળવા પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવું. પોતાના માણસોને સાચવી રાખવા અને બ્લેમગેમથી બહાર નીકળી જવું જોઈએ. બહારના વાતાવરણથી પરિચિત થઈ તેનો સામનો કરવો જોઈએ. કૂપમંડૂકની સ્થિતિમાંથી બહાર આવી જવું જોઈએ. જીવનમાં બાહ્ય ઝંઝાવાતનો સામનો કરવાનું શું મહત્ત્વ છે તેનું નાનકડું ઉદાહરણ આપું.
એક વખત નાનો ભાઈ પોતાના મોટા ભાઈના ખેતરે ગયો. મોટા ભાઈ સાચા અર્થમાં મોટા ખેડૂત હતા. તેમની હરિયાળી વાડી અને ઘટાદાર વૃક્ષો ઉપર લટકતાં ફળો જોઈને નાનો ભાઈ અત્યંત ખુશ થઈ ગયો. તેને થયું કે મારા ઘરે અને વાડીએ પણ આવી સ્થિતિ ઊભી થાય તો કેટલું સારું? મને અને મારા પરિવારને પણ સારાં ફળો ખાવા મળે. પોતાની ઇચ્છા તેણે તેના મોટા ભાઈ સમક્ષ વ્યક્ત કરી. મોટા ભાઈ પણ ખુશ થઈ ગયા. તેમણે નાના ભાઈને આખા ખેતરમાં ફેરવ્યો. નાના ભાઈએ પૂછ્યું કે તારે કયું વૃક્ષ તારા ખેતર માટે જોઈએ છે તે તું કહે, હું તને આપીશ.
નાના ભાઈએ જે વૃક્ષ બતાવ્યું તેનાં મૂળ કાપીને મોટા ભાઈએ તેને આપ્યાં. મોટા ભાઈએ નાના ભાઈને સલાહ આપી કે વૃક્ષનાં મૂળને સારી જગ્યાએ વાવજે, જેથી કરીને સારી રીતે તેનો વિકાસ થઈ શકે. નાનો ભાઈ હોંશેહોંશે વૃક્ષનાં મૂળ લઈને ઘરે આવ્યો. હવે તેના માટે સૌથી મોટી સમસ્યા ખડી થઈ ગઈ. વૃક્ષને વાવું ક્યાં? એક તબક્કે તેણે વિચાર્યું કે વૃક્ષને ઘરની સામેની ટેકરી ઉપર વાવી દઉં. ટેકરી ઉપર જઈને અનુભવ્યું કે અહીં તો ખૂબ જ પવન આવે છે. વૃક્ષ પવન સામે ટકી ન શકે તો સમસ્યા ઊભી થાય એટલે ટેકરી ઉપરથી પાછો ફર્યો. પાછું મનમાં મંથન શરૂ થયું. થોડી વારે વિચાર આવ્યો કે વૃક્ષને ઘરની આગળના ભાગે વાવી દઉં. પાછો વિચાર બદલાયો કે ઘરની આગળના ભાગે વાવવાથી આજુબાજુનાં લોકો ફળોને તોડીને ખાઈ જશે તો મારા ભાગે શું આવશે?
છેવટે લાંબા મનોમંથન પછી એવું નક્કી કર્યું કે વૃક્ષને ઘરની અંદર જ વાવી દઉં જેથી આજુબાજુવાળાની કોઈ ઝંઝટ જ નહીં અને ફળ થશે તો હું એકલો જ ખાઈ શકું.
વૃક્ષને ઘરમાં વાવ્યા પછી એક વર્ષ થયું છતાં કોઈ ફળ આવ્યાં નહીં. આથી નાનો ભાઈ ગુસ્સે થઈ મોટા ભાઈ પાસે ગયો અને કહેવા લાગ્યો કે, ‘‘તમે મને એવું વૃક્ષ કેમ આપ્યું, એક વર્ષથી તેની પર એક પણ ફળ ન આવ્યું.” મોટા ભાઈએ કહ્યું, ‘‘હું તારે ત્યાં આવીને જોઈશ.” મોટા ભાઈ નાના ભાઈના ઘરે ગયા. તેમણે જોયું કે નાના ભાઈએ ઝાડને ઘરમાં વાવ્યું હતું. તેમણે નાના ભાઈને સમજાવ્યું કે જ્યાં સુધી વૃક્ષ બાહ્ય વાતાવરણ, પરિસ્થિતિનો સામનો નહીં કરે, સૂર્યપ્રકાશ ન મળે, ઑક્સિજન ન મળે અને વરસાદી પાણી ન મળે ત્યાં સુધી તેનો વિકાસ સંભવ નથી.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જો તમારે સુરક્ષા અને આરામના કવચમાં જ રહેવાનું હોય તો તમે ઉમદા લીડર કે સફળ માનવી બની શકો નહીં. આના માટેની કેટલીક ટિપ્સ તમને હું આપું.

1.જીવનના દરેક તબક્કે સારો-ખરાબ ટાઇમ આવતો હોય છે. સારા સમયમાં અભિમાની બનીને ન
ફરવું. ખરાબ સમયમાં મગજને શાંત રાખીને સમયને પસાર કરી દેશો તો જીવનના કોઈ પણ અધ્યાયમાં સફળ થઈ જશો.
2.કોઈ પણ પરિસ્થિતિમાં નિરુત્સાહી થવું નહીં, યાદ રાખો કે ખરાબ સમય તમને જીવનમાં ઘણું બધું શીખવી જાય છે. ઉમદા લેસન શીખવા મળે છે એટલે જેટલું શીખવા મળે તેટલું શીખી લેવું જોઈએ.
3.જો તમે માનસિક રીતે વધુ મજબૂત હશો તો સારા કે ખરાબ સમયમાં અડગ જ રહેશો જેથી જીવનમાં માનસિક રીતે વધુ સજ્જ બનો.

Most Popular

To Top