ગાંધીનગર: આણંદ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત ‘અમૂલ AI’ ડિજિટલ પ્લેટફોર્મનું લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રને ટેક્નોલોજી સાથે જોડતો આ પ્રયાસ માઈલસ્ટોન સાબિત થશે.કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર, સહકાર અને ટેક્નોલોજીની ત્રિવેણીથી વિકાસની ગતિ અનેકગણી વધી છે અને હવે AI તેને વધુ સશક્ત બનાવશે. 18,500થી વધુ ગામડાઓમાં 36 લાખ દૂધ ઉત્પાદકો સાથે જોડાયેલી અમૂલ દ્વારા ડેટાબેઝ ઇન્ટીગ્રેશનથી ‘સ્માર્ટ કોઓપરેટિવ’ મોડેલનું નિર્માણ થયું છે. તેમણે કેન્દ્રીય બજેટમાં દૂધ ઉત્પાદકોને કેન્દ્રમાં રાખી કરાયેલા ઉપાયો, 20 હજાર વેટરનરી પ્રોફેશનલ્સ તૈયાર કરવા માટેની જોગવાઈ અને તાજેતરની વૈશ્વિક ટ્રેડ ડિલથી ડેરી સેક્ટરને થનારા લાભનો ઉલ્લેખ પણ કર્યો હતો.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ‘સરલા’ (Sarala) એપને ક્રાંતિરૂપ ગણાવી, દૂધના ફેટ, SNF અને દૈનિક હિસાબ મોબાઇલ પર ઉપલબ્ધ થવા જેવી સુવિધાઓને ડિજિટલ પારદર્શિતાનું ઉદાહરણ ગણાવ્યું. તેમણે આંતરરાષ્ટ્રીય ટ્રેડ કરારોમાં દૂધને બહાર રાખવાના નિર્ણયને પશુપાલકોના હિતમાં મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ અવસરને ઐતિહાસિક ગણાવી કહ્યું હતું કે AI ટેક્નોલોજી પશુપાલકોના જીવનનો ભાગ બનશે અને ગ્રામ્ય સમૃદ્ધિને વેગ આપશે. સહકાર ક્ષેત્રમાં સીધી બેંક જમા થતી 94% રકમ આર્થિક સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ હોવાનું તેમણે જણાવ્યું.