Editorial

ગુજરાતના લઠ્ઠાકાંડને જોતાં આજના સમયમાં ખૂદ ગાંધીજીએ પણ દારૂબંધી હટાવી લેવાની હિમાયત કરી હોત

ફરી એકવાર થયેલા લઠ્ઠાકાંડે ગુજરાત સરકારને હચમચાવી દીધી છે. ગુજરાતમાં દારૂબંધી છે. તેને કારણે દારૂ છુટીછવાઈ જગ્યાએ વેચાય છે. જે સાધનસંપન્ન છે તે ગુજરાતની બહાર જઈને દારૂનો શોખ પુરો કરી લે છે પરંતુ જે ગરીબ છે, જેની પાસે એટલા નાણાં નથી તે પોતાના ગામ કે શહેરમાં જ નજીકમાં દારૂ વેચવા બુટલેગરનો સંપર્ક કરીને કે પછી દારૂની ભઠ્ઠી પાસે પહોંચી જઈને નશો કરી લે છે. દારૂબંધીને કારણે ખુલ્લેઆમ દારૂ વેચાતો નથી અને તેને કારણે લઠ્ઠાકાંડ દ્વારા ગરીબો તેનો સીધો ભોગ બને છે. ગુજરાતમાં 13 વર્ષ બાદ ફરી લઠ્ઠાકાંડ થયો છે.

અગાઉ 2009માં લઠ્ઠાકાંડ થયો હતો. અમદાવાદના આ લઠ્ઠાકાંડમાં 123 વ્યક્તિના મોત થયા હતા અને 200 વ્યક્તિને આંખમાં અસર થઈ હતી. આ વખતે લઠ્ઠાકાંડ સૌરાષ્ટ્રમાં થયો છે. બરવાળા લઠ્ઠાકાંડ તરીકે જાણીતા આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57ના મોત થઈ ચૂક્યા છે. મોતનો આંક વધવાની સંભાવના છે. લઠ્ઠાકાંડને કારણે ગુજરાતમાં રાજકારણ તેજ થઈ જવા પામ્યું છે. કોંગ્રેસ અને આપના નેતાઓ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લેવાની સાથે વિરોધ પ્રદર્શન કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સાથે સાથે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું પણ માંગી લેવામાં આવ્યું છે.

પોલીસ દ્વારા આ લઠ્ઠાકાંડમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. કેવી રીતે લઠ્ઠાકાંડ થયો તેની વિગતો પણ મેળવી લેવામાં આવી છે, પણ કરૂણતા એ છે કે જે વ્યક્તિના જીવ ગયા તેમના પરિવારોની હાલત કફોડી થઈ જવા પામી છે.
ગુજરાતમાં લઠ્ઠાંકાંડ નવાઈની વાત નથી. ભૂતકાળમાં અનેક વખત લઠ્ઠાકાંડ થયા છે. દરેક લઠ્ઠાકાંડ વખતે સરકાર એકશનમાં આવે છે. નવા નિયમો ઘડે છે. આરોપીને જેલમાં ધકેલે છે પણ પરિસ્થિતિમાં કોઈ જ સુધારો આવતો નથી. લઠ્ઠાકાંડ ધીરેધીરે ભૂલાઈ જશે અને ફરી સરકાર અને પોલીસની સ્થિતિ ‘જૈસે થે’ જેવી થઈ જશે. લઠ્ઠાકાંડના મામલે પોલીસમાં કોઈ જ સુધાર આવવાનો નથી તે હકીકત છે પરંતુ હવે સરકારે જાગવાની જરૂરીયાત છે.

લઠ્ઠાકાંડ શા માટે થાય છે? તેની પાછળ કોણ છે? તેને કેવી રીતે કાયમી ધોરણે નાબૂદ કરી શકાય? સહિતના ઉપાયો સરકારે વિચારવાની જરૂરીયાત છે. સામાન્ય રીતે ઈથાઈલ આલ્કોહોલથી નશો કરી શકાય છે. જ્યારે મિથાઈલ આલ્કોહોલ ઝેરી ગણાય છે. પરંતુ ઈથાઈલ આલ્કોહોલ નહીં મળવાની સ્થિતિમાં બુટલેગરો દ્વારા મિથાઈલ આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને કારણે લઠ્ઠાકાંડ સર્જાય છે. ગુજરાતમાં ક્યારેય સંપૂર્ણ દારૂબંધી શક્ય નથી. કારણ કે દારૂની માંગ કરનારા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પોલીસ પણ બુટલેગરોને નાથી શકે તેમ નથી.

જો આ રીતે જ દારૂબંધીનો અમલ કરવાનો હોય તો પછી તેના કરતાં ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવી જોઈએ કે જેથી આવા લઠ્ઠાકાંડ બનતા અટકી જાય સામાન્ય રીતે કોઈપણ વ્યસન વ્યક્તિ અને સમાજ માટે નુકસાનકારક હોય છે. દારૂના ફાયદા પણ છે પરંતુ સાથે સાથે નુકસાન પણ છે. દેશના અનેક રાજ્યોમાં દારૂબંધી નથી. જે દેશમાં દારૂબંધી નથી ત્યાં લઠ્ઠાકાંડ ભાગ્યે જ થાય છે. ગુજરાતમાં અનેક સમા એવા છે કે જેમાં દારૂ પીરસવો એ એક રિવાજ છે. ગુજરાતની રચના થયાના આજે 62 વર્ષ પછી પણ ગુજરાતમાં પીવાતા દારૂની સંખ્યામાં ક્યારેય ઘટાડો થયો નથી.

ઉલ્ટું વધારો જ થયો છે. ગુજરાતમાં દારૂબંધીને કારણે લોકો બહાર પીવા જાય છે અને તેને કારણે જ દમણ અને દિવ જેવા સંઘપ્રદેશનો વિકાસ થયો છે. દારૂબંધીને હટાવી લેવા માટે હાઈકોર્ટમાં રિટ પણ થઈ છે. આ સંજોગોમાં સરકારે હવે એ વિચારવાનો સમય આવી ગયો છે કે દારૂબંધીથી ગુજરાતને ફાયદો થાય છે કે નુકસાન. સરકારે ખરેખર દારૂબંધી રાખવાથી કે હટાવી લેવાથી થતાં ફાયદા અને નુકસાનનો સરવે કરીને નિર્ણય લેવો જોઈએ કે આગામી સમયમાં દારૂબંધી રાખવી ચાલુ રાખવી જોઈએ કે કેમ? આજનો સમય જોતા ગુજરાતમાં દારૂબંધીની હિમાયત કરનારા મહાત્મા ગાંધીએ પણ ખૂદ કદાચ દારૂબંધી હટાવી લેવા માટે કહ્યું હોત.

Most Popular

To Top