દિલ્હીમાં વહીવટી સ્તરે મોટા ફેરફારો શરૂ થયા છે. બુધવારે મોડી રાત્રે IAS અને DANICS કેડરના 20થી વધુ અધિકારીઓની અચાનક બદલી કરવામાં આવી, જેના કારણે મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સરકારમાં હલચલ મચી ગઈ છે. આ બદલીઓને સરકાર દ્વારા કામકાજ વધુ અસરકારક બનાવવા માટેનો પ્રયાસ ગણાવવામાં આવી રહ્યો છે. આ ફેરફારોમાં કેટલાક વરિષ્ઠ અધિકારીઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. ડૉ. નરેન્દ્ર કુમારને નાણાં કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે, જે રાજ્યના નાણાકીય વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પદ માનવામાં આવે છે. પ્રશાંત ગોયલને અધિક મુખ્ય સચિવ (ખાદ્ય અને નાગરિક પુરવઠા) સાથે-સાથે DFC અને DSCSCના CMD તરીકે પણ જવાબદારી સોંપવામાં આવી છે.
જિલ્લા સ્તરે પણ ફેરફાર જોવા મળ્યા છે. સૌમ્ય સૌરભને ઉત્તર પશ્ચિમ જિલ્લાના DM તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને ઉદ્યોગ વિભાગ સાથે પણ જોડવામાં આવ્યા છે. નવલેન્દ્ર કુમાર સિંહને GSTના અધિક કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે સોનિકા સિંહને DDAના કમિશનર તરીકે નવી જવાબદારી મળી છે. બીજી તરફ, હર્ષિત જૈનને વિધાનસભામાં સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંગલ સૈનીને સેન્ટ્રલ જેલના અધિક્ષક તરીકે પોસ્ટિંગ આપવામાં આવી છે. ઓમ પ્રકાશ સૈની DSSSBમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કામ સંભાળશે.
આ સિવાય પણ અનેક અધિકારીઓ જેમ કે મુકેશ કુમાર, આશિષ શૌકીન, મનોજ કુમાર, ભૂપ સિંહ અને અશ્વિની કુમારને નવી પોસ્ટિંગ આપવામાં આવી છે. કેટલીક જગ્યાએ અગાઉના આદેશોમાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે અમિત કુમારની નિમણૂકનો આદેશ બાદમાં રદ કરવામાં આવ્યો હતો, જે આ સમગ્ર પ્રક્રિયામાં વધુ ચર્ચાનો વિષય બન્યો છે. આ સમગ્ર ફેરબદલ દર્શાવે છે કે સરકાર વહીવટને વધુ મજબૂત બનાવવા અને કાર્યક્ષમતા વધારવા માટે મોટા પગલાં લઈ રહી છે. જોકે અચાનક થયેલા આ ફેરફારોને કારણે તંત્રમાં થોડો ગૂંચવાળો પણ સર્જાયો છે.