નવી દિલ્હી: ઇતિહાસમાં પહેલી વાર ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (Indo-Tibetan Border) એટલે કે ITBP એ સરહદ નજીક સોનાના દાણચોર પાસેથી સોનાનો (Gold) સૌથી મોટો કેશ જપ્ત કર્યો છે. ITBPએ ભારત-ચીન બોર્ડર નજીકથી એક કિલો વજનના 108 સોનાના બાર ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ITBPની 21મી બટાલિયનની ટુકડીઓએ ઉનાળાની ઋતુમાં દાણચોરી થતી હોવાથી દાણચોરોની ઘૂસણખોરીને રોકવા માટે મંગળવારે બપોરે ચિજબુલ, નરબુલા, જંગલ અને જકાલા સહિત પૂર્વી લદ્દાખના ચાંગથાંગ ઉપ-સેક્ટરમાં લાંબા અંતરની પેટ્રોલિંગ શરૂ કરી હતી, દરમિયાન 3 સોનાના દાણચોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે આ આરોપીઓ પાસેથી 108 કિલો સોનાના બિસ્કિટ અને હથિયારો પણ મળી આવ્યા હતા. તેમજ આ સોનાની કિંમત લગભગ 80 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન લગાવાયું છે.
સમગ્ર મામલે માહિતી આપતા ITBPના એક અધિકારીએ જણાવ્યું હતું કે “ITBP દ્વારા તેના ઈતિહાસમાં રિકવર કરવામાં આવેલ સોનાનો આ સૌથી મોટો ભંડાર છે. ત્યારે જપ્ત કરાયેલી વસ્તુઓ કસ્ટમ વિભાગને સોંપવામાં આવશે. તેમજ જપ્ત કરાયેલી વસ્તુઓમાં દાણચોરી કરાયેલા સોનાના જંગી જથ્થા ઉપરાંત, બે મોબાઈલ ફોન, એક બાયનોક્યુલર, બે છરીઓ, કેક અને દૂધ જેવી ઘણી ચાઈનીઝ ખાદ્ય વસ્તુઓનો પણ સમાવેશ થાય છે, જણાવી દઈએ કે હાલમાં બજારમાં સોનાની કિંમત 74,490 રૂપિયા છે, આવી સ્થિતિમાં 108 કિલો સોનાની કિંમત 80,44,92,000 રૂપિયા થાય છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ITBPને વાસ્તવિક નિયંત્રણ રેખાથી 1 કિલોમીટર દૂર શ્રીરાપાલમાં દાણચોરીની માહિતી પણ મળી હતી. જેના પર ડેપ્યુટી કમાન્ડન્ટ દીપક ભટના નેતૃત્વમાં પેટ્રોલિંગ ટીમ ત્યાં પહોંચી હતી, ત્યારે ટીમએ બે લોકોને ખચ્ચર પર સવાર જોયા અને તેમને રોકાવા માટે કહ્યું હતું. પરંતુ તસ્કરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સુરક્ષા દળોએ તેમનો પીછો કર્યો હતો અમે તેમની ધરપકડ કરી હતી.
સમગ્ર મામલે સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે શરૂઆતમાં આરોપીઓએ દાવો કર્યો હતો કે તેઓ ઔષધીય છોડના ડીલર તરીકે કામ કરતા હતા, પરંતુ તેમના સામાનની તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં સોનું અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. આ તસ્કરોની ઓળખ લદ્દાખના ન્યોમા વિસ્તારના રહેવાસી ત્સેરિંગ ચંબા (40) અને સ્ટેનઝીન ડોર્ગ્યાલ તરીકે થઈ છે. ત્યારે અધિકારીએ જણાવ્યું હતું કે વસૂલાતના સંબંધમાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કરાયેલા ત્રણ લોકોની આઈટીબીપી અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે.