National

વૈષ્ણોદેવી ભવન રોડ પર ભૂસ્ખલન, 3ના મોત, ઘણા શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણો દેવી મંદિરના (Vaishno Devi Temple) નવા માર્ગ પર આજે સોમવારે ભૂસ્ખલન (Landslide) થયું હતું. આ ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે ઘણા શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે. જો કે ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવની ટુકળીઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માતા વૈષ્ણો દેવી ભવન રોડ પર પંચી હેલિપેડ પાસે બપોરે લગભગ 2.35 વાગ્યે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે આ રસ્તા ઉપર બનેલો લોખંડનો એક શેડ તુટી પડ્યો હતો. ત્યારે ઘટનાની જાણ થતા તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે ભૂસ્ખલનના કારણે ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને એક છોકરી ઇજાગ્રસ્ત થઇ હતી. ત્યારે ઇજાગ્રસ્ત છોકરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જેની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના સીઈઓનું નિવેદન…
સમગ્ર મામલે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના સીઈઓએ એક નિવેદનમાં કહ્યું હતું કે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન ટ્રેક પર પથ્થર પડવાની અને ભૂસ્ખલનની ઘટના બની છે. જેથી ઘટનાને પગલે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ બચાવ કામગીરી હાથ ધરી છે. જો કે ઘટના ગંભીર હોવાને કારણે વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. જેથી વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ સાથે જ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલન અને ટ્રેક પર શ્રદ્ધાળુઓની અવરજવર બંધ થયા બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ તંત્રએ શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન સતર્ક રહેવા અને રૂટની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ વધવાની અપીલ કરી હતી. જ્યારે જે માર્ગ ઉપર ભૂસ્ખલન થયુ હતું તે યાત્રાના માર્ગ પર અવર-જવર બંધ કરવામાં આવી હતી, અને સંબંધિત અધિકારીઓને રસ્તો ખુલ્લો કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો.

જણાવી દઇયે કે આ પહેલા વર્ષ 2022માં નવા વર્ષના દિવસે મંદિરમાં નાસભાગ મચી જવાથી 12 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા. ત્યારે ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અરાજક્તા ફેલાઇ હતી અને રાજકારણ પણ ગરમાયું હતું. ત્યાર બાદ આજે બનેલી ઘટનામાં પણ ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા હતા.

Most Popular

To Top