National

વાયનાડમાં એક બાદ એક 3 ભૂસ્ખલન, અંદાજે 100 લોકો કાટમાળ નીચે દબાયા, 40થી વધુના મોત

નવી દિલ્હી: કેરળના (Kerala) વાયનાડમાં ભારે વરસાદના કારણે મળસ્કે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને (Landslide) કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. આ ભૂસ્ખલનની ઘટનામાં 40થી વધુના મોત થયા હોવાની વિગતો સપાટી પર આવી છે. તેમાં મોટી સંખ્યામાં બાળકો પણ છે. લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન (Rescue operation) હાથ ધરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ કેરળના વાયનાડમાં વરસાદને કારણે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. અહીં ભૂસ્ખલનને કારણે અહીં 100થી વધુ લોકો ફસાઇ ગયા હતા. ત્યારે પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી મુજબ મંગળવારે સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. આ પછી સવારે 4.10 કલાકે વધુ એક ભૂસ્ખલન થયું હતું. આમ ઉપરાછાપરી ત્રણ ભૂસ્ખલનને કારણે અનેક લોકો કાટમાળમાં ફસાઇ ગયા હતા. આ સાથે જ 10 લોકોના મોતની માહિતી પણ સામે આવી હતી. ત્યારે કાટમાળ નીચે ફસાયેલા લોકો માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને વાયુસેનાના બે હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભૂસ્ખલનમાં ઘાયલ 50 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ પ્રથમ ભૂસ્ખલન મુંડક્કાઈ ટાઉનમાં સવારે લગભગ 1 વાગ્યે ભારે વરસાદ દરમિયાન થયુ હતુ. જેથી મુંડક્કાઈમાં હજુ પણ બચાવ કામગીરી ચાલુ હતી જ્યારે સવારે લગભગ 4 વાગ્યે ચુરલ માલામાં એક શાળાની નજીક બીજુ ભૂસ્ખલન થયુ હતુ. જેના કારણે કેમ્પ તરીકે ચાલતી શાળા, આસપાસના મકાનો અને દુકાનોમાં ભૂસ્ખલનના કારણે પાણી અને કાદવમાં ગરકાવ થયો હતો.

ઘટનાને પગલે કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર બ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમજ NDRFની વધારાની ટીમ વાયનાડ જઈ રહી છે. વિસ્તારના સીએમઓના જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગ – રાષ્ટ્રીય આરોગ્ય મિશનએ કંટ્રોલ રૂમની રચના કરી છે અને કટોકટીની સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 જારી કર્યા છે.

એરફોર્સના બે હેલિકોપ્ટર રવાના થયા
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા મુજબ ઘટનાને પગલે વાયુસેનાના બે હેલિકોપ્ટર MI-17 અને એક ALH સવારે 7.30 વાગ્યે સુલુરથી રવાના થયા હતા. તેમજ બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે. આ સાથે જ કેરળમાં વ્યથિરી, કાલાપટ્ટા, મેપ્પડી અને માનંતવડી હોસ્પિટલ સહિતની તમામ હોસ્પિટલો ઘાયલની સારવાર માટે તૈયાર કરવામાં આવ્યા હતા. તેમજ તમામ આરોગ્ય કર્મચારીઓ રાત્રે સેવા માટે આવી પહોંચ્યા હતા અને વાયનાડમાં આરોગ્ય કર્મચારીઓની વધુ ટીમો તૈનાત કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

Most Popular

To Top