National

કુલ્લુમાં ભૂસ્ખલન: બે મકાન ધરાશાયી, 4નાં મૃતદેહ મળી આવ્યા, અનેક હજુ ગુમ

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના નિર્મંદ વિસ્તારના ઘાટુ પંચાયતના શરમાની ગામમાં મોડી રાત્રે થયેલા ભૂસ્ખલનથી બે મકાન પૂરેપૂરા ધરાશાયી થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં કુલ આઠ લોકો કાટમાળ નીચે દટાયા હતા. જેમાં અત્યાર સુધીમાં ચારનાં મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ચાર લોકો હજુ સુધી ગુમ છે. ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છે.

માહિતી અનુસાર, ભૂસ્ખલન રાત્રે લગભગ બે વાગ્યે થયું હતું. કાટમાળ હેઠળ દબાયેલા લોકોમાંથી એક મહિલાનો મૃતદેહ સૌથી પહેલા બહાર કાઢાયો હતો. જેની ઓળખ શિવ રામની પત્ની રેવતી દેવી તરીકે થઈ હતી. ત્યારબાદ વધુ ત્રણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ ટીમો હજુ પણ ગુમ થયેલા ચાર લોકોની શોધમાં લાગી છે.

આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. જેમાં શિવ રામ, ધરમ દાસ અને કલા દેવીનો સમાવેશ થાય છે. ત્રણેની નિર્મંદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ, ગુમ થયેલા લોકોમાં ચુની લાલ, અંજના, પાંચ વર્ષનો ભૂપેશ અને સાત વર્ષની જાગૃતિનો સમાવેશ થાય છે. એવી આશંકા છે કે તેઓ હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો, પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘાટુ પંચાયતના પ્રધાન ભોગારામે જણાવ્યું કે રાત્રે માહિતી મળતાની સાથે જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરવી હતી.

એસડીએમ નિર્મંદ મનમોહન સિંહે જણાવ્યું કે બચાવ કાર્ય ચાલુ છે અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી છે. હાલ સુધી ચારનાં મૃતદેહ મળી આવ્યા છે અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

આકસ્મિક ઘટનાથી શરમાની ગામમાં શોકનો માહોલ છે. લોકો પોતાના પ્રિયજનોને શોધવા આતુર છે અને કાટમાળ દૂર કરવા સ્થાનિક લોકો પણ બચાવ દળને મદદ કરી રહ્યા છે.

Most Popular

To Top