ઉત્તરાખંડના ગઢવાલમાં ફરી એકવાર કુદરતી આફતનો દ્રશ્ય જોવા મળ્યો. બદ્રીનાથ હાઈવે પર અચાનક પહાડ તૂટી પડતાં ભારે ભૂસ્ખલન સર્જાયું હતું. જેમાં ભાજપના સાંસદ અનિલ બલુની બચી ગયા હતા. સાંસદ બલુની ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મળવા જઈ રહ્યા હતા. ત્યારે અચાનક આ બનાવ બન્યો હતો.
જોકે ખતરાનો અહેસાસ થતાં તેઓ તરત જ કારમાંથી બહાર નીકળીને સલામત સ્થળે દોડી ગયા હતા. બાદમાં સાંસદે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે ખુબ જ વાયરલ થયો છે.
ચોમાસાની સીઝનમાં ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન સતત થઈ રહ્યું છે. ખાસ કરીને કર્ણપ્રયાગ અને નંદપ્રયાગ વચ્ચે ઉમટા વિસ્તારમાં નવો ભૂસ્ખલન ઝોન ઊભો થયો છે. આ ઝોન દરરોજ હાઇવેને અવરોધી રહ્યો છે. જેના કારણે મુસાફરો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ભૂસ્ખલનના કાટમાળને કારણે ટ્રાફિક વારંવાર બંધ થઈ જાય છે.
હાલની સ્થિતિ એવી છે કે ઉમટા વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે હાઇવેને અડીને આવેલ આરસીસી પુલનો એક છેડો ધસી ગયો છે. પુલનો પાયો નબળો પડી ગયો છે અને નીચેનો નાળો કાટમાળથી ભરાઈ ગયો છે. જો ટેકરીઓ પરથી પાણીનો પ્રવાહ વધે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હાલમાં હાઇવે પર ફક્ત એક તરફી ટ્રાફિક જ ચાલુ રાખવામાં આવ્યો છે.
સાંસદ અનિલ બલુનીનો જીવ બચી જવો એક મોટી રાહત ગણાય છે પરંતુ આ ઘટનાએ ફરી એકવાર ઉત્તરાખંડમાં કુદરતી આપત્તિઓ સામે તાત્કાલિક અને મજબૂત આયોજનની જરૂરિયાત પર પ્રશ્ન ચિહ્ન ઊભા કર્યા છે.