કામરેજ : લસકાણા બજરંગ રો હાઉસમાં યુવાનને રૂ. 22 લાખમાં વેચવા આપેલો કામરેજના પ્લોટનો (Plot) સોસાયટીના પ્રમુખ સહિત ચાર શખ્સોએ રૂપિયા આપ્યા વગર દસ્તાવેજ (Document) કરાવીને બારોબાર વેચી દઈ છેતરપિંડી (Fraud) કરી હતી.
મુળ રાજકોટ જિલ્લાના જેતપુરના રહેવાસી અને હાલ સુરત જિલ્લાના લસકાણા ખાતે બજરંગ રો હાઉસમાં મકાન નંબર 33માં રહેતા દિપક વિશનદાસ મંગેશ દુકાન ચલાવે છે. 2015માં કામરેજ ખાતે પટેલ નગરમાં બ્લોક નંબર 554 પૈકી પ્લોટ નંબર 236 રૂ.18 લાખમાં માતા શાંતાબેન તેમજ નાનાભાઈ ભરતના નામે ખરીદયો હતો. દોઢ વર્ષ બાદ ધંધામાં નુકસાન જતાં પ્લોટ વેચવા માટે કાઢયો હતો. 2019ના નવેમ્બરમાં પટેલ નગર સોસાયટીના પ્રમુખ અરવિંદ નાનુભાઈ બોધાણીને 22 લાખમાં પ્લોટ વેચવા માટે વાત કરી તા. 26-11-19ના રોજ દીપકની ઓફિસે ભેગા થયા હતા.
અરવિંદભાઈએ ‘અલગ અલગ લોકો પાસે રૂપિયા તમને મળી જશે’ તેમ કહીને કામરેજ મામલતદાર કચેરી ખાતે દસ્તાવેજ કરવા જતાં રહ્યા હતા. પરંતુ સબ રજીસ્ટ્રારે જણાવ્યું કે દસ્તાવેજ થયો નથી. ત્યારબાદ 3 દિવસ બાદ મામલતદાર કચેરી ખાતે પ્લોટનો વેચાણ દસ્તાવેજ ભાનુબેન પરબત સાવલીયા (રહે.36 બજરંગ રો હાઉસ લસકાણા (મુળ રહે.જુનીબારપોતળી, તા.રાજુલા, જિ.અમરેલી)ને કરી આપ્યો હતો. ત્યાર બાદ અરવિંદ બોધાણી અને પરબત દુલાભાઈ સાવલીયાએ રૂપિયા આપ્યા નહીં ને તા.7-1-2020ના રોજ રાધવજી બચુ બોધાણી (રહે.ડી-1-104 ઓપેરા પેલેસ ખોલવડ)ને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. છેતરાયેલા દીપકભાઈએ કામરેજ પોલીસ મથકમાં અરવિંદ બોધાણી, ભાનુબેન સાવલીયા ,પરબત સાવલીયા તેમજ રાધવજી બોધાણી સામે છેતરપિંડી અને વિશ્વાસધાતની ફરિયાદ નોંધાવી હતી.
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં ઘેનવાળી બિસ્કીટ ખવડાવી સોનાની ચેઇન, રોકડની ચોરી
વલસાડ : વલસાડ પંથકમાં ટ્રેનોમાં થતી ચોરીની ઘટના યથાવત રહી છે. જેમાં ઘેનવાળી બિસ્કીટ ખવડાવી મુસાફરોને બેહોશ કરી ચોરી કરતી ગેંગ ફરીથી સક્રિય બની છે. આ ગેંગે એક મુસાફરને બેહોશ કરી તેની સોનાની ચેન, મોબાઇલ અને રોકડ મળી કૂલ રૂ. 69 હજારની મત્તાની ચોરી કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ મુંબઇ ભાયંદરમાં રહેતા નિરવકુમાર ભરૂચથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં મુંબઇ જઇ રહ્યા હતા. તેમને મુસાફરી દરમિયાન મરોલી રેલવે સ્ટેશન પાસે કોઇ વ્યક્તિએ ઘેન વાળી બિસ્કીટ ખવડાવી દીધી હતી. જે ખાઇને તે સુઇ ગયા હતા અને પાલઘર સ્ટેશન પર ઉઠ્યા હતા. ત્યારે વલસાડ પંથકમાં કોઈ વ્યક્તિ તેની સોનાની ચેન, મોબાઇલ અને રોકડા રૂ. 2 હજાર મળી કુલ રૂ.69 હજારની મત્તાની ચોરી કરી ગયો હતો. આ બનાવ સંદર્ભે નિરવે મુંબઇ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ટ્રાન્સફર થઇને વલસાડ આવતા વલસાડ રેલવે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.