કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ફેન્સ માટે ખુશીના સમાચાર છે. કિયારા અને સિદ્ધાર્થ બંને માતા-પિતા બન્યા છે. કિયારાએ એક પુત્રીને જન્મ આપ્યો છે. માહિતી મુજબ કિયારા અને પુત્રી બંને સ્વસ્થ છે. આ સમાચાર સાંભળ્યા પછી તેમના ફેન્સ સોશિયલ મીડિયા પર બંનેને અભિનંદન આપી રહ્યા છે. કિયારા અડવાણીની ડિલિવરી મુંબઈમાં સ્થિત રિલાયન્સ હોસ્પિટલમાં થઈ હતી.
ફેબ્રુઆરી 2025માં કિયારા અને સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી અને હવે બંને એક નવી સફર શરૂ કરવા જઈ રહ્યા છે.

તા.28 ફેબ્રુઆરીએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરતી વખતે કિયારાએ સોશિયલ મીડિયા પર એક તસવીર પણ શેર કરી, જેમાં બંનેએ હાથમાં બેબી મોજાં પકડેલા હતા. ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે કે “આપણા જીવનની સૌથી મોટી ભેટ, ટૂંક સમયમાં આવી રહી છે.” હવે તે દિવસ આવી ગયો છે. ભગવાને બંનેને લક્ષ્મી(પુત્રી) આપી છે.
કિયારા અડવાણીએ પરિવારને વધુ પ્રાથમિકતા આપી :
કિયારા અડવાણીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તેને પ્રેગ્નેન્સીને કારણે ઘણી મોટા બજેટની ફિલ્મો કરવાની ના પાડી દીધી હતી. ફરહાન અખ્તરની ફિલ્મ ડોન પણ આ લિસ્ટમાં સામેલ છે. અહેવાલો અનુસાર, કિયારા આ ડોન ફિલ્મ અભિનેતા રણવીર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળતે, પરંતુ એક્ટ્રેસે પોતાની પર્સનલ લાઈફને વધુ પ્રાથમિકતા આપતા આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળવાનું યોગ્ય માન્યું.
પ્રેગ્નેન્સી પહેલા એક્ટ્રેસ કિયારાએ ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆર સાથે ફિલ્મ વોર 2 નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું, જે ઓગસ્ટ 2025માં રિલીઝ થઈ રહી છે. તેમજ સિદ્ધાર્થની પણ એક ફિલ્મ આવી રહી છે જેમાં, સિદ્ધાર્થ મલ્હોત્રા જાહ્નવી કપૂર સાથે ફિલ્મ ‘પરમ સુંદરી’માં જોવા મળશે.
કિયારા અને સિદ્ધાર્થની લવ સ્ટોરી:
કિયારા અને સિદ્ધાર્થની પ્રેમ કહાની વર્ષ 2018માં આવેલી ફિલ્મ લસ્ટ સ્ટોરીઝની રેપ-અપ પાર્ટીથી શરૂ થઈ હતી. આ પાર્ટીએ બંને વચ્ચે એક ક્નેક્શન બન્યું હતું જે બાદ આ કપલ તેમની પહેલી ફિલ્મ ‘શેરશાહ’ માં જોવા મળ્યું હતું.
થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ ફેબ્રુઆરી 2023 માં લગ્ન કર્યા. લગભગ અઢી વર્ષના લગ્નજીવન પછી આ સ્ટાર કપલે તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે.