Editorial

નીટ મામલે આજે સુપ્રીમમાં થનારી સુનાવણી પર દેશના લાખો વિદ્યાર્થીઓ નજર રાખીને બેઠા છે

એક તરફ ભારતમાં મોટાપાયે ડોકટરોની અછત છે. સરકાર દ્વારા ડોકટરોની સંખ્યા વધારવા માટે પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ બીજી તરફ વિટંબણા એ છે કે સરકાર જે તે કોમ્પિટેટિવ એક્ઝામમાં પેપર લીક રોકી શકતી નથી. તાજેતરમાં નીટ-24ની પરીક્ષામાં પણ પેપર લીક થયું અને હોબાળો મચી ગયો. પેપરલીક કરનાર અને તેનો લાભ લેનારની પહેલા પોલીસ અને બાદમાં સીબીઆઈએ ધરપકડો કરી લીધી પરંતુ આ ઘટનાને કારણે જે વમળો સર્જાયા છે તેનો ભોગ હવે વિદ્યાર્થીઓ બની રહ્યા છે. નીટ-24નું પરિણામ જાહેર થયાને દોઢ માસ કરતાં પણ વધુ સમય વિતી ચૂક્યો છે અને હજુ સુધી એમબીબીએસમાં પ્રવેશો શરૂ થઈ શક્યા નથી.

નીટ મામલે સુપ્રીમ કોર્ટેમાં આશરે 40થી વધુ અરજીઓ થઈ છે અને તેને કારણે સુપ્રીમ કોર્ટને પણ નિર્ણય આપવામાં વિલંબ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વિધામાં છે કે નીટનું આજ પરિણામ રહેશે કે પછી ફરીથી નીટ લેવામાં આવશે? કે પછી કોઈ નવો જ ઘટસ્ફોટ થશે? આજે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટી, ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ દ્વારા આ તમામ અરજીઓના મામલે સુનાવણી કરવામાં આવશે ત્યારે વિદ્યાર્થીઓના શ્વાસ અદ્ધર થઈ જવા પામ્યા છે. જે 40 અરજીઓ છે તેમાં એક એનટીએ એટલે કે જેના દ્વારા નીટની પરીક્ષા લેવામાં આવી તેની પણ છે.

અગાઉ 11મી જુલાઈના રોજ સુનાવણી થઈ હતી ત્યારે સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરવી, ફરીથી પરીક્ષા લેવી સહિતના તમામ મુદ્દે સુનાવણી આજે મુકરર કરી હતી. આ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે નીટની પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરિતી થઈ હોવાનો ઈન્કાર કર્યો હતો. કેન્દ્ર સરકારે એવા દાવાઓ કર્યા હતા કે આઈઆઈટી મદ્રાસ દ્વારા જે તપાસ કરવામાં આવી છે તેમાં કોઈ મોટી અનિયમિતતાના સંકેત મળ્યા નથી.

ઉપરાંત ઉમેદવારોના સ્થાનિક કોઈપણ જુથને ફાયદો પણ થયો નથી. અગાઉ તા.5મી મેના રોજ 14 વિદેશી શહેરો સહિત ભારતના 571 શહેરમાં 4750 કેન્દ્ર પર 23.33 લાખથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા નીટની પરીક્ષા આપવામાં આવી હતી. આ તમામ વિદ્યાર્થીઓના ભાવી હાલમાં અદ્ધરતાલ થઈ જવા પામ્યા છે. દેશમાં પ્રથમ વખત છે કે આ રીતે આટલા મોટાપાયે જે પરીક્ષામાં વિદ્યાર્થીઓ સંકળાયેલા હોય તે પરીક્ષાના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હોય ત્યારે લાખો વિદ્યાર્થીઓ એની જ રાહ જોઈ રહ્યા છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા શું નિર્ણય આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે મામલો સંભાળ્યો પછી પણ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી છે. ખરેખર સરકારે આ મામલે ગંભીરતા બતાવીને સુપ્રીમ કોર્ટમાં ઝડપથી નિર્ણય આવે તે માટે પ્રયત્નો કરવા જોઈએ. જે વિદ્યાર્થીઓ દ્વારા નીટ આપવામાં આવી અને જે ક્વોલિફાય થયા છે તે તમામ દેશનું ભાવિ છે.

આ સંજોગોમાં આ વિદ્યાર્થીઓનો બગડી રહેલો સમય દેશના ભાવિને પણ નુકસાનકર્તા છે. સરકારે ખરેખર આ પરીક્ષાઓમાં એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે તેમાં પેપરલીકની કોઈ સમસ્યા જ નહીં આવે. જે રીતે નીટ પીજીની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે તેવી જ રીતે જો નીટ યુજીની પરીક્ષા પણ ઓનલાઈન લેવામાં આવે તો આવી પેપરલીકની ઘટનાઓને નિવારી શકાય. આખા દેશમાં એક જ નીટની પરીક્ષા મેડિકલમાં પ્રવેશ માટે લેવાની કેન્દ્ર સરકારની વ્યવસ્થા યોગ્ય જ છે પરંતુ આ વ્યવસ્થામાં રહેલા છીંડાનો લાભ લેભાગુઓ લઈ રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પણ આમાં જોડાઈને પોતાને તેમજ અન્ય વિદ્યાર્થીઓને મોટું નુકસાન કરી રહ્યા છે.

નીટની પરીક્ષા એટલા માટે પણ મહત્વની છે કે તેના દ્વારા દેશના ડોકટરો તૈયાર થવાના છે. જેણે લોકોના જીવ બચાવવાના છે. જો ખોટી વ્યક્તિ ડોકટર બનશે તો બની શકે છે કે તે દર્દી માટે જીવલેણ પણ બને. કેન્દ્ર સરકારે આ તમામ મુદ્દે ધ્યાન આપવાની જરૂરીયાત છે. સુપ્રીમ કોર્ટમાં ભલે જે નિર્ણય આવે પરંતુ કેન્દ્ર સરકારે હવે એ મુદ્દે ચોક્કસ રહેવું પડશે કે હવે કોઈપણ સંજોગોમાં પેપરલીક નહીં થાય. આજે હવે સુપ્રીમ કોર્ટમાં જો નિર્ણય આવી જશે તો મેડિકલમાં પ્રવેશની પ્રક્રિયા આગળ ચાલશે અન્યથા વિદ્યાર્થીઓએ હજુ પણ ઉભડક જીવે જ રહેવાનું છે તે નક્કી છે.

Most Popular

To Top