દેલાડ: ઓલપાડના લવાછા ગામે (Lavacha Village) સંધેરાનાં ઝાડ સાથે દોરડું બાંધી ટેમ્પોમાંથી (Tempo) પરાળ ખેંચતી વખતે બે યુવક વચ્ચે બબાલ મચી હતી. ચોર્યાસી ફળિયામાં (Choraci) રહેતો હિરેન મોહન પટેલ તારીખ 15ના રોજ પડોશમાં રહેતા શૈલેશ ભગુ પટેલ ટેમ્પોમાં ડાંગરનું પરાળ ભરીને ઘરે આવ્યો હતો, એ સમયે તેણે ટેમ્પોમાંથી પરાળ ખાલી કરવા હિરેન પટેલના ઘરના વાડામાં રોપેલ સંધેરાના ઝાડ સાથે દોરડું બાંધી ટેમ્પોમાંથી પરાળ ખેંચી રહ્યો હતો. જેથી હિરેન પટેલે ઝાડ થકી પરાળ ખેંચવાની તેને ના પાડી હતી. જેના પગલે આરોપી શૈલેશ ભગુ પટેલે તેને ગાળો આપી ઢીક્કામુક્કીનો માર માર્યો હતો. બાદ તેણે એકદમ ઉશ્કેરાઇ જઈ ટેમ્પોની બાજુમાં પડેલા લાકડાનો ફટકો હિરેનને મારતાં બંને હાથની હથેળીઓમાં ઇજા થઈ હતી.
લાકડાનો ફટકો મારતાં ગંભીર ઈજાઓ થઇ હતી
આ બબાલમાં હિરેનના પિતા દોડી આવતાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને તે વખતે ધમકી આપી હતી કે, જો હવે પછી તું મને ઝાડ સાથે દોરડું બાંધવાની ના પાડશે તો તને જાનથી મારી નાંખીશ. જ્યારે હિરેન પટેલને બંને હાથની હથેળીઓમાં ઇજા થતાં તેણે ઓલપાડ ખાતેના સરકારી દવાખાનામાં સારવાર લઇ આરોપી વિરુદ્ધ ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે શૈલેશ ભગુ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કડોદરામાં બે ધારદાર ચપ્પુ સાથે એક શખ્સની અટક
પલસાણા: કડોદરા પોલીસની ટીમે બે ધારદાર ચપ્પુ સાથે એક શખ્સની અટક કરી હતી. વિધાનસભાની ચૂંટણીમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ તેની સામે જી.પી.એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી આચારસંહિતાના અમલીકરણ સંદર્ભે કડોદરા GIDC પોલીસે પેટ્રોલિંગમાં હતી. એ સમયે કડોદરા રસ્તા નજીક એક ઈસમ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે એ હેતુથી બે રામપુરી ચપ્પુ લઈ ફરતો હોવાથી પોલીસે તેને ઝડપી લીધો હતો. સુરત કલેક્ટર દ્વારા વિધાનસભા ચૂંટણી આચારસંહિતાના અમલીકરણ સંદર્ભે જાહેર કરવામાં આવેલા હથિયારબંધી અંગેના જાહેરનામાનો ભંગ કરતાં પોલીસે પકડાયેલો ઈસમ અકદસ અય્યુબ મહેંદીહસન પઠાણ (રહે.,મદીના મસ્જિદ પાસે, કડોદરા, મૂળ રહે., અકબરપુર ઢેલનો શરીફ વિસ્તાર, અકબરપુર, ઉત્તરપ્રદેશ)ની અટક કરી હતી. પોલીસે તેની પાસેથી બે ચપ્પુ કિંમત રૂ.350 કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.