ઘણી વખત એવું બનતું હોય છે કે બહારનું વાતાવરણ કોઈ કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે અથવા તો તે કાર્ય કર્યા સિવાય છૂટકો નથી તેવા સંજોગો ઊભા થાય છે. સંજોગોને આધીન માણસ તે કાર્ય કરે છે પરંતુ ભવિષ્યમાં એવું બને છે કે આ જ કાર્ય માનવીને સફળતાના નવા માપદંડ સુધી ખેંચી જાય છે. આવા સમયે ભૂતકાળના સંજોગો જ તમારી સફળતાની કેડી બની જાય છે. એવા કેટલાય સફળ ઉદ્યોગપતિઓના દાખલા મોજૂદ છે, જેમાં કોઈ સંજોગોને આધીન તેમણે કેટલાક નિર્ણયો લીધા હોય અને આ જ કારણે તેમણે ભવિષ્યમાં અપાર સિદ્ધિ મેળવી હોય.
જ્યારે સંજોગો વિપરીત હોય ત્યારે અમુક નિર્ણય ફોર્સફુલી લેવા પડતા હોય છે. અણગમા સાથે લીધેલા નિર્ણય ભવિષ્યમાં ‘લેડી લક’ બની જતા હોય છે. જ્યારે પરિસ્થિતિ કઠીન હોય ત્યારે આપણે નસીબને દોષ દઈએ છીએ. આવી કઠીન પરિસ્થિતિ આપણને અમુક દિશા તરફ દોરી જતી હોય છે. માનવીની માનસિક પરિસ્થિતિ કેવી મજબૂત છે, તેના પર પરિસ્થિતિના વળાંકો મોટે ભાગે આધારિત હોય છે. કહેવાનો મતલબ છે કે સંજોગો તમને કોઈ ચોક્કસ દિશા તરફ દોરી જતા હોય છે, ત્યારે સંજોગોને માન આપી આ પરિસ્થિતિમાં પણ શ્રેષ્ઠતા બતાવવાનો જો પ્રયત્ન કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળશે જ.
એક ઉદાહરણ જોઈએ. કર્ણાટક રાજ્યના ઉડ્ડુપીમાં રોહિત ભાટ નામની વ્યકતિએ ‘રોબોસોફ્ટ’ નામની કંપની સ્થાપી, જે આજે App અને IT ફિલ્ડમાં ભારતની ગણમાન્ય કંપની ગણાય છે. રોહિત ભાટનો ઇતિહાસ સમજવા જેવો છે. મેંગ્લોરથી 54 Km દૂર એક નાનકડી કૉલેજમાં જ્યારે તેમણે અભ્યાસ ચાલુ કર્યો, ત્યારે તેની શરૂઆત જ સંઘર્ષથી થઇ હતી. નોકરી કરવાની ઈચ્છા ન હતી, પરંતુ સંજોગો એવા હતા કે નોકરી કરવી જ પડે. એક જાપાનીઝ કંપનીમાં નોકરી મેળવી. રોહિતને વધારે રસ હાર્ડવેરમાં હતો પરંતુ નોકરીમાં ખાલી જગ્યા સોફ્ટવેરની હતી. જાપાનીઝ લોકો ઉપયોગમાં લઇ શકે તેવું ‘માઈક્રોસોફ્ટ વર્ડ’નું સોફ્ટવેર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું.
જ્યારે દુનિયા MS DOS અને વર્ડસ્ટાર વાપરતી હતી, ત્યારે રોહિતને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને મેકિન્ટોશ પર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું. મારા રસથી વિપરીત આ કામ હતું અને ખૂબ જ પડકારરૂપ કામ હતું. રોહિત ભાટના કહેવા મુજબ આ કામ મેં ખંતથી કર્યું અને ફક્ત 1 વર્ષમાં આ કામે મારી આંખો ખોલી દીધી. જાપાનીઝ લોકોની કામ કરવાની શૈલી અને દેશની કામ કરવાની પ્રતિબદ્ધતાને લીધે મને ખૂબ જ પ્રેરણા મળી. અમેરિકાએ બૉમ્બ ફેંકીને જે દેશને તારાજ કરી દીધો હતો એ જ દેશ આજે દરેક ક્ષેત્રે અમેરિકાને હંફાવી રહ્યો છે. ટેક્નોલોજી હોય કે મેન્યુફેક્ચરિંગ, ઓટો મોબાઈલ હોય કે બીજી કોઈ બાબત હોય એકેએક કામદાર દેશદાઝથી ભરપૂર છે.
રોહિત ભાટના મતે ‘મારા ન ગમતા કાર્યે અને સંજોગોએ મને નવી દિશા આપી. આજે અમારી કંપની I Phoneની સ્ટ્રેટેજિક પાર્ટનર છે. ગ્લોબલ ડિલાઇટ અને 99 ગેમ્સ નામની અમારી પ્રોડકટ્સ આજે વિશ્વપ્રસિદ્ધ છે. I Phone અને I Padના વપરાશકારો સુંદર ફોટા પાડી શકે તે માટે કેમેરા પ્લસ નામની અમારી App ભારે લોકપ્રિય છે. સંજોગોએ મને આ બિઝનેસમાં ખેંચ્યો પરંતુ આજે હું મારા તે વખતના સંજોગોને યાદ કરી આભાર વ્યક્ત કરું છું. આજે અમારું ઓફિસ બિલ્ડીંગ જોઈને અનેક વ્યક્તિઓના મોંમાંથી ‘WOW’ સરી પડે છે. શરૂઆતમાં કંપની શરૂ કરી ત્યારે શું ન કરવું અને શું કરવું તે શીખવામાં લાગ્યા. આજે તો એવું છે કે શું શું કરવું તેની મથામણમાં જ અમારી કોર ટીમ લાગેલી હોય છે.’ કહેવાનું તાત્પર્ય એ છે કે સંજોગોને આધીન રહીને જો તમે શ્રેષ્ઠ આપશો તો તમારી સફળતાને કોઈ રોકી નહિ શકે.
ubhavesh@hotmail.com
કેટલીક ટિપ્સ…
1. પરિસ્થિતિ જેવો વળાંક લે, તેવો જ વળાંક તમારે લેવો અને તેમાંથી માર્ગ કાઢવો.
2. વિષમ પરિસ્થિતિ તમને અત્યારે લાગતી હોય પરંતુ એ વિચારો કે કદાચ ભવિષ્યમાં આ જ વસ્તુ તમને ઉપયોગી થઇ શકે.
3. શાંત મન એ કોઈ પણ પરિસ્થિતિ અને સંજોગોને પહોંચી વળવાનું અમોઘ હથિયાર છે.
4. કોઈ પણ સંજોગો અને સ્થિતિમાં તમે તમારું 100 % આપો, બાકી બધું કુદરત પર છોડી દો. તમારું સારું જ થશે.