IPL 2026ની છઠ્ઠી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ઈડન ગાર્ડન્સમાં જોરદાર મુકાબલો જોવા મળી રહ્યો છે. બંને ટીમો પોતાની પહેલી જીતની શોધમાં મેદાનમાં ઉતરી હતી, જેમાં કોલકાતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ માટે ઉતરેલી હૈદરાબાદની ટીમે શરૂઆતથી જ આક્રમક રમત દાખવતા ટ્રેવિસ હેડે 46 અને અભિષેક શર્માએ 48 રનની ઝડપી ઇનિંગ રમીને ટીમને મજબૂત પાયો આપ્યો હતો. ત્યારબાદ હેનરિક ક્લાસેનએ શાનદાર અડધી સદી ફટકારી અને ટીમના સ્કોરને વધુ મજબૂત બનાવ્યો હતો. તેની 52 રનની ઇનિંગના કારણે SRHએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 226 રન બનાવ્યા અને KKR સામે જીતવા માટે 227 રનનો મોટો લક્ષ્યાંક મૂકી દીધો છે.
બોલિંગમાં કોલકાતા માટે મુઝરાબાનીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ચાર વિકેટ ઝડપી, જ્યારે વૈભવ અરોરાએ બે વિકેટ લીધી. અન્ય બોલરોમાં કાર્તિક અને અનુકુલે એક-એક વિકેટ મેળવી. તેમ છતાં, ટીમ હૈદરાબાદને મોટા સ્કોરથી રોકવામાં નિષ્ફળ રહી હતી. આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ પોતાની શરૂઆતની મેચ હારી ચૂકી છે. KKRને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે SRHને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પરાજય મળ્યો હતો. તેથી, બંને ટીમો માટે આ જીત ખૂબ જ જરૂરી બની ગઈ છે.
ઇડન ગાર્ડન્સમાં KKRનો રેકોર્ડ મજબૂત રહ્યો છે, પરંતુ આ સિઝનમાં તેમની બોલિંગ ચિંતાનો વિષય બની છે. મુખ્ય બોલરોની ગેરહાજરી અને ઈજાઓના કારણે ટીમનું બોલિંગ યુનિટ નબળું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને સ્પિન જોડી સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીનું પ્રદર્શન અપેક્ષા મુજબ નથી રહ્યું. હવે નજર રહેશે કે KKR આ 227 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કેવી રીતે કરે છે અને શું તેઓ પોતાની પહેલી જીત મેળવી શકે છે કે નહીં.