હૈદરાબાદ : આઇપીએલમાં (IPL) આવતીકાલે ગુરૂવારે જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પોતાના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે મેદાને ઉતરશે ત્યારે તેમના ટોપ ઓર્ડર પર દબાણ રહેશે. બંને ટીમો ટેબલના તળિયે છે અને એક હાર તેમની પ્લે-ઓફ ક્વોલિફિકેશનની તકોમાં ગંભીર ઘટાડો કરી જશે.
અભિષેક શર્માને ઓપનિંગમાં પાછો લાવીને સનરાઇઝર્સે સારું કામ કર્યું છે અને હવે તેઓ તેમના અન્ય ઓપનર મયંક અગ્રવાલ પાસે પણ તેના જેવી જ આશા રાખશે. એકંદરે બેટિંગ સનરાઇઝર્સ માટે ક્લિક થઈ નથી અને તેથી ટૂર્નામેન્ટના બીજા ભાગમાં તેઓ પોતાને ભયાવહ સ્થિતિમાં મૂકી દે તેમાં કોઇ નવાઇની વાત નથી. મયંક અગ્રવાલ ટોચ પર નબળું પ્રદર્શન કરી રહ્યો છે, ત્યારે ત્રીજા નંબરે રાહુલ ત્રિપાઠી પણ યોગ્ય પ્રદર્શન કરી શક્યો નથી. સુકાની એડન માર્કરમ જવાબદારી સમજવી પડશે. સદી ફટકાર્યા પછી સતત નિષ્ફળ રહેલા હેરી બ્રુક મિડલ ઓર્ડરમાં પાછો ફર્યો છે અને તેની પાસે ટીમ મેનેજમેન્ટ આશા રાખશે.
ફાસ્ટ બોલર ઉમરાન મલિકનો બોલરોમાં સૌથી ખરાબ ઇકોનોમી રેટ છે અને તેણે સાત મેચમાં માત્ર પાંચ વિકેટ લીધી છે, જે ટીમની મુશ્કેલીઓમાં ફાળો આપે છે. કેકેઆર પણ તેમના બેટ્સમેન પાસેથી વધુ રિધમની અપેક્ષા રાખશે કારણ કે તેઓ નવ મેચમાં છ પરાજય પછી તેમના અભિયાનને પાટા પર લાવવાનું વિચારે છે.