Sports

સનરાઇઝર્સ હૈદરાબાદે કેકેઆરને 23 રને હરાવ્યું

કોલકાતા : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023ની (IPL 2023) સિઝનમાં હેરી બ્રુકની નોટઆઉટ સદી ઉપરાંત કેપ્ટન એડન માર્કરમની 26 બોલમાં અર્ધસદીની સાથે જ અભિષેક શર્માના 17 બોલમાં 32 અને હેનરિક ક્લાસેનના 6 બોલમાં 16 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) હાલની સિઝનમાં પહેલીવાર 200 રનના સ્કોરનો આંકડો પાર કરીને 4 વિકેટે 228 રન બનાવીને મૂકેલા 229 રનના લક્ષ્યાંક સામે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) 20 ઓવરમાં 7 વિકેટે 205 રન સુધી જ પહોંચતાં સનરાઇઝર્સનો 23 રને વિજય થયો હતો.

  • હેરી બ્રુકની સદી ઉપરાંત માર્કરમની અર્ધસદી, અભિષેક શર્માના 17 બોલમાં 32 અને ક્લાસેનના 6 બોલમાં 16 રનથી સનરાઇઝર્સે 228 રન કર્યા
  • નીતિશ રાણા અને રિન્કુ સિંહની તોફાની બેટીંગ છતાં કોલકાતા નાઇટ રાઇડર્સ 20 ઓવરમાં 7 વિકેટે 205 રન સુધી જ પહોંચી શક્યું

લક્ષ્યાંક કબજે કરવા ઉતરેલી કેકેઆરની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને 20 રનના સ્કોર પર તેમણે 3 વિકેટ ગુમાવી દીધી હતી. નારાયણ જગદીશન અને નીતિશ રાણા વચ્ચે તે પછી 62 રનની ભાગીદારી કરીને બાજી થોડી સુધારી હતી. કેકેઆરે 96 રનમાં 5 વિકેટ ગુમાવ્યા પછી નીતિશ રાણા અને રિન્કુ સિંહ વચ્ચે તે પછી 38 બોલમાં 69 રનની ભાગીદારી થઇ હતી. નીતિશ 41 બોલમાં 75 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરમાં 32 રન કરવાના આવ્યા હતા, અને પહેલા બોલે શાર્દુલ આઉટ થતા કેકેઆરની આશાઓનો અંત આવ્યો હતો. રિન્કુ 31 બોલમાં 58 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ટોસ હારીને પહેલા બેટીંંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સે સારી શરૂઆત પછી 57 રનમાં 2 વિકેટ ગુમાવી હતી. તે પછી બ્રુક અને માર્કરમ વચ્ચે 72 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. માર્કરમ 26 બોલમાં 50 રન કરીને આઉટ થયો હતો. તે પછી બ્રુક અને અભિષેક વચ્ચે 72 રનની ભાગીદારી થઇ હતી. અભિષેક 17 બોલમાં 32 રન કરીને આઉટ થયો હતો અને અંતિમ ઓવરોમાં બ્રુકે પોતાની આઇપીએલની પહેલી સદી ફટકારી હતી. તે 55 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 100 અને ક્લાસેન 6 બોલમાં 16 રન કરીને નોટઆઉટ રહ્યા હતા અને ટીમનો સ્કોર 4 વિકેટે 228 રન થયો હતો. કેકેઆર વતી આન્દ્રે રસેલે 3 જ્યારે વરૂણ ચક્રવર્તીએ 1 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top