Dakshin Gujarat

કિસાન સન્માન નિધિના હપ્તા માટે ઈ-કેવાયસી ફરજિયાત

વલસાડ : ખેડૂતોની (Farmer) આવક વધારવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મુકવામાં આવી હતી. જે અંતર્ગત ખેડૂતોને રૂ. 2000ના 3 હપ્તામાં કુલ વાર્ષિક રૂ. 6000ની સહાય મળે છે. જેને ખેડૂતો માટે સન્માનની રકમ પણ કહેવામાં આવે છે. પરંતુ PM Kisan એકાઉન્ટમાં e-KYC નહી કર્યુ હોય તો હપ્તો મળશે નહીં. જેથી આગામી હપ્તા માટે જે ખેડૂતોનું e-KYC કરવાનું બાકી છે. તેમણે તાત્કાલિક e-KYC રહેશે. વલસાડ જિલ્લામાં કુલ 159101 એક્ટિવ ખેડૂતો છે. જે પૈકી 120431 ખેડૂતોએ e-KYC કરાવી લીધુ છે. પણ 38670 ખેડૂતોએ હજુ સુધી પણ ઈ-કેવાયસી કરાવ્યું નથી. જેથી સત્વરે આ કાર્યવાહી પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.

ખેડૂતોને આર્થિક રીતે મદદ કરી શકાય તે માટે સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાકાર કરવામાં આવી છે. જેના થકી ખેડૂતોને રાહત પણ થઈ છે. પરંતુ આ સહાયના હપ્તાની રકમ મેળવવા માટે બેંકમાં ઈ-કેવાયસી હોવુ ફરજિયાત છે. ખેડૂતો ઈ-કેવાયસી વહેલીતકે કરે તે માટે જનજાગૃત્તિ કેળવવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા મોબાઈલથી મેસેજ, ગ્રામ સેવક દ્વારા ગામમાં ખેડૂતોને જાણ કરવામાં આવી અને ગામે ગામ રિક્ષા ફેરવી ઈ-કેવાયસી અંગે જાગૃત્તિ ફેલાવવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે જિલ્લામાં એક્ટિવ 159101 ખેડૂતોમાંથી 120431 ખેડતોએ ઈ-કેવાયસી કરાવી લીધુ પણ હજુ સુધી 38670 ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યુ નથી. જે મુજબ જિલ્લામાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 9594 ખેડૂતોનું ઈ-કેવાયસી બાકી છે. જ્યારે સૌથી ઓછુ વાપી તાલુકામાં 2803 ખેડૂતોનું ઈ-કેવાયસી બાકી છે. જે તમામે આગામી હપ્તા માટે ઈ-કેવાયસી કરાવવુ ફરજિયાત છે.

બેંકમાં જઈને આધાર સિડિંગ કરાવવાનું રહેશે
વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયાએ જણાવ્યું કે, જે ખેડૂત મિત્રોનું ઈ-કેવાયસી બાકી છે. તેઓએ તા. 25 ડિસેમ્બર 2022 સુધીમાં વહેલામાં વહેલી તકે નજીકના વીસીઈ (વિલેજલેવલ કોમ્યુટર ઈન્ટરપ્રિઅર) અને સીએસસી (કોમન સર્વિસ સેન્ટર)નો સંપર્ક કરવાનો રહેશે. જેમનું ઈ-કેવાયસી બાકી છે તેવા ખેડૂતોની યાદી ગ્રામ પંચાયત કચેરીએ મુકવામાં આવી છે. તથા બેંક ખાતાનું આધાર સિડિંગ (ખેડૂતની જમીનની વિગત આધાર કાર્ડ સાથે જોડાયેલી હોવી જોઈએ) બાકી હોય તો જે બેંકમાં ખાતુ હોય ત્યાં જઈને આધાર સિડિંગ કરાવવાનું રહેશે. લેન્ડ સિડિંગ બાકી હોય તેમણે 8-અ, 7/12 નમૂનો, નંબર 6 હકકપત્ર અને આધાર કાર્ડની વિગત ગ્રામ સેવકને આપવાની રહેશે.

Most Popular

To Top