જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવનાથના મૃગીકુંડમાં સ્નાન મુદ્દે વિવાદમાં આવેલી કીર્તિ પટેલને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી પાડ્યા બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. 23 ફેબ્રુઆરી એટલે આજે સાંજે 4 વાગ્યા સુધી એ રિમાન્ડ પર રહેશે. રિમાન્ડ દરમિયાન રહેલી કીર્તિ પટેલે પૂછપરછ દરમિયાન અનેક મહત્વના ખુલાસા કર્યા છે. તેણે સ્વીકાર્યું કે ફરિયાદ નોંધાયા બાદ ધરપકડથી બચવા માટે તે સીધી ઉદયપુર ભાગી ગઈ હતી અને ત્યાં આશરો લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ભાગવા માટે ઉપયોગમાં લેવાયેલી કારનો કબજો પણ લેવામાં આવશે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સાથે જ કીર્તિના અન્ય 4 ફરાર સાથીદારોની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે કુલ 3 અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ એક મહિલા પોલીસ અધિકારીએ નોંધાવી હતી, જેમાં ફરજમાં રુકાવટ કરવી અને મહિલા પોલીસ અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે. બીજી ફરિયાદ પ્રભાસ પાટણના એક સાધુએ નોંધાવી હતી, જેમાં મૃગીકુંડમાં સાધ્વી જેવા વસ્ત્રોમાં સ્નાન કરીને ધાર્મિક લાગણી દુભાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 21 ફેબ્રુઆરીએ એક સ્થાનિક યુટ્યુબરે ત્રીજી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, કીર્તિ પટેલે પોતાના 5 સાથીદારો સાથે મળીને યુટ્યુબર પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. રકમ ન આપીએ તો ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ પણ તેના પર કરવામાં આવ્યો છે. આ દબાણને કારણે તાણ અનુભવતા આ યુવકે 2 વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ તમામ ગુનાઓમાં સંડોવણી સામે આવતાં કીર્તિ પટેલ ફરાર થઈ ગઈ હતી. તપાસ દરમિયાન તે ઉદયપુરમાં હોવાની માહિતી મળતા પોલીસે કાર્યવાહી કરી તેને ઝડપી પાડી હતી. હાલ પોલીસ વધુ પૂછપરછ કરીને સમગ્ર કૌભાંડની કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે.
બીજી એક ઘટના પણ સામે આવી છે, જેમાં ફરિયાદીએ આ હુમલો કીર્તિ પટેલ દ્વારા કરાવ્યો હોવાનું બહાર આવ્યું છે. વાત એમ હતી કે, તાલાળા તાલુકાના ગુંદાળા ગામના રહેવાસી અને ‘રોયલ રાજા’ નામથી યુટ્યુબ ચેનલ ચલાવતા દિનેશ સોલંકી સાથે ગંભીર બનાવ બન્યો છે. મળતી માહિતી મુજબ, ત્રણ કારમાં આવેલા બે મહિલાઓ સહિત 10થી વધુ લોકોએ તેમનું અપહરણ કર્યું હતું. બાદમાં તેમના વાળ અને મૂછ કાપીને તેમની ઉપર ઢોર માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ મારતી વખતે ખેતી પટેલને વીડિયો કોલ પણ કર્યો હતો અને કીર્તિ પટેલે કહ્યું હતું કે રોયલ રાજાને મોજ અને વાળ સારા નથી લાગતા કાપી નાખો જેથી તેમની મોજ અને વાર પણ કાપી નાખ્યા હતા. હાલ દિનેશ સોલંકીની વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને લઈને દિનેશ સોલંકીએ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા તેમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે અને મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. માહિતી મુજબ, થોડા સમય પહેલાં દિનેશ સોલંકીએ ખજૂર ભાઈ તરીકે ઓળખાતા નીતિન જાની અંગે એક પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ મેદકાના સિદ્ધરાજ સાથે પણ તેમની બોલાચાલી થઈ હતી. જો કે, તે સમયે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી. હવે તાજેતરમાં થયેલા હુમલા મામલે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવાઈ હોવાનું મીડિયામાં સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વધતી વ્યક્તિગત દુશ્મની અને વિવાદો હવે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યા હોવાની આ ઘટના ઉદાહરણરૂપ બની છે. પોલીસે સમગ્ર મામલે ગંભીરતા દાખવી તપાસ શરૂ કરી છે.