Gujarat

કિર્તિ પટેલે સાધુઓની વચ્ચે ઘૂસી મૃગીકુંડમાં ડૂબકી મારી

સુરત : ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળામાં પહોંચી વિવાદ સર્જયો છે. મેળાના અંતિમ દિવસે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી. સાધુઓ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી ‘હર હર મહાદેવ’નો નાદ કરતી જોવા મળી હતી, જેની જાણ તંત્રને થતા તેને તાત્કાલીક દૂર કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરાશે. જો કોઈ ગેરકાયદે કે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થયું હશે તો કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરાશે.

મૃગીકુંડમાં ઘૂસીને વિવાદ કરનારી કીર્તિ પટેલનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. આ વીડિયોમાં કીર્તિ પટેલ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત બે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સાથે દાદાગીરી કરતી અને અપશબ્દો બોલતી નજરે પડે છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. કીર્તિના આ કાંડને લઈ જૂનાગઢ એસપીએ તપાસના આદેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કીર્તિ ઉપરાં પીઆઈ જે. પી. વરિયાએ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જો કે આ મામલે કોઈપણ કંઈ બોલવા તૈયાર નથી. મળતી માહિતી મુજબ, ગઈકાલે જ્યારે કીર્તિ પટેલ મૃગીકુંડમાં સ્નાન કરીને બહાર આવી ત્યારે સુરક્ષાના ભાગરૂપે બે મહિલા પીઆઈ તેની પાસે ગયા હતા. આ સમયે કીર્તિ પટેલ ઉશ્કેરાઈ ગઈ હતી અને જાહેરમાં પોલીસ અધિકારીઓનું અપમાન કરવાનું શરૂ કર્યું હતું. વાઇરલ વીડિયોમાં કીર્તિ પટેલ પોલીસને ધમકાવતા કહે છે કે, “હું અહીંથી જતી રહીશ, મારી પાછળ પાછળ નહીં ફરવાનું. હું કોઈ આરોપી નથી હો! ચલો નીકળો અહીંથી.

એસપીએ તપાસના આદેશ આપ્યા
પોલીસ જેવી શિસ્તબદ્ધ પાંખના અધિકારીઓ સાથે કરવામાં આવેલા આ ગેરવર્તનને જૂનાગઢ પોલીસ તંત્રએ ગંભીરતાથી લીધું છે. આ વીડિયો વાઇરલ થતા જ જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ તપાસના આદેશ આપ્યા છે. પ્રાંત અધિકારીએ પણ જણાવ્યું હતું કે જો કોઈ ગેરકાયદેસર કૃત્ય કે ધાર્મિક લાગણી દુભાવવાનું કૃત્ય થયું હશે, તો કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top