Gujarat

ગુજરાતમાં કાતિલ ઠંડી: આબુમાં પારો માઈન્સ 7, નલિયામાં 2 ડિગ્રી

ગાંધીનગર : ઉત્તર ભારતમાં હિમાલયની તળેટીમાં થયેલી હિમવર્ષાના પગલે ગુજરાત (Gujarrat) માં હવે ગાત્રો થીજવતી ઠંડી (Cold) પડી રહી છે. જેના પગલે ગુજરાતમાં જનજીવનને અસર થવા પામી છે. ખાસ કરીને સવારે સ્કૂલે જઈ રહેલા બાળકોને તિવ્ર ઠંડીની અસર વચ્ચે શાળાએ જવામાં વધારે મુશકેલી પડી રહી છે, જેના પગલે સવારનોનો સમય થોડો પાછો ઠેલવા માટે અમદાવાદ તથા ગાંધીનગરમાં શાળા સંચાલકોને રજૂઆત કરી છે. કચ્છમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે, જેના કારણે જન જીવનને અસર થવા પામી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ બર્ફિલા પવનની અસરના કારણે સમી સાંજે રાજમાર્ગો પર ટ્રાફિરની અવર – જવર સાવ નહીંવત થઈ જાય છે. વહેલી સવારે શીત લહેરની અસર એટલી બધી વર્તાઈ રહી છે, કે એક તબક્કે સવારે મોર્નિંગ વોકમાં નીકળવાવાળા લોકોની સંખ્યા પણ ઘટી જવા પામી છે.

માઉન્ટ આબુમાં તાપમાન -7
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 24 જ કલાકમાં તાપમાન ગગડીને -7 પહોંચી ગયું હતું. જયારે ગુરૂશિખર પર માઈનસ 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઠંડીના કારણે સહેલાણીઓ કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા હતા. આબુમાં જ્યાં જુઓ ત્યાં બરફ જ જોવા મળી રહ્યો હતો. આબુના મેદાનો સહિત નક્કીલેકમાં નળના પાણી, કારની છત, બોટમાં બરફ જમા થયેલો જોવા મળ્યો હતો. ઠંડીની માઠી અસર લોકોની દિનચર્યા પર પડી છે. લોકો લાંબા સમય સુધી તેમના ઘરોમાં જ રહ્યા હતા. છેલ્લાં 20 વર્ષ પછી આટલો મોટો ઘટાડો જોવા મળ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે લગભગ 20 વર્ષ પહેલાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન માઇન 7 ડિગ્રી નોંધાયું હતું.

નલિયામાં તાપમાન 2 ડીગ્રી
રાજયભરમાં કાતિલ ઠંડીના પગલે લોકો ગરમ વસ્ત્રો પહેરીને તેનાથી બચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. નલિયામાં તાપમાન 2 ડીગ્રી પર પહોંચી જતા લોકો રીતસરના ઠંડીમાં ધ્રુજી રહ્યાં હતા. ઠંડીથી બચવા માટે તાપણું કરતા જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ ગાત્રો થીંજાવતી ઠંડીની ઝપટમાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં શુક્રવારથી ઠંડીનું જોર ઘટવા લાગશે. સાથે જ તાપમાનનો પારો પણ ઉંચકાશે. નલિયામાં વર્ષ 2012માં 0.12 ડિગ્રી અને વર્ષ-2021માં 2 ડિગ્રી સુધી પારો ગગડ્યો હતો. ડીસામાં છેલ્લાં 10 વર્ષમાં જાન્યુઆરી માસમાં સૌથી વધુ ઠંડી 2011માં પડી હતી. 2011ની 24મી જાન્યુઆરીએ ડીસામાં 5.8 ડિગ્રી ઠંડી હતી. અમદાવાદમાં સૌથી વધુ 2011માં 6.6 ડિગ્રી ઠંડી પડી હતી.

Most Popular

To Top