Dakshin Gujarat

લાકડાંચોરો બેફામ: ફોરેસ્ટ મહિલા બીટગાર્ડનું અપહરણ થતાં મહિલાએ રસ્તામાં બૂમો પાડી અને…

વ્યારા: તાડકૂવામાં ફોરેસ્ટ મહિલા બીટગાર્ડનું રાત્રિના અરસામાં બે લાકડાચોરોએ ટાવેરા ગાડીમાં બેસાડી અપહરણ (Kidnapping) કર્યાની ઘટના પોલીસ (Police) ચોપડે નોંધાઈ છે. જો કે, મહિલા બીટ ગાર્ડે રસ્તામાં બરાડા પાડતાં આ બંને તસ્કરો આ મહિલા બીટગાર્ડને માંડળ ટોલનાકાથી એકાદ કિ.મી. પહેલા ચોરવાડ પાટિયા પાસે હાઇવે પર જ ગાડી ધીમી કરી ધક્કો મારી ઉતારી ફરાર થઈ ગયા હતા. આ ગાડી ત્યાર બાદ નિશાણા ગામ તરફ જતી રહી હતી. આ મામલે એસીએફ અને ડીસીએફને જાણ કરી મહિલા બીટગાર્ડે પોતાનાં આરએફઓને ઘટના સ્થળે બોલાવી કાકરાપાર પોલીસમથકે આ બંને લાકડાંચોરો વિરુદ્ધ સરકારી કામમાં રૂકાવટની સાથે અપહરણ અંગેનો ગુનો નોંધાવ્યો છે. જો કે, આ ઘટનાને પગલે રાત્રિ દરમિયાન કામગીરી સોંપાતાં મહિલા કર્મચારીઓની સુરક્ષાને લઈ સવાલો ઊઠ્યાં છે.

વ્યારાના તાડકૂવા ગામની સીમમાં આવેલા શ્રીજી ટ્રેક્ટર શો રૂમના કમ્પાઉન્ડમાં વજન કાંટા પર બિન અધિકૃત ઇમારતી લાકડાં ભરેલી ટવેરા આવવાની છે. તેવી માહિતી મળતાં તા.૧૦/૦૧/૨૦૨૩ના રોજ રાત્રિના ૯ વાગ્યાના અરસામાં મહિલા બીટગાર્ડ સ્વેતલબેન સૂર્યકુમાર ગામીત (ઉં.વ.૨૫) ખાનગી ડ્રેસમાં પોતાની મોપેડ લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા. એ સમયે ટવેરા ગાડી નં.(GJ-15-BB-2019)માં સાગનાં લાકડાં ભરી તેની હેરાફેરી કરતાં બે લાકડાંચોરોને આ મહિલા બીટગાર્ડે રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં. ટવેરામાં મોબાઇલ ટોર્ચ વડે આ લાકડાંની ગણતરી કે અન્ય કોઇ તપાસ કરે એ પહેલાં લાકડાંચોરે તેનો હાથ પકડી ગાડીમાં ખેંચી દરવાજો બંધ કરી દીધો હતો. આ મહિલા બીટગાર્ડને ગાડીની અંદર બંધ કરી આ લાકડાંચોરો બળજબરી તેનું સોનગઢ તરફ અપહરણ કરી ગયા હતા. જો કે, આ બાહોશ મહિલા કર્મચારીએ જોરજોરથી બૂમો પાડી બહાર નીકળવા ધમપછાડા કરતાં જોખમ વધતું જોઈ આ મહિલા કર્મચારીને ચોરવાડ પાટિયા પાસે વિરપ્પનોએ ગાડીમાંથી ધક્કો મારી ઉતારી દીધાં હતાં. આ બીટગાર્ડે બનાવની પોતાના આરએફઓ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. જો કે, અહીં ઘટના બાદ દોડી આવેલા વન વિભાગના આ કાફલાથી ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળું મારવા જેવો ઘાટ સર્જાયો હતો. કાકરાપાર પોલીસે એક સફેદ કલરની ટવેરા ગાડી નં.(GJ-15-BB-2019)નો ચાલક તથા તેની બાજુની સીટ પર બેસેલા અજાણ્યા ઇસમને આ ગુનામાં વોન્ટેડ જાહેર કરી તેઓને સળિયા પાછળ ધકેલવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

મહિલા વનકર્મચારીઓએ રાત્રે પણ જંગલ ખૂંદવા પડે છે
તાપી જિલ્લાના મોટા ભાગની વન વિભાગની કચેરીનાં છેવાડાના ઊંડાણના જંગલ વિસ્તારની કચેરીમાં રાત્રિ દરમિયાન આરએફઓ, ફોરેસ્ટર સહિતના ફરજ બજાવતાં કર્મચારીઓ મહિલા છે. તેમને મોડી રાત્રે પણ એકલદોકલની સંખ્યામાં જંગલો ખૂંદવા પડે છે. કેટલીક વખત તો આવા વિરપ્પનોનો સામનો પણ એકલા હાથે કરવો પડે છે. આથી હાલના તબક્કે વનવિભાગે ગંભીરતા લેવી જરૂરી બની છે. હાલ તો આ મહિલા કર્મચારીના અપહરણની ઘટનાને લઈ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Most Popular

To Top