SURAT

સુરતના કિડની કૌભાંડમાં વધુ એક નાઈજીરીયન ઝડપાયો: બેંક ખાતા પ્રોવાઈડ કરતો

સુરત: સુરત (Surat)માં કીડની (Kidney) વેચીને ચાર કરોડ રૂપિયા લેવાના ચક્કરમાં 14 લાખમાં છેતરાયેલા આરોપીએ પોલીસમાં ફરિયાદ (police complain) નોંધાવી હતી. ત્યારબાદ સાયબર ક્રાઈમ (cyber crime) પોલીસે આ કેસમાં બેંગ્લોરથી બે નાઈજીરીયન (Nigerian) સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા. બાદમાં તપાસ દરમિયાન આ કેસમાં વધુ એક નાઈજીરીયનની ધરપકડ કરવામાં આવી છે. આ નાઈજીરીયન અગાઉ પકડાયેલા આરોપીઓને બેંક ખાતા પ્રોવાઈડ કરતો હતો.

સાયબર ક્રાઈમ પોલીસમાં ગત જુલાઈ મહિનામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કીડની વેચવાના બહાને યુવક પાસેથી 14 લાખ રૂપિયા ખંખેરી લેવાયા હતા. ત્યારબાદ સાયબર ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરતા ગત 3 સપ્ટેમ્બર 2020 થી 21 ઓક્ટોબર 2020 દરમિયાન ઓનલાઈન ફેક વેબસાઈટ બનાવી તેમાં કીડની વેચાણ કરવાથી ચાર કરોડ રૂપિયા મળશે તેવી લોભામણી લલચામણી ઓફરો મુકી લોકો સાથે છેતરપિંડી કરતી આફ્રિકન ગેંગને સુરત સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી હતી. સાયબર ક્રાઈમ પોલીસે અગાઉ તપાસમાં બે આફ્રિકન અને અન્ય એક મળી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસની તપાસમાં આ ગુન્હામાં સંડોવાયેલા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ પકડાયેલો આરોપી બેંક એકાઉન્ટો પ્રોવાઈડ કરતો હતો. પોલીસે ગ્રીગ્રોવ (ઉ.વ.32, રહે. ફરીદાબાદ તથા મુળ નાઈજીરીયા)ને બેંગ્લોરથી ઝડપી પાડ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

બેંક એકાઉન્ટ આપવા માટે 10 ટકા કમિશન મેળવતો હતો
અગાઉ પકડાયેલા આરોપી ટોટી એગસ્ટીમે ભારતની અલગ અલગ પ્રતિષ્ઠીત હોસ્પિટલોના નામથી ફેક વેબસાઇટ બનાવી હતી. અને તે વેબસાઇટ ઉપર કીડની સેલ કરવાથી ચારથી સાત કરોડ મળશે. તેવી લોભામણી જાહેરાત મુકી હતી. આર.બી.આઇ.ના નામના ફેક ઇ-મેઇલ આઇડી બનાવી તે વેબસાઇટ તથા ઇ – મેઇલ આઇડી અગાઉ અટક કરેલા આરોપી ગ્રીગ્રોરીને આપતો હતો. તે આ વેબસાઇટ તથા ઇ – મેઇલ આઇડી દ્વારા લોકોને અલગ અલગ ચાર્જ જણાવી તેમની પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવતો હતો. તે બેંક એકાઉન્ટ હાલ અટક કરેલો આરોપી પ્રોવાઇડ કરતો હતો. અને તેનું 10 ટકા કમિશન મેળવતો હતો.

આરોપી પાસેથી કબજે કરેલો મુદ્દામાલ
આરોપી પાસેથી સાયબર ક્રાઈમ પોલીસને 10 મોબાઈલ ફોન, 16 સીમકાર્ડ, 1 લેપટોપ, 8 એટીએમ કાર્ડ, 1 ટેકબુક મળી આવ્યા હતા. પોલીસે આ મુદ્દામાલ કબજે કર્યો હતો.

Most Popular

To Top