નવસારીની યુવતી સુરતના યુવાનનું અપહરણ કરી ગઇ

નવસારી : ઈન્સ્ટાગ્રામ (Instagram) ઉપર સુરતના (Surat) યુવાનને મિત્ર (Friend) બનાવી નવસારીની (Navsari) યુવતીએ બે ઈસમો સાથે મળી યુવાનનું અપહરણ કરી તેને ધમકાવી પૈસાની (Money) માંગણી કરી હતી. પરંતુ યુવાને પૈસા નહીં આપતા યુવતી અને તેના સાથીઓ સોનાનું લુઝ કાઢી લઈ જતા મામલો જલાલપોર પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, હાલમાં આધુનિક યુગનો જમાનો છે. આધુનિક યુગમાં ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ વધુ થતો હોય છે. લોકો સોશિયલ મીડિયામાં એક્ટીવ થઇ ગયા છે. કેટલાક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવતા હોય છે. અને તેના સબંધોને આગળ લઈ જતા હોય છે. આ સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક યુવાન-યુવતીઓ પણ મિત્ર બનતા હોય છે. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા બનતા મિત્રો બ્લેકમેઈલ કરવાનું કામ કરી રહ્યા છે. આવી ઘણી ઘટનાઓ નવસારી જિલ્લામાં બની છે. ત્યારે સોશિયલ મીડિયા મારફત યુવતીને મિત્ર બનાવવાનું યુવાનને ભારે પડ્યું છે.

સુરત સરથાણા જકાતનાકા સ્વસ્તિક ટાવરમાં રહેતા યશ કાળુભાઈ રાદડિયા ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતો હતો. દરમિયાન ગત 2021 માં ઈન્સ્ટાગ્રામ મારફત નવસારી દુધિયા તળાવ પાસે જલારામ મંદિરની બાજુમાં રહેતી માનસી પટેલ નામની યુવતી સાથે વાતચીત શરૂ થઇ હતી. અને તેઓ વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. જોત-જોતામાં બંનેની મિત્રતા ગાઢ બની ગઈ હતી. માનસીએ યશ મળવા માટે નવસારી બોલાવ્યો હતો. જેથી યશ નવસારી આવ્યો હતો. માનસીએ તેને જલાલપોર તાલુકાના આટ-દાંડી રોડ ઉપર મળવા બોલાવતા યશ તેણીને મળ્યો હતો. જ્યાં માનસી તેના 2 અજાણ્યા ઈસમો સાથે આવી યશને ઝાડી-ઝાંખરામાં લઈ જઈ અપશબ્દો બોલી યશને માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ તેઓએ યશને તેની જ ગાડીમાં પાછળ બેસાડી અપહરણ કરી સુરત તરફ લઈ જઈ રહ્યા હતા. ગાડીમાં યશને બદનામ કરવાની ધમકીઓ આપી હતી. અને બદનામ નહીં કરવાના એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ યશે પૈસા આપ્યા ન હતા. જેથી માનસી અને તેની સાથેના લોકોએ યશે હાથમાં પહેરેલું સોનાનું લુઝ બળજબરી પૂર્વક કાઢી લીધું હતું. આ બનાવ અંગે યશે જલાલપોર પોલીસ મથકે માનસી અને અજાણ્યા ૨ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. એ.એન. ચૌધરીએ હાથ ધરી છે.

Most Popular

To Top