ખેરગામ : ખેરગામ(Khergam) તાલુકાની રચના બાદ લોકોને સુવિધાની આશા તો ખુબ જ દૂરની વાત થઈ ગઈ છે. તાલુકાની રચના થયા પછી અત્યાર સુધી ખેરગામમાં કોઈ શાસક સમયાવધી પૂરી કરી શક્યો નથી. સત્તા પર આવનારા અણઆવડતવાળા શાસકોના પાપે નગરજનો દુ:ખી છે. એ પછી ગટર કે રસ્તાનો પ્રશ્ન હોય. બે માસ પહેલાં આવેલા સરપંચે પ્રથમ મીટિંગમાં જ ઉત્સાહ બતાવવાની કોશિશ કરી પ્રભાવ પાડ્યો હતો. અને સહમતીથી એનઆરઈજીએ યોજના હેઠળ કામો કરવા બાબતે ઠરારને મહોર મારી હતી, જેમાં ગોચર જમીન સમતળ કરવી, ખેરગામ-બંધાડ ફળિયા થઈ પસાર થતા કોતરની તળાવથી ખેરગામ ગામની હદ સુધી સાફસફાઈ કરવાનું કામ હાથ પર લેવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ સફાઈની જગ્યાએ ગોચર જમીનમાંથી વૃક્ષોનું જ નિકંદન કાઢી સરપંચે બુદ્ધિનું વળવું પ્રદર્શન કર્યું છે.
ખેરગામના સરપંચ(Sarpanch) ઝરણા પટેલ(Zarna Patel)ના આપખુદશાહી નિર્ણયોથી જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વહીવટી કોઠાસૂઝનો સદંતર અભાવ ખેરગામને પાછળ ધકેલી દેશે. મળેલી ખેરગામ પંચાયતની સામાન્ય સભામાં સરપંચે એનઆરઈજીએ યોજના હેઠળ કામો કરવા ઠરાર કરવામાં આવ્યો હતો. આ કામોમાં બંધાડ ફળિયામાં આવેલી બ્લોક નં.1267વાળી ગોચર જમીન સમતળ કરવી, ખેરગામ-બંધાડ ફળિયા થઈ પસાર થતા કોતરની તળાવથી ખેરગામ ગામની હદ સુધી સાફસફાઈ કરવાનો સર્વાનુમતે ઠરાવ મંજૂર કરાયો હતો. પરંતુ પરવાનગી વિના જ વૃક્ષો કાપી નાંખી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું હતું.
સરપંચના અણઆવડતભર્યા નિર્ણય સામે ગ્રામજનોમાં આક્રોશ
આ બાબતે ગ્રામ પંચાયતના સભ્યો તથા લોકોએ વિરોધ કરતાં શાસકોને પસીનો વળી ગયો હતો. કેટલાક સભ્યો તથા ગ્રામજનો સ્થળ પર પહોંચતાં વિવાદ વધુ થયો હતો. સ્થળ પર જોતાં બાવળનાં વૃક્ષોને થડમાંથી જ કાપી નાંખવામાં આવ્યાં હતાં. હકીકતમાં તો આ કામગીરી કરવાનો ઠરાવ થયો જ ન હતો. આ બાબતે તલાટીએ પણ ખુદ કબૂલ્યું હતું કે, સફાઈની કામગીરી જ કરવાની હતી. તો પછી પર્યાવરણની ઘોર ખોદતો નિર્ણય સરપંચે કેમ લીધો? એવો પ્રશ્ન નગરજનો પૂછી રહ્યા છે.
મજૂરોએ સાફ સફાઈ દરમિયાન ઝાડ કાપી નાખ્યું
ખેરગામના મહિલા સરપંચ ઝરણા પટેલે જણાવ્યું હતું કે, ગોચર જમીનમાં ઠરાવ માત્ર સાફ સફાઇ કરવાનો જ છે, પરંતુ મજૂરો દ્વારા સાફ સફાઈ દરમિયાન બાવળનું ઝાડ કાપી નાખવામાં આવ્યું છે. જે અમારી જાણ બહાર કાપી નાખ્યા છે. બીજા ઝાડ કાપી નાખે તો કોઈ વાંધો નથી. બાવળના ઝાડ કાપવા બાબતે સ્થળ પર જઇ હવે પછી આવા ઝાડ નહીં કાપવા જણાવ્યું છે.
આડા વૃક્ષોને કપાયા છે ઉભેલા વૃક્ષો કપાયા નથી.
ખેરગામના તલાટી પ્રભાતસિંહે જણાવ્યું હતું કે ગોચરની જમીનમાં આવેલા ઝાડી-ઝાંખરાની સાફ સફાઈ કરવામાં આવી છે. ઉપરોક્ત જગ્યા ઉપર આડા પડી ગયેલા વૃક્ષોને કાપી સાફ-સફાઇ કરવામાં આવી છે. ઉભેલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા નથી.