સુરતઃ (SURAT) શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક વેપારીઓ સાથે તેલના ડબ્બા (OIL BOX), સોફા, ટ્યૂબ લાઈટ સહિતની વસ્તુઓ મંગાવી છેતરપિંડી (FRAUD) કરતી ટોળકીના એક વ્યક્તિને ખટોદરા પોલીસે (KHATODRA POLICE) ઝડપી પાડ્યો હતો. જેના આધારે અડાજણ, ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ કરાઈ છે. ચોરી કરવાની આ અનોખી ઢબથી પોલીસ પણ ચોંકી ગઇ છે. એક વખત ઓર્ડર આપવો પછી જે-તે વસ્તુ નિયત સ્થળ પર ઉતારવી, બાકી રહેલી દસ ટકા જેટલી વસ્તુઓને અન્ય સ્થળે ઉતારવાનું છે તેમ જણાવીને ગુમ થઇ જવાની આ તરકીબથી આખા દ.ગુજરાતમાં ચોર ટોળકી (THEFT GANG)એ ખળભળાટ મચાવ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અલથાણ કેનાલ રોડ પર શીખીનવેલીમાં રહેતા 38 વર્ષીય અતુલકુમાર રમેશભાઇ પટેલ પાંડેસરા પીયૂષ પોઈન્ટ ખાતે વારાહી સેલ્સ નામથી હોલસેલ તેલ અને અનાજનો વેપાર (SELL) કરે છે. અતુલભાઈ પાસે રાજુ દેસાઈ નામના વ્યક્તિએ ફોન (CALL) ઉપર તેલના ડબ્બાનો ઓર્ડર (ORDER) આપ્યો હતો. 30 ડબ્બાનો ઓર્ડર આપ્યા બાદ તેજસ ચેતનભાઈ ઝવેરી (ઉં.વ.28) (રહે.,જે.બી.ઓઇલની ઉપર બીજા માળે, બમરોલી)એ ટેમ્પોમાં તેલના ડબ્બા લઈને નવજીવન સર્કલ પાસે બોલાવ્યો હતો. ટેમ્પોચાલક આવતાં તેજસે 25 તેલના ડબ્બા બીજા ટેમ્પોમાં ઉતારી લીધા હતા. બીજા ડબ્બા અન્ય દુકાને લઈ જવાના હોવાનું કહી ચેતને તેની નંબર પ્લેટ વગરની બાઈક (BIKE) પર પાછળ આવવા કહ્યું હતું. અને મજૂરાગેટથી બાઈક સ્પીડમાં હંકારી ભાગી ગયો હતો. અને 12 ડબ્બા ફોર્ચ્યુનના તથા 13 ડબ્બા તિરુપતિના જેની કિંમત 49010ની લઈ છેતરપિંડી કરી હતી.
આ રીતે તેજસ અને તેના બે મિત્રોએ રાણી તળાવ મેઇન રોડ ડબગરવાડ સ્થિત શ્રી રજત માર્કેટિંગ નામે તેલનો વેપાર કરતા પંકજ લલિત જૈન (ઉં.વ.43) (રહે.,170, આહુરાનગર સોસાયટી, ભૂલકાં ભવન સ્કૂલની સામે, અડાજણ)ને પણ ફોન પર ઓર્ડર આપી તિરુપતિ કપાસીયા તેલના 30 ડબ્બા કિંમત રૂ.42,900નો ઓર્ડર આપી છેતરપિંડી કરી હતી.
ટેમ્પો ડ્રાઈવરે સર્કલ પાસે જોતાં તેજસ ઝડપાયો
અતુલભાઈના ટેમ્પો ડ્રાઈવર ગોપીભાઈએ ગઈકાલે નવજીવન સર્કલ પાસે તેલના ડબ્બા લઈ જનાર તેજસને ઊભેલો જોયો હતો. જેથી તાત્કાલિક તેના માલિક (OWNER) અતુલભાઈને ફોન કરી જાણ કરી હતી. બાદ પોલીસની મદદ મેળવી પહોંચી ગયા હતા. પોલીસે ઊભેલી વ્યક્તિનું નામ પૂછતા ચેતન ઝવેરી(ઉં.વ.28) (રહે.,જેબી ઓઈલ, ખટોદરા, બમરોલી) હોવાનું જણાવ્યું હતું. અને પૂછપરછ દરમિયાન તેના મિત્ર ચિરાગ, વીકી અને રાજુએ મળી છેતરપિંડી (FRAUD) કરી હોવાનું જણાવ્યું હતું.
આ રીતે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેતરપિંડી કરી
આ ટોળકી છેલ્લાં સાત વર્ષથી આ રીતે છેતરપિંડી કરી રહી છે. રાજુ દેસાઈ નામનો વ્યક્તિ ફોન કરીને ઓર્ડર આપે છે. ટેમ્પો ડ્રાઈવર સાથે માલ મોકલાવી આપવાનું કહી તેની પાસે બિલ (BILL) આપવા અને રોકડા (CASH) મોકલી આપવાનો વિશ્વાસ અપાવે છે. ટેમ્પોચાલક આવે એટલે 70થી 80 ટકા માલ ઉતારી લઈ બીજો માલ તેજસ તેની બાઈકની પાછળ આવવા કહે અને આગળથી ફરાર થઈ જાય છે. આ ટોળકીએ અત્યાર સુધી ભરૂચ, વલસાડ, નવસારીમાં પણ અનેક વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે. ઘણી જગ્યા પર તો ખોટા ચેક પણ આપી દેતા હતા.
અડાજણમાં ઓનલાઈન એર સોફા મંગાવી છેતરપિંડી
અડાજણ વેસ્ટર્ન સોમચિંતામણી રેસિડેન્સીમાં રહેતા 26 વર્ષીય અમિતકુમાર રતનલાલ જૈને પણ અજાણ્યા વ્યક્તિઓની સામે અડાજણ પોલીસ (ADAJAN POLICE)માં ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ 50 નંગ એર સોફા મંગાવ્યા હતા. અમિતકુમાર પાસે 30 નંગ હોવાથી તેમને આ માલ વિજય ડેરી પાસે મોકલી આપ્યો હતો. તેજસે આજ મોડેસ ઓપરેન્ડી (MODES OPERANDS) વાપરીને આ એર સોફા ઉતારી લીધા હતા. અને પેમેન્ટ લેવા માટે ટેમ્પોચાલકને નિર્મલ હોસ્પિટલની બાજુમાં આવવા કહ્યું હતું. ત્યાં પહોંચતાં કોઈ મળ્યું નહોતું અને 54 હજારની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું.
શહેરના સચિન જીઆઈડીસી, ઉધના, વરાછા અને સરથાણામાં પણ ટોળકી સક્રિય
આ ટોળકીએ શહેરના તમામ વિસ્તારમાં વેપારીઓને ભોગ બનાવ્યો છે. અડાજણમાં ફરિયાદ દાખલ થયા બાદ સચિન જીઆઈડીસી (GIDC)માં આશરે દોઢેક લાખની ટ્યૂબલાઈટનો માલ લઈ છેતરપિંડી કરી છે. સરથાણામાં પણ 15 લાખના તેલના ડબ્બા લઈ છેતરપિંડી કરી છે. પરંતુ સરથાણામાં આ જ ટોળકી છે કે બીજી તે તપાસ ચાલુ છે. આ સિવાય વરાછામાં એલ્યુમિનિયમનાં ટુલ્સ, ઉધનામાં દોઢ લાખના વજન કાંટા લઈને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.