નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections) કોંગ્રેસ પાર્ટીએ (Congress Party) મજબૂત વિપક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવી હતી. તેમજ હવે વિપક્ષના મંત્રીમંડળના નિર્માણનો દિવસ પણ આવી ગયો છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની (Mallikarjun Khadge) અધ્યક્ષતામાં આજે શનિવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક યોજાયી હતી. જે દિલ્હીની અશોક હોટલમાં મળી હતી. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન ખડગેએ ઇન્ડિયા ગઠબંધનની જીતનો શ્રેય રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને આપ્યો હતો. તેમજ કહ્યું હતું કે – હું એ હકીકતનો પણ ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું કે જ્યાં પણ ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા પસાર થઈ ત્યાં કોંગ્રેસ પાર્ટીની મત ટકાવારી અને બેઠકો વધી છે. આ સાથે જ બેઠક દરમિયાન સાંસદોએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરિકે જવાબદારી સંભાળવા માટે માંગ કરી હતી.
બેઠક દરમિયાન ખડગેએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને કહ્યું હતું કે, આપણે શિસ્તબદ્ધ અને સંગઠિત રહેવું જોઈએ. જનતાએ આપણા નેતાઓમાં ઘણો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આપણે હવે વધુ કામ કરવું જોઈએ. અમે જનમતને વિનમ્રતાથી સ્વીકારીએ છીએ. ઉજવણી માટે આપણે થોડી રાહ જોવી જોઇયે કારણ કે કેટલાક રાજ્યોમાં આપણે આપણી ક્ષમતાઓ અને અપેક્ષાઓ પ્રમાણે પ્રદર્શન કર્યું નથી.
આ સિવાય ખડગેએ કહ્યું, હું એ હકીકતનો પણ ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું કે જ્યાં પણ ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા પસાર થઈ ત્યાં કોંગ્રેસ પાર્ટીની મત ટકાવારી અને બેઠકો વધી છે. આપણે મણિપુરની બંને બેઠકો જીતી છે, જ્યાંથી ન્યાય યાત્રા શરૂ થઈ હતી. આ સાથે જ કોંગ્રેસને નાગાલેન્ડ, આસામ, મેઘાલય જેવા ઉત્તર-પૂર્વના ઘણા રાજ્યોમાં બેઠકો મળી છે. આપણે મહારાષ્ટ્રમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા છીએ. તેમજ દેશભરમાં લોકશાહી અને બંધારણને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટીને લોકોનું પુષ્કળ સમર્થન મળ્યું છે.
બેઠક દરમિયાન કોંગ્રેસના નેતા અને તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીએ કહ્યું કે, અમને હજુ સુધી CWCની બેઠકના એજન્ડાની ખબર નથી. અમારી માંગ 140 કરોડ ભારતીયોની માંગ સમાન છે. રાહુલ ગાંધીએ વિપક્ષના નેતાનું પદ સંભાળવું જોઈએ. રાહુલ ગાંધી મહિલાઓ અને બેરોજગારો માટે લડી રહ્યા છે. આ કારણે તેમણે વિક્ષના નેતાનું પદ સ્વીકારવું જોઇયે.