કન્નડ ફિલ્મ ઇંડસ્ટ્રીના જાણીતા અભિનેતા અને KGF ફિલ્મના એક્ટર હરીશ રાયનું આજ રોજ તા. 6 નવેમ્બર 2025એ 55 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા અને સારવારનો ખર્ચ ઉઠાવી શકતા ન હોવાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. તેમના નિધનથી ચાહકો અને ફિલ્મ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
યશ અભિનીત સુપરહિટ ફિલ્મ KGF અને KGF 2માં કામ કરનારા અભિનેતા હરીશ રાયનું આજ રોજ ગુરુવારે અવસાન થયું. તેઓ લાંબા સમયથી ગળાના કેન્સરથી પીડાતા હતા. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે તેમના નિધન પર સોશિયલ મીડિયા દ્વારા શોક વ્યક્ત કર્યો અને જણાવ્યું કે હરીશ રાયનું અવસાન કન્નડ ફિલ્મ ઉદ્યોગ માટે મોટું નુકસાન છે.
મુખ્યમંત્રી શિવકુમારે પોતાના પોસ્ટમાં લખ્યું કે “કન્નડ ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત હરીશ રાયના અવસાનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમણે ઓમ, હાલોયમ, KGF જેવી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.”
હરીશ રાયે પોતાના લાંબા કારકિર્દીમાં અનેક ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. તેઓ ટેલિવિઝન અને થિયેટર બંને જગતમાં સક્રિય રહ્યા હતા. તેમના સાદા સ્વભાવ અને શાનદાર અભિનયને કારણે ચાહકોમાં ખાસ લોકપ્રિયતા મેળવી હતી.
આર્થિક મુશ્કેલી વચ્ચે સારવાર ચાલુ
અહેવાલો મુજબ હરીશ રાય છેલ્લા ત્રણ વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા. એક ઇન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો હતો કે KGFના શૂટિંગ દરમિયાન જ તેમને ગળાનું કેન્સર હતું. તેઓએ કહ્યું હતું કે “રોગને કારણે ગળામાં સોજો આવી ગયો હતો, જેને છુપાવવા માટે મેં દાઢી રાખી હતી.”
તેમણે વધુમાં કહ્યું હતું કે શરૂઆતમાં પૈસા ન હોવાને કારણે સર્જરી મુલતવી રાખવી પડી હતી. “હું મારી ફિલ્મો રિલીઝ થવાની રાહ જોતો રહ્યો જેથી પૈસા મળી શકે પરંતુ હવે હું ચોથા તબક્કાના કેન્સર સુધી પહોંચી ગયો છું”
હરીશ રાયના અવસાન સાથે કન્નડ સિનેમાએ એક પ્રતિભાશાળી અને સંવેદનશીલ કલાકાર ગુમાવ્યો છે. તેમનું કાર્ય અને સંઘર્ષ બંને ચાહકોના હૃદયમાં હંમેશ માટે જીવંત રહેશે.