સુરત: ડિંડોલીમાં અજાણ્યાએ ઘરની અંદર હાથ નાંખીને કૂલર ઉપરથી ચાવી (Key) ચોરી લીધી હતી. બાદ ચાવી વડે દરવાજો (Gate) ખોલીને ઘરમાંથી રૂ.89 હજારની કિંમતના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલીની શિવહિરાનગર સોસાયટીમાં રહેતા ધીરેન્દ્ર ઉર્ફે ધીરજ રામજી તિવારી વરાછાની એક કંપનીમાં પોલિસિંગ વિભાગમાં નોકરી કરે છે. બે દિવસ પહેલાં રાત્રિના સાડા અગિયાર વાગ્યે તેઓ સૂઇ ગયા હતા. મધરાત્રે ઊભા થઇને તેઓ શૌચક્રિયા માટે જઇને પરત આવ્યા ત્યારે ધીરેન્દ્રભાઇએ ઘરના મુખ્ય દરવાજાને તાળું મારીને ચાવી નજીકમાં કૂલર ઉપર મૂકી હતી. સવારે ઊભા થયા ત્યારે દરવાજો ખુલ્લી હાલતમાં હતો અને તાળું તેમજ ચાવી ઘરની બહાર પડ્યું જોવા મળ્યું હતું. તપાસ કરતાં ઘરમાંથી રૂ.89 લાખની કિંમતના ઘરેણાંની ચોરી થઇ હતી. આ બનાવ અંગે ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સબજેલમાંથી ફરી કેચોડા કંપનીનો મોબાઈલ કેદીના ગુદામાંથી મળી આવ્યો
સુરતઃ સબજેલમાં આરોપીના ગુદામાંથી કેચોડા કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યાની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. વચગાળા જામીન રજા પર ગયેલા કાચા કામના આરોપીએ આ મોબાઈલ કેદીને રાખવા આપ્યો હતો.
લાજપોર સબજેલમાં ઇ.ચા. ડ્યૂટી જેલર તરીકે ફરજ બજાવતા ચેતનકુમાર જે.બારીઆએ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમને યાર્ડ નં.બી-૦૬ બેરેક નં.૦૩૦૩માં કેદીની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાઈ હતી. જેથી જડતી સ્ક્વોડના અમલદાર ભરત ચૌધરીને જાણ કરી હતી. જેથી જેલના સ્થાનિક ઝડતી સ્ક્વોડના કર્મચારીઓ સાથે મળી યાર્ડ નં.બી-૦૬ બેરેક નં.૦૩૦૩માં રહેલા કેદીની નોન લિનિયર જંક્શન ડિટેક્ટર મશીનથી અંગજડતી લેવાઈ હતી. દરમિયાન આ બેરેકના કાચા કામના આરોપી રવિ નટવર વસાવાના ગુદાના ભાગેથી છુપાવી રાખેલો કેચોડા કંપનીનો અને વીઆઇ કંપનીના સિમ કાર્ડ સાથેનો મોબાઇલ મળી આવ્યો હતો. મોબાઇલ ફોન અંગે રવિ વસાવાની પૂછપરછ કરતાં તે જ બેરેકમાં બંધી થતાં અને હાલ વચગાળા જામીન રજા પર ગયેલા કાચા કામના આરોપી વાજીદ ઉર્ફે ચીયા એયુબ મલેકે મોબાઇલ રાખવા આપ્યા હોવાનું જણાવ્યું હતું. સચિન પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.