કેન્ટબરી, તા. 21 : મંગળવારે અહીં યજમાન ઈંગ્લેન્ડ સામેની બીજી વન-ડે ઈન્ટરનેશનલમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે જોરદાર આક્રમક બેટીંગ કરીને નોટઆઉટ સદી ફટકારીને પોતાની પહેલી અર્ધસદી ફટકારનારી હરલીન દેઓલની સાથે 113 રનની ભાગીદારી કરીને ભારતીય ટીમને 5 વિકેટે 333 રનના તેના બીજા સર્વાધિક વન ડે ઇન્ટરનેશનલ સ્કોર પર મૂકી દીધી હતી. ટીમ ઈન્ડિયાનો વન ડેમાં ઈંગ્લેન્ડ સામેનો આ સૌથી મોટો સ્કોર છે.
છેલ્લા 11 બોલ રમ્યા તેમાં તેણે 43 રન ફટકાર્યા હતા
વિદેશ પ્રવાસ દરમિયાન વ્હાઈટ-બોલ ક્રિકેટમાં પોતાની પ્રભાવક રમતને ચાલુ રાખીને હરમનપ્રીતે સેન્ટ લોરેન્સ ગ્રાઉન્ડ ખાતે દ્વિપક્ષીય સીરિઝની બીજા મેચમાં પોતાની પાંચમી સદી ફટકારીને 111 બોલમાં 18 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 143 રન બનાવીને નોટઆઉટ રહી હતી.તેના સિવાય હરલીન દેઓએ 72 બોલમાં 58 જ્યારે સ્મૃતિ મંધાનાએ 51 બોલમાં 40 રનની ઇનિંગ રમી હતી. હરમનપ્રીતે 100 બોલમાં પોતાની સદી પુરી કરી હતી અને તે પછી છેલ્લા 11 બોલ રમ્યા તેમાં તેણે 43 રન ફટકાર્યા હતા. તે ઈંગ્લેન્ડમાં વનડેમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા એશિયન કેપ્ટન છે.
વન ડેમાં સૌથી ઝડપી 3000 રન કરવાનો મિતાલીનો ભારતીય રેકોર્ડ મંધાનાએ તોડ્યો
કેન્ટબરી, તા. 21 : ઇંગ્લેન્ડ સામે આજે અહીં રમાયેલી બીજી વન ડેમાં 40 રનની ઇનિંગ રમનારી સ્મૃતિ મંધાનાએ વન ડે ઇન્ટરનેશનલમાં ઇનિંગની દૃષ્ટિએ સૌથી ઝડપી 3000 રન પુરા કરનારી ભારતીય મહિલા ખેલાડી બનીને માજી કેપ્ટન મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો હતો. મંધાના મહિલા અને પુરૂષ ક્રિકેટરમાં આ આંકડે પહોંચનારી શિખર ધવન અને વિરાટ કોહલી પછી ત્રીજી સૌથી ઝડપી ભારતીય ક્રિકેટર બની છે. શિખરે 72 ઇનિંગમાં જ્યારે વિરાટે 75 ઇનિંગમાં 3000 રન પુરા કર્યા છે.
મંધાના વનડેમાં 3000 રન બનાવનારી ત્રીજી ભારતીય મહિલા બની
મંધાનાએ પોતાની 76મી વન ડે ઇનિંગમાં આ આંકડો પાર કર્યો હતો. જ્યારે મિતાલીએ તેના માટે 88 ઇનિંગ લીધી હતી. મંધાના વનડેમાં 3000 રન બનાવનારી ત્રીજી ભારતીય મહિલા બની છે. તેના પહેલા મિતાલી અને હરમનપ્રીત કૌરે આ સિદ્ધિ મેળવી છે. મહિલા ક્રિકેટમાં કુલ 22 ખેલાડીઓએ 3000 કે તેનાથી વધુ રન કર્યા છે, જો કે સૌથી ઓછી ઇનિંગમાં આ આંકડે પહોંચવા મામલે મંધાનાથી માત્ર બેલિન્ડા ક્લાર્ક અને મેગ લેનિંગ જ આગળ છે. આ બંનેએ અનુક્રમે 62 અને 64 ઇનિંગમાં આ આંકડો પાર કર્યો છે. મિતાલી આ મામલે વિશ્વમાં 9માં ક્રમે છે.