ઇડુક્કી(કેરળ): ઇઝરાયેલ (ISRAEL)માં એક પેલેસ્ટાઇની રોકેટ હુમલા (ROCKET ATTACK)માં મૃત્યુ (DEATH) પામેલી સૌમ્યા સંથોષ (SOMYA SANTHOS) નામની કેરળની એક મહિલાનો નવ વર્ષનો પુત્ર હવે તેની માતાને મળી શકે તેમ નથી અને તે આ બાબત માનવા તૈયાર નથી અને હજી તેની માતાના ફોન કોલની પ્રતિક્ષા કરી રહ્યો છે. આમાં કરૂણતા એ છે કે સૌમ્યા પોતાના પતિને વીડિય કોલ (VIDEO CALL) કરીને ત્યાંની તંગ સ્થિતિ અંગે વાત કરી રહી હતી તે જ સમયે તે રોકેટ હુમલાની અડફેટે આવી ગઇ હતી.
સૌમ્યાના કુટુંબને આશ્વાસન આપતા ભારત ખાતેના ઈઝરાયેલી રાજદૂતે કહ્યું હતું કે આ સ્થિતિ તેને ઇઝરાયેલી છોકરા મોજીઝની યાદ અપાવે છે જે 2008ના મુંબઇના ત્રાસવાદી હુમલામાં માર્યો ગયો હતો. કેરળની 30 વર્ષની આ મહિલા ઇઝરાયેલના અશ્કેલાન શહેરમાં એક વયોવૃદ્ધ મહિલાની કેરટેકર તરીકે કામ કરવા માટે ગઇ હતી. હાલમાં ઇઝરાયેલીઓ અને પેલેસ્ટાઇનીઓ વચ્ચે ચાલી રહેલા હિંસક સંઘર્ષ દરમ્યાન પેલેસ્ટાઇન તરફથી થયેલા એક ઘાતક રોકેટ હુમલામાં તેનું મોત થયું છે પરંતુ કેરળ ખાતેના તેના કુટુંબીજનો હજી આ વાત માની શકતા નથી. સૌમ્યાનો પતિ સંથોષ તેના પુત્રને આશ્વાસન આપવા માટે મથામણ કરી રહ્યો છે જે પુત્ર પોતાની માતા હવે નથી તે વાત માનવા તૈયાર નથી. તે હજી પોતાની માતાના કોલની રાહ જોઇ રહ્યો છે એમ સંથોષે પત્રકારોને કહ્યું હતું.
મંગળવારની બપોર હતી, સૌમ્યા વીડિયો કોલ કરીને દક્ષિણ ઇઝરાયેલની તંગ સ્થિતિ વિશે વાત કરતી હતી ત્યાં જ અચાનક ધડાકો સંભળાયો અને સૌમ્યાનો અવાજ આવતો બંધ થઇ ગયો. ફોન હજી ચાલુ હતો અને સંથોષ હલો હલો કરી રહ્યો હતો પણ સામે છેડેથી કોઇ અવાજ આવતો ન હતો. થોડી વાર થઇ અને ફોનમાં સામી બાજુએથી કેટલાક લોકોનો અવાજ સંથોષને સંભળાયો. તે સમજી ગયો કે કશું અજુગતું થયું છે. તેણે પોતાના કુટુંબીજનોને સાવધ કર્યા.
ઇઝરાયેલના અશ્કેલાન શહેરમાં સૌમ્યાના મિત્રોનો સંપર્ક કરવામાં આવ્યો અને ખબર પડી કે સૌમ્યા જ્યાં રહેતી હતી તે સ્થળે રોકેટ પડતા સૌમ્યા મૃત્યુ પામી છે. તેના કુટુંબના આઘાત વચ્ચે હવે કેરળના સત્તાવાળાઓ સૌમ્યાનો મૃતદેહ વતન લાવવાની તજવીજ કરી રહ્યા છે.