તિરુવનંતપુરમ: કેરળમાં (Kerala) ભારે વરસાદ બાદ ભૂસ્ખલન તેમજ અચાનક પૂરને (Flood) કારણે છેલ્લા કેટલાક દિવસોમાં 18 લોકોનાં મોત (Death) થયાં છે. સેંકડો મિલકતોને નુકસાન થયું છે અને હજારો લોકોને રાહત શિબિરોમાં વિસ્થાપિત કરવામાં આવ્યા છે. જ્યારે કેરળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (કેએસઈઓસી)એ બુધવારે રાજ્યમાં મૃત્યુની સંખ્યા ત્રણ હતી અને 31 જુલાઈથી અત્યાર સુધીમાં કુલ 15નાં વરસાદનાં કારણે મોત થયાં હતાં. પાછળથી બુધવારે સાંજે ઇઓસીએ ત્રિશૂર અને કોટ્ટાયમના જિલ્લામાં પણ અનુક્રમે એક અને બે મૃત્યુ નોંધ્યાં હતાં. મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ)એ જણાવ્યું હતું કે, રાજ્યના આપત્તિગ્રસ્ત અને આપત્તિ સંભવિત વિસ્તારોમાંથી 178 રાહત શિબિરોમાં 5,168 લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. એક નિવેદનમાં સીએમઓએ જણાવ્યું હતું કે, 31 જુલાઈથી અત્યાર સુધીના વરસાદમાં રાજ્યમાં 198 મિલકતોને આંશિક રીતે નુકસાન થયું છે અને 30 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
- હજારો લોકોને રાહત શિબિરોમાં વિસ્થાપિત કરવામાં આવ્યા
- રાજ્યમાં છ ડેમ પાણીથી સંપૂર્ણ ભરાઈ જતાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
- પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે 4 ઓગસ્ટ સુધી માછીમારી પર પ્રતિબંધ પણ લાદ્યો
રાજ્યમાં છ ડેમ પાણીથી સંપૂર્ણ ભરાઈ જતાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પોનમુડી, લોઅર પેરિયાર, કલ્લારકુટ્ટી, ઇરાટ્ટાયર અને ઇડુક્કીના કુંડાલા અને પથાનમથિટ્ટા જિલ્લાના મૂઝિયારનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ વોટર કમિશને જણાવ્યું હતું કે રાજ્યમાંથી વહેતી અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. તેથી, એક નિવેદનમાં જણાવાયું છે કે, લોકોએ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી ચેતવણીઓને ગંભીરતાથી લેવી જોઈએ અને નીચાણવાળા વિસ્તારો, નદી કિનારો અને ભૂસ્ખલનની સંભાવનાવાળા પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકોએ વધુ સાવચેત રહેવું જોઈએ અને રાહત શિબિરોમાં જવું જોઈએ.
રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે 4 ઓગસ્ટ સુધી માછીમારી પર પ્રતિબંધ પણ લાદ્યો છે.
દિવસની શરૂઆતમાં, કેરળમાંથી રેડ એલર્ટ પાછી ખેંચી લેવામાં આવી હતી અને ભારતીય હવામાન વિભાગ દ્વારા દિવસ માટે રાજ્યના 11 જિલ્લાઓમાં યલો ચેતવણી જારી કરવામાં આવી હતી, જે દક્ષિણ રાજ્યમાં વરસાદની તીવ્રતામાં સંભવિત ઘટાડો સૂચવે છે. કેરળમાં વરસાદ ચાલુ હોવાથી, મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને નિર્દેશ આપ્યો કે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત અથવા ફસાયેલા પ્રવાસીઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવે.