National

તિહાર જવા પહેલા કેજરીવાલનો દિલ્હીવાસીઓને ભાવુક સંદેશ, કહ્યું- ‘હું ફરી જેલમાં જતો રહીશ..’

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) વચગાળાના જામીન (Bail) પૂર્ણ થયા બાદ 2 જૂને તેઓ ફરી તિહાર જેલમાં સરેન્ડર કરશે. ત્યારે સરેન્ડરના બે દિવસ પહેલા તેમણે પ્રેસ કોન્ફરન્સ (Press conference) કરીને દિલ્હીના લોકોને ભાવુક સંદેશ આપ્યો હતો. આ સાથે જ તેમણે દિલ્હીના લોકોને મોટી જવાબદારી સોંપી હતી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે દિલ્હીના લોકોને ભાવનાત્મક અપીલ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં સીએમ કેજરીવાલે કહ્યું કે ‘સુપ્રીમ કોર્ટે મને પ્રચાર માટે 21 દિવસનો સમય આપ્યો હતો, આવતીકાલે 21 દિવસ પૂરા થઈ રહ્યા છે. કાલે મારે આત્મસમર્પણ કરવું પડશે, હું તિહાર જેલમાં પાછો જઈશ. મને ખબર નથી કે આ લોકો મને આ વખતે કેટલો સમય જેલમાં રાખશે. પરંતુ મારો વિશ્વાસ ઊંચો છે. તેમજ દેશને સરમુખત્યારશાહીથી બચાવવા જેલમાં જવાનો મને ગર્વ છે.’

દિલ્હીની જનતાને આપ્યો સંદેશ
મુખ્ય મંત્રી કેજરીવાલે વધુમાં કહ્યું કે, ‘હું આવતીકાલે આત્મસમર્પણ કરીશ. હું આત્મસમર્પણ માટે બપોરે 3 વાગ્યે ઘરેથી નીકળીશ. કદાચ આ વખતે આત્મસમર્પણ બાદ મને વધુ ત્રાસ આપવામાં આવશે, પણ હું ઝૂકીશ નહીં. તમે તમારું ધ્યાન રાખજો, મને તમારી જેલમાં બહુ ચિંતા થાય છે. જો તમે ખુશ છો તો તમારા કેજરીવાલ પણ ખુશ થશે. હું તમારી વચ્ચે નહીં રહીશ, પરંતુ તમારા બધા કામ ચાલુ રહેશે. હું ગમે ત્યાં રહું, હું દિલ્હીનું કામ અટકવા નહીં દઉં. મોહલ્લા ક્લિનિક, મફત દવાઓ, સારવાર, મફત વીજળી, મહિલાઓ માટે મફત બસ મુસાફરી, 24 કલાક વીજળી સહિતના તમામ કાર્યો ચાલુ રહેશે અને પરત આવ્યા બાદ હું દરેક માતા અને બહેનને દર મહિને 1000 રૂપિયા આપવાનું પણ શરૂ કરીશ.

જેલમાંથી છૂટ્યા બાદ પણ વજન વધી રહ્યું નથી
સીએમ કેજરીવાલે કહ્યું, ‘તેઓએ મને ઘણી રીતે તોડવાનો પ્રયાસ કર્યો, મને વાળવાનો પ્રયાસ કર્યો, મને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ થયા નહીં. જ્યારે હું જેલમાં હતો ત્યારે તેઓએ મને અનેક રીતે ટોર્ચર કર્યો હતો. તેઓએ મારી દવાઓ બંધ કરી દીધી. હું 20 વર્ષથી ડાયાબિટીસનો દર્દી છું. છેલ્લા 10 વર્ષથી, હું દરરોજ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઉં છું, મારા પેટમાં દરરોજ 4 ઇન્જેક્શન લગાડવામાં આવે છે. જેલમાં તેમણે ઘણા દિવસો સુધી ઈન્સ્યુલિન ઈન્જેક્શન બંધ કરી દીધા હતા. મારું સુગર લેવલ 300 પર પહોંચી ગયું હતું. ખબર નથી આ લોકોને શું જોઈએ છે. હું 50 દિવસ જેલમાં રહ્યો, આ 50 દિવસમાં મારું 6 કિલો વજન ઘટ્યું હતું. જ્યારે હું જેલમાં ગયો ત્યારે મારું વજન 70 કિલો હતું, આજે 64 કિલો છે. જેલમાંથી છૂટ્યા બાદ પણ મારું વજન વધી રહ્યું નથી. ડૉક્ટર્સ કહી રહ્યા છે કે આ કોઈ ગંભીર બીમારીના લક્ષણો પણ હોઈ શકે છે. જેથી ઘણી તપાસ કરવાની જરૂર છે.

માતાપિતા માટે પ્રાર્થના
કેજરી વાલે આગળ કહ્યું, ‘તમારા પરિવારના દિકરા તરીકે મેં હંમેશા મારી ફરજ નિભાવી છે. આજે હું તામારી પાસે મારા પરિવાર માટે કંઈક માંગુ છું. મારા માતા-પિતા ખૂબ વૃદ્ધ છે, મારી માતા ખૂબ બીમાર છે, હું જેલમાં તેમના વિશે ખૂબ ચિંતિત રહું છું. જેથી મારી પાછળથી મારા માતા-પિતાનું ધ્યાન રાખજો, તેમના માટે દુઆ કરજો, ભગવાનને પ્રાર્થના કરજો કારણકે પ્રાર્થનામાં મોટી શક્તિ છે. જો તમે દરરોજ મારી માતા માટે પ્રાર્થના કરશો, તો તે ચોક્કસપણે સ્વસ્થ થશે. મારી પત્ની સુનીતા ખૂબ જ મજબૂત છે, તેણીએ જીવનના દરેક મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો છે. જ્યારે મુશ્કેલ સમય આવે છે, ત્યારે આખો પરિવાર એક સાથે આવે છે. તમે બધાએ મુશ્કેલ સમયમાં મારો ખૂબ સાથ આપ્યો છે. આપણે બધા સરમુખત્યારશાહી સામે લડી રહ્યા છીએ. જો મને દેશ બચાવવા માટે કંઇક થઇ જાય, મારો જીવ પણ ગુમાવવો પડે તો દુઃખી ન થશો. તમારી પ્રાર્થનાના કારણે જ આજે હું જીવિત છું. તમારા આશીર્વાદ ભવિષ્યમાં પણ મારું રક્ષણ કરશે. અંતે હું એટલું જ કહેવા માંગુ છું કે જો ભગવાનની ઈચ્છા હોય તો તમારો પુત્ર બહુ જલ્દી પાછો આવશે.

Most Popular

To Top