ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwal આવતીકાલે સુરત જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત સાથે ‘આપ’ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ અને રણનીતિનો સત્તાવાર પ્રારંભ માનવામાં આવી રહ્યો છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ અરવિંદ કેજરીવાલ બપોરે 3:00 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી સીધા ગોથાણ ગામ જશે. અહીં તેઓ ‘ગુજરાત બુથ ક્ષેત્રિય કાર્યકર્તા સંમેલન’માં ભાગ લેશે, જ્યાં રાજ્યભરના પાયાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ વિશાળ જાહેર સભાને સંબોધિત કરી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પક્ષનો અભિગમ અને એજન્ડા રજૂ કરશે. આ મુલાકાત માત્ર કાર્યક્રમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પક્ષના સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ પણ ગણાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ 11 માર્ચથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે. સુરત શહેર અગાઉથી જ આમ આદમી પાર્ટી માટે મહત્વપૂર્ણ રાજકીય ક્ષેત્ર માનવામાં આવે છે, તેથી કેજરીવાલની મુલાકાત ભાજપ અને કોંગ્રેસ બંને માટે રાજકીય રીતે મહત્વ ધરાવતી ગણાઈ રહી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી Ram Dhadukએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સુરતના ઉમરા વિસ્તારમાં ગોથાણ નજીક આવેલા તિરંગા એરેના ગ્રાઉન્ડ ખાતે યોજાનારા દક્ષિણ ગુજરાતના બુથ ક્ષેત્રિય કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. તેઓ કાર્યકર્તાઓ અને જનતાને સંબોધિત કરશે તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. સાથે જ 11 માર્ચથી આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા પણ શરૂ થશે. પક્ષે આ માટે બે સ્તરે વ્યવસ્થા ગોઠવી છે. એક તરફ પ્રદેશ સ્તરે ચૂંટણી સમિતિ રચવામાં આવી છે, જ્યારે બીજી તરફ સ્થાનિક આગેવાનોની સમિતિઓ બનાવવામાં આવી છે. આ સમિતિઓ લોકસભા વિસ્તાર મુજબ તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં જઈ સંભવિત ઉમેદવારોની સમીક્ષા કરશે, સ્થાનિક પ્રતિસાદ અને સેન્સ એકત્રિત કરશે અને તેનો વિગતવાર અહેવાલ પ્રદેશ ચૂંટણી સમિતિને મોકલશે.