નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જો કે કેજરીવાલને હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેજરીવાલને તેમના જામીનને પડકારતી EDની અરજી પર હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવા કહ્યું હતું.
વાસ્તવમાં દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે દિલ્હીના કથિત દારૂ નીતિ કેસમાં સીએમ કેજરીવાલને જામીન આપ્યા હતા. આ નિર્ણયને EDએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમજ હાઈકોર્ટે જામીન ઉપર સ્ટે મુક્યો હતો. ત્યારે કેજરીવાલે હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેની સુનાવણી આજે સોમવારના રોજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ સુનાવણીમાં કેજરીવાલને કોઇ ખાસ રાહત મળી ન હતી. ત્યારે કેજરીવાલ વતી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમમાં દલીલો રી હતી.
સિંઘવીએ કોર્ટમાં શું કહ્યું?
કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે સુનાવણી કરી હતી. ત્યારે કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, એકવાર જામીન મંજૂર થઈ ગયા પછી સ્ટે ન હોવો જોઈએ. જો હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશને ઉલટાવી દીધો હોત તો કેજરીવાલને ફરીથી જેલમાં મોકલી દેવામાં આવ્યા હોત, પરંતુ વચગાળાના આદેશ દ્વારા તેમને બહાર આવતા અટકાવવામાં આવ્યા હતા.
સિંઘવીએ કહ્યું, જો હાઈકોર્ટમાં EDની અરજી ફગાવી દેવામાં આવે છે, તો CM કેજરીવાલના સમયની ભરપાઈ કેવી રીતે થશે? ત્યારે આ દલીલ ઉપર ખંડપીઠે કહ્યું હતું, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આદેશ ટૂંક સમયમાં આવશે. EDએ ન્યાયાધીશોને કહ્યું કે, હાઈકોર્ટનો આદેશ આવતીકાલે અથવા પરમ દિવસે આવી જશે.
‘સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટમાં જવાની મંજૂરી આપી હતી’
કેજરીવાલના બીજા વકીલ વિક્રમ ચૌધરીએ કહ્યું કે, જ્યારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ચૂંટણી માટે વચગાળાની જામીન આપી ત્યારે કેજરીવાલને જામીન માટે નીચલી કોર્ટમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ તેમની ધરપકડ સામેની અરજી પર ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. હું નીચલી કોર્ટમાં ગયો પણ હતો, તેમજ વિગતવાર સુનાવણી પછી કેજરીવાલને જામીન મળ્યા હતા.
ત્યારે ઇડીના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, વિગતવાર સુનાવણી… જે બે દિવસથી પણ ઓછા સમય સુધી ચાલી હતી, જેમાં અમને અમારા મંતવ્યો યોગ્ય રીતે રજૂ કરવાનો મોકો પણ મળ્યો ન હતો.
અભિષેક સિંઘવીએ કહ્યું, નીચલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હતો. આ અંગે તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, નીચલી કોર્ટના વેકેશન જજે 2 દિવસની ઉતાવળમાં આ મામલાની સુનાવણી કરી હતી. તેને ઝડપથી હાઈ પ્રોફાઈલ કેસ તરીકે દર્શાવવામાં આવ્યો હતો. ત્યારે એ જાણવું જરૂરી છે કે કોર્ટ માટે કેસ હાઈ પ્રોફાઈલ છે કે લો પ્રોફાઈલ?
26 જૂને સુનાવણી થશે
બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ખંડપીઠે કહ્યું કે, વધુ સારું રહેશે કે અમે સુનાવણી આવતા સપ્તાહ સુધી મોકુફ રાખીએ, ત્યાં સુધીમાં હાઈકોર્ટનો આદેશ આવી જશે. જેના પર સિંઘવીએ કહ્યું કે, જો EDની અરજી પર નીચલી કોર્ટના આદેશ પર રોક લગાવી શકાય છે તો મારી અરજી પર હાઈકોર્ટના આદેશ પર પણ રોક લગાવી શકાય છે. ન્યાયાધીશે કહ્યું, અમે આવતીકાલે સુનાવણી કરીશું. ન્યાયાધીશે કહ્યું કે અમે આની સુનાવણી 26 જૂન, બુધવારે કરીશું. જો આ દરમિયાન હાઈકોર્ટનો આદેશ આવે તો તેને પણ રેકોર્ડમાં રાખવામાં આવશે.