નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકો માટે અનેક યોજનાઓ તેમજ સહાય જાહેર કરતા રહે છે. કેજરીવાલે શનિવારના રોજ ટ્વિટ (Tweet) કર્યું હતું કે તેઓ ટ્રાફિક લાઇટ પર રહેતા બાળકો (Children) માટે એક શાળા (School) બનાવશે. આ બાબત પર એનસીપીસીઆરના (NCPCR) રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ અરવિંદ કેજરીવાલ ઉપર જુઠ્ઠુ બોલવાનો આરોપ લગાવ્યો છે.
- બે વર્ષ પહેલા દિલ્હીની સડકો પર 73,000 બાળકો રહેતા હતા
- એક પણ બાળકનું પુનર્વસન થયું નથી
- દિલ્હીના ચિલ્ડ્રન હોમમાં બાળકોની સારી કાળજી લેવામાં આવતી નથી
દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે ટ્વિટર ઉપર કહ્યું હતું કે તેઓ ટ્રાફિક લાઇટ પર રહેનારા નિરાધાર બાળકો માટે શાળાઓ બનાવશે. આ ટ્વિટ અંગે એનસીપીસીઆરના પ્રમુખ પ્રિયંક કાનુન્ગોએ આરોપ લગાવ્યો કે દિલ્હીના મુખ્યમંત્રી જૂઠું બોલી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ આ અંગે ઘણા મહિનાઓથી દિલ્હી સરકારને આ કાર્ય અંગેની સૂચના આપી રહી છે, પરંતુ માત્ર 1,800 બાળકોનું જ પુનર્વસન થયું છે.
શનિવારે દિલ્હીના સીએમએ ટ્વિટમાં કહ્યું હતું કે કોઈ સરકારે આજ સુધી ટ્રાફિક લાઇટ પર ઉભા રહેલા બાળકો પર ધ્યાન આપ્યું નથી, કારણ કે તેઓ ‘વોટ બેંક’ નથી. આ ઉપરાંત તેઓએ ટ્વિટમાં જણાવ્યું કે તેમની સરકાર આ બાળકોની સંભાળ લેશે અને તેઓના માટે અદ્ભુત શાળાઓ બનાવશે. આ શાળાઓમાં રહેવાની અને ત્યાં જ અભ્યાસ કરવાની સુવિધા હશે. વધુમાં તેઓએ કહ્યું હતું કે આ બાળકો ઉપર પૂરતું ઘ્યાન આપવામાં આવશે.
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સના (NCPCR) અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ તેમના ટ્વિટને રીટ્વીટ કરીને પોસ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટ નવેમ્બર મહિનાથી રસ્તાના બાળકોના પુનર્વસન માટે વારંવાર નિર્દેશ આપી રહી છે. પરંતુ દિલ્હી સરકારની નિષ્ક્રિયતાને કારણે માત્ર 1,800 બાળકોને જ પ્રક્રિયામાં લાવવામાં આવ્યા છે. દિલ્હીની સડકો પર રહેતા 73,000 બાળકોની માહિતી બે વર્ષ પહેલા દિલ્હી સરકારને આપવામાં આવી હતી. જેમાંથી એક પણ બાળકનું પુનર્વસન થયું નથી. દિલ્હી સરકાર આ માટે યોજાયેલી સમીક્ષા બેઠકોમાં ગાયબ રહી હતી.
પ્રિયંક કાનુન્ગોએ વધુમાં જણાવ્યુ હતું કે આ અંગે નીતિ બનાવવા માટે કોર્ટની સૂચનાનું આજ સુધી પાલન કરવામાં આવ્યું નથી. હવે સોમવારે કોર્ટમાં આ મામલે સુનાવણી થવાની છે ત્યારે અરવિંદ કેજરીવાલ ખોટું બોલી રહ્યા છે તેવું પ્રિયંક કાનુન્ગોનું કહેવું છે. તેઓએના જણાવ્યા મુજબ સીએમએ જાહેરમાં કબૂલાત કરી છે કે દિલ્હીના ચિલ્ડ્રન હોમમાં બાળકોની સારી કાળજી લેવામાં આવતી નથી અને તેમને છેલ્લે ભાગી જવાની ફરજ પડે છે. આ વાતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને નોટિસ આપીને સ્પષ્ટતા અને કાર્યવાહીની વિગતો માંગવામાં આવી રહી છે.