ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા આ વર્ષે ભક્તિ અને શ્રદ્ધાનું નવું ઉદાહરણ બની રહી છે. ખાસ કરીને કેદારનાથ યાત્રાએ ગયા વર્ષનો રેકોર્ડ તોડી 16.56 લાખ ભક્તો સુધી પહોંચીને નવી સિદ્ધિ હાંસલ કરી છે. હવામાનની મુશ્કેલીઓ વચ્ચે પણ યાત્રાળુઓનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે.
કેદારનાથ ધામમાં ગત રોજ તા. 8 ઓક્ટોબર બુધવાર સુધીમાં કુલ 16,56,000થી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. જોકે ગયા વર્ષે આ આંકડો 16,52,076 રહ્યો હતો. એટલે કે આ વર્ષે ભક્તોની સંખ્યામાં સ્પષ્ટ વધારો નોંધાયો છે.
જોકે માત્ર તા. 8 ઓક્ટોબરબુધવારે જ 5,614 યાત્રાળુઓ કેદારનાથ પહોંચ્યા હતા. કેદારનાથ મંદિરેના દરવાજા તા. 23 ઑક્ટોબરે ભાઈબીજના દિવસે બંધ થશે એટલે હજી પણ યાત્રા ચાલુ રહેશે અને ભક્તોની સંખ્યા હજુ વધી શકે છે.
બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામોમાં પણ આ વર્ષે યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલન જેવી મુશ્કેલીઓ વચ્ચે યાત્રા થોડીવાર માટે પ્રભાવિત થઈ હતી પરંતુ સરકાર અને વહીવટીતંત્રના ઝડપી પ્રયાસો બાદ ફરીથી યાત્રા શરૂ કરવામાં આવી હતી.
સરકારી તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા
ચારધામ યાત્રાને સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકારે વિશાળ સ્તરે આયોજન કર્યું છે. યાત્રામાર્ગ પર સૈનિકો અને પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે જેથી ટ્રાફિક સુનિયંત્રિત રહે. તેમજ ભૂસ્ખલન સંભાવિત વિસ્તારોમાં JCB મશીનો રાખવામાં આવ્યા છે જેથી રસ્તો ઝડપથી ખુલ્લો રાખી શકાય.
વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓને સતત સાવચેતી રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે. ખાસ કરીને ખરાબ હવામાનમાં યાત્રા ન કરવા વિનંતી કરવામાં આવી છે.
ચોમાસા બાદ નવી શરૂઆત
આ વર્ષે યાત્રાની શરૂઆત તા. 30 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા ખોલવાથી થઈ હતી. ત્યારબાદ તા. 2 મેના રોજ કેદારનાથ અને તા.4 મેના રોજ બદ્રીનાથના દરવાજા ખોલાયા હતા. ચોમાસા દરમિયાન કુદરતી આફતોને કારણે કેટલાક માર્ગો ખરાબ રીતે તબાહ થઈ ગયા હતા. જેમાં ગંગોત્રી તરફ જતો ધારાલી વિસ્તાર પણ સામેલ હતો.
કેદારનાથ સહિત ચારધામ યાત્રા માત્ર ધાર્મિક પ્રવાસ નથી પરંતુ તે શ્રદ્ધા, સહનશીલતા અને એકતાનું પ્રતીક છે. હવામાનની પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પણ ભક્તોની અડગ આસ્થા આ વર્ષને ખાસ બનાવી રહી છે.