નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ મેન્ડેટ આધારે બેંકના ચેરમેન તરીકે તેજસભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ પરમારની પક્ષ દ્વારા પસંદગી કરાઈ હોવાની જાહેરાત કરી.
બૃહદ ખેડા જિલ્લામાં અને સહકારી માળખામાં દબદબો ધરાવતી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં પ્રથમ ટર્મમા ચૂંટાઈ આવેલ ચેરમેન અને વાઈસ ચેરમેનનો અઢી વર્ષનો કાર્યકાળ પુરો થતાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં બન્ને હોદ્દેદારો પુનઃ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી બેંકના સભાગૃહમાં યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે તેજસભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ પરમાર સતત બીજી વખત બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. આ બેન્કના અઢી વર્ષની મુદત માટે ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે નાયબ કલેકટરના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી . ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં અગાઉ નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ મેન્ડેટ લઈને બેંક ખાતે પહોંચ્યા હતા.
ભાજપ સમર્પિત બેંકના સભ્યો સમક્ષ બંધ કવર ખોલી બેંકના ચેરમેન તરીકે ફરી એક વખત તેજસભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ પરમારની પક્ષ દ્વારા પસંદગી કરી હોવાની જાહેરાત કરી હતી.
ત્યારબાદ બેંકના ચેરમેન પદ માટે તેજસભાઈ પટેલ અનેવાઇસ ચેરમેન પદ માટે રાજેન્દ્રસિંહ પરમારે વિધિવત ફોર્મ ભર્યા હતા . દરમિયાન સમય મર્યાદામાં આ બંને પદ માટે બીજા અન્ય કોઈ ફોર્મ ભરાયા ન હતા . જેથી ચૂંટણી અધિકારી નાયબ કલેકટરે બેંકના ચેરમેન તરીકે તેજસભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ પરમારને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.
બિનહરીફ ચુંટાયેલ ચેરમેન વાઇસ ચેરમેનને આગેવાનોએ અભિનંદન પાઠવ્યા
ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન વાઇસ ચેરમેન માટે યોજાયેલી ચૂંટણીમાં બિન હરીફ ચુંટાયેલ બંન્ને હોદ્દેદારોને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા સહિતના ધારાસભ્યો ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ સહિતના ભાજપ અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
સૌના સાથ સહકારથી સફળતાના નવા શિખરોસર કરી શકાશે : તેજશભાઈ પટેલ ચેરમેન
બેન્કના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી દરમિયાન બીજી વખત બિનહરીફ ચૂંટાયા પછી ચેરમેન તેજસભાઈ પટેલે જણાવ્યું હતું કે,બેંકના વિકાસ માટે સંનિષ્ઠ પ્રયાસો, સખત મહેનત અને પ્રમાણિક નિર્ણયોમાં સૌના સાથ સહકારથી સફળતાના નવા શિખરોસર કરી શકાશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરૂ છું