Entertainment

કેટરિના કૈફ અને વિકી કૌશલ બન્યા માતા-પિતા, દીકરાને જન્મ આપ્યો

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખુશખબર આવી છે. લોકપ્રિય અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલ હવે માતા-પિતા બની ગયા છે. કેટરિનાએ આજ રોજ તા. 7 નવેમ્બર 2025ના રોજ પુત્રને જન્મ આપ્યો છે. આ આનંદના સમાચારથી બંનેના પરિવાર અને ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

વિકી કૌશલે આ સારા સમાચાર ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપ્યા. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે “અમારું બાળક આ દુનિયામાં આવી ગયું છે. અમે ખૂબ જ ધન્ય છીએ, 7 નવેમ્બર, 2025 કેટરિના અને વિકી.” આ પોસ્ટ સાથે વિકી અને કેટરિનાને હજારો અભિનંદન સંદેશાઓ મળવા લાગ્યા છે.

વિકીના માતા-પિતા અને ભાઈ સની કૌશલ ખૂબ ખુશ છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે કેટરિના અને બાળક બંને સ્વસ્થ છે. કેટરિના કૈફે ગર્ભાવસ્થાની જાહેરાત ખૂબ મોડી કરી હતી પરંતુ બાળકના આગમન પછી તેમણે ખુલ્લા હૃદયથી આ ખુશી દુનિયા સાથે વહેંચી છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ આ દંપતીને શુભેચ્છા પાઠવી છે. અભિનેતા મનીષ પોલે લખ્યું “આખા પરિવારને અને ખાસ કરીને તમને બંનેને બાળકના આગમનની ખૂબ ખૂબ શુભકામનાઓ.” રકુલ પ્રીત સિંહ, અર્જુન કપૂર અને હુમા કુરેશી સહિતના ઘણા કલાકારોએ પણ હાર્દિક અભિનંદન આપ્યા.

હાલમાં એવું માનવામાં આવે છે કે વિકી અને કેટરિના પોતાના પુત્રનો ચહેરો જાહેર કરવામાં સમય લેશે. છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાં સ્ટાર દંપતીઓ પોતાના બાળકોનો ચહેરો થોડા મોટા થયા પછી જ જાહેર કરે છે.

તાજેતરમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમની પુત્રી દુઆ પાદુકોણનો ચહેરો જાહેર કર્યો હતો. જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યો હતો. હવે સૌની નજર વિકી-કેટરિનાના બાળક પર છે કે ક્યારે તે નાનકડા રાજકુમારની પહેલી ઝલક દુનિયા સામે લાવે છે.

Most Popular

To Top