હથોડા: કઠોદરા (Kathodra) ત્રણ રસ્તા પાસે બે રિક્ષા (Auto) વચ્ચે અકસ્માત (Accident) થતાં મામલો મારામારીમાં પરિણમ્યો હતો. આ બનાવમાં રિક્ષાને નુકસાન બદલ વળતર માંગનાર રિક્ષાચાલક તથા તેના સાળા ઉપર ચપ્પુથી હુમલો કરતાં મામલો કોસંબા પોલીસમથકમાં પહોંચ્યો હતો.માંગરોળના કુંવરદા ગામના રણછોડનગરમાં માવજીભાઈના ભાડાના મકાનમાં રહેતા અને મૂળ અમરેલીના ખાંભાના તાતણીયાના વતની સાગર મનુ સોલંકી રિક્ષા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.17મીએ સાગર ગણોતે રાખેલા માવજીભાઈના ખેતરે ગયો હતો. ત્યાંથી પરત આવી રાત્રે આઠ વાગ્યાના અરસામાં સાગર રિક્ષા નં.(જીજે 19યુ 2758)માં પત્ની પારૂલ અને સાસુ શારદા ચૌહાણ સાથે કીમ શાકભાજી લેવા માટે નીકળ્યો હતો.
રિક્ષા અકસ્માત બાબતે ઝઘડાની થઇ શરૂઆત
એ વખતે સાડા આઠ વાગ્યાના અરસામાં કઠોદરા ત્રણ રસ્તા પાસે પહોંચતાં કીમ તરફથી આવતા એક રિક્ષાચાલકે સાગરની રિક્ષા સાથે અકસ્માત કર્યો હતો. આ રિક્ષાચાલક અગાઉ રણછોડનગરમાં રહેતો અને હાલ બાલાપીર દરગાહ પાસે આવેલી સોસાયટીમાં રહેતો સતેન્દ્ર હતો. આથી સાગરે સતેન્દ્ર પાસે રિક્ષાને કરેલા નુકસાનના પૈસા માંગતાં તે ત્યાંથી રવાના થઈ ગયો હતો. આથી સાગરે કુંવરદાના રણછોડનગર ખાતે પત્ની અને સાસુને ઉતારી નવેક વાગ્યાના અરસામાં સતેન્દ્રના ઘરે જઈ રિક્ષાને નુકસાનીના પૈસા માંગતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન સતેન્દ્રનો પુત્ર સુરેશે સાગર ઉપર માથાના ભાગે લાકડીનો સપાટો મારી દીધો હતો. એ બાદ સાગર ત્યાંથી પરત ઘરે આવી ગયો હતો. બાદ સાગર ઘરઆંગણે તેના સાળા સાગીર ચૌહાણ સાથે બેઠો હતો. એ વેળા સુરેશ તેના મિત્રો સાથે ધસી આવ્યો હતો. અને સુરેશના મિત્રએ પૂછ્યું હતું કે, તમારો ઝઘડો શું છે? આથી રિક્ષા અકસ્માત બાબતના ઝઘડાની વાત કરી હતી.
માથાના ભાગે લાકડાથી હુમલો
જેથી સુરેશે તેને ગાળો આપી ઢીકમુક્કીનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. અહીંથી ન અટકતાં માથાના ભાગે લાકડાથી હુમલો કર્યો હતો. વાત વણસતાં સાગરના સાળો છોડાવવા માટે વચ્ચે પડતાં સુરેશના મિત્રએ સાગીર ચૌહાણના માથા અને ડાબા હાથમાં ચપ્પુના ઘા કર્યા હતા. ઉપરાંત સુરેશનો અન્ય મિત્ર પણ સાગરના સાળા ઉપર લાકડી લઈ તૂટી પડ્યો હતો..આથી સાગર અને તેના સાળાને ઘાયલ અવસ્થામાં કોસંબાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સાગરને માથામાં દસ ટાંકા અને તેના સાળાને માથામાં પાંચ ટાંકા તથા ડાબા હાથ ઉપર ચાર ટાંકા આવ્યા હતા. એ બાદ બંનેને ત્યાંથી વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે સાગરે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.