સુરત : કતારગામ (Katargam)માં સરકારી કોન્ટ્રાક્ટરે તેના સુપરવાઇઝર (Supervisor)ને નોકરી ઉપરથી કાઢી મૂક્યાની અદાવત રાખીને કોન્ટ્રાક્ટર (Contractor)ની જાસૂસી કરવામાં આવી હતી. સુપરવાઇઝરે કોન્ટ્રાક્ટરને ફોનમાં ધમકી આપી કે, ‘મારી પાસે માથાભારે માણસો છે, સોપારી આપતા વાર નહીં લાગે, જીવવું હોય તો બે કરોડ આપી દો’. કોન્ટ્રાક્ટર ક્યાં જાય છે, કોને મળે છે અને તેની ઓફિસ સહિત કોન્ટ્રાક્ટરની તમામ ગતીવિધીઓની માહિતી પણ સુપરવાઇઝરે મેળવી લીધી હતી. સરકારી કોન્ટ્રાક્ટરે આ બાબતે કતારગામ પોલીસમાં ફરિયાદ (FIR) કરતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વેડરોડ ડભોલી ચાર રસ્તા પાસે અમીપાર્ક સોસાયટીમાં રહેતા સરકારી કોન્ટ્રાક્ટર વિજયભાઇ ગણેશભાઇ વિરાણી કતારગામના કાસાનગરમાં આર.જે.ડી. હબમાં ઓફિસ ધરાવે છે. સને-2016માં તેમણે મોટાવરાછાના સ્વસ્તીક રો હાઉસમાં રહેતા વિજયભાઇ કાળુભાઇ સુતરિયાને નોકરી ઉપર રાખ્યો હતો. વિજયભાઇ વિરાણીના ચાલતા તમામ કોન્ટ્રાક્ટમાં વાહનોનો હિસાબ, રેતી-કપચી તેમજ કઇ ગાડીમાં કેટલું ડિઝલ ઉપયોગમાં આવે છે તે સહિતની તમામ ચીજવસ્તુઓનું સુપરવિઝન કરવાની જવાબદારી સોંપી હતી અને રૂા. 30 હજાર પગાર નક્કી કર્યો હતો. વિજયભાઇ વિરાણીના તમામ કોન્ટ્રાક્ટની માહિતી લીધા બાદ વિજય સુતરિયાએ કાચો માલ તેમજ ડિઝલ કાઢીને રોકડી કરવાનું શરૂ કર્યું હતું. આ અંગે કોન્ટ્રાક્ટર વિજયભાઇ વિરાણીને જાણ થતાં તેમણે એકવાર એકવાર ઠપકો આપ્યો હતો. તેમ છતાં પણ વિજય સુતરિયા સુધર્યો ન હતો અને ફરીવાર કાચામાલની ચોરી તેમજ ડિઝલ ચોરી કરતા પકડાયો હતો. 2018માં વિજય સુતરિયાને નોકરી ઉપરથી કાઢી નાંખવામાં આવ્યો હતો.
આ વાતની અદાવત રાખીને વિજય સુતરિયાએ સરકારી કોન્ટ્રાક્ટર વિજય વિરાણીની માહિતી ભેગી કરી હતી. વિજયભાઇ ક્યાં જાય છે, કોને મળે છે, કેટલાક વાગ્યે ઘરે જાય છે તે તમામ માહિતી લીધા બાદ વિજયભાઇની આર.જે.ડી. ઓફિસમાં પણ રેકી કરાવી હતી. વિજય સુતરિયાએ પોતાના બે માણસો મોકલાવ્યા હતા અને વિજયભાઇ વિરાણીના ગાડીના વીડિયો તેમજ ઓફિસે બે માણસો મોકલાવીને વીડિયો શુટિંગ ઉતારી લીધું હતું. વિજય સુતરિયાએ કોન્ટ્રાક્ટરની સામે સરકારી કચેરીમાં આરટીઆઇ અરજીઓ કરીને તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું અને ધમકી આપી હતી કે, હું તમારા તમામ હિસાબોથી જાણકાર છુ, મને બે કરોડ રૂપિયા નહીં આપો તો તમારા કામો અંગે તમારા હિસાબોની પોલ ખોલતા વાર નહીં લાગે. બનાવ અંગે વિજયભાઇ વિરાણીએ સુપરવાઇઝર વિજય સુતરિયાની સામે કતારગામ પોલીસમાં ફરિયાદ આપી હતી.
કોન્ટ્રાક્ટર વિજય વિરાણીને મળેલી ધમકીઓ
સુપરવાઇઝર વિજય સુતરિયાએ કોન્ટ્રાક્ટર વિજય વિરાણીને ધમકી આપી હતી કે, તું સાચવીને રહેજે તને જોઇ લઇશ, તું કામ-ધંધા, ઓપિસે કે સામાજીક કામે તેમજ ઘરે ક્યારે જાય છે તેની માહિતી છે મારી પાસે. તારે બચવું હોય તો 2 કરોડ આપવા જ પડશે. મારી પાસે માથાભારે માણસો છે, તારી સોપારી આપતા જરા પણ વાર નહીં લાગે. તારે સલામત રહેવું હોય તો પૈસા આપવા પડશે.