નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) કઠુઆમાં સોમવારે (8 જુલાઈ)ના રોજ ભારતીય સેનાના વાહન પર થયેલા આતંકવાદી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા. હવે કઠુઆ આતંકી હુમલાની (Terrorist attacks) જવાબદારી કાશ્મીર ટાઈગર્સ નામના આતંકી સંગઠને લીધી છે. આ આતંકી સંગઠનનું સીધુ કનેક્શન જૈશ સાથે છે.
આતંકવાદી સંગઠન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓએ એમ4 એસોલ્ટ રાઈફલ્સ, ગ્રેનેડ અને અન્ય હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આતંકવાદી સંગઠને આગામી દિવસોમાં વધુ હુમલા કરવાની વાત પણ કરી છે. કાશ્મીર ટાઈગર્સ નામના આતંકવાદી સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે આ હુમલો 26 જૂને ડોડામાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓના મોતનો બદલો છે.
કાશ્મીર ટાઈગર્સ જૈશ-એ-મોહમ્મદની શાખા છે
આ હુમલાની જવાબદારી લેનાર કાશ્મીર ટાઈગર્સ નામના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલું છે. જૈશ-એ-મોહમ્મદ એક પાકિસ્તાની આતંકવાદી સંગઠન છે જેના પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. કાશ્મીર ટાઈગર્સ પણ જૈશ-એ-મોહમ્મદની એક શાખા છે. આ શાખા દ્વારા ગઇકાલે ભારતીય સેના ઉપર મંદિરની 500 મીટર નજીક અને જિલ્લા મુખ્યાલયથી 120 કિલોમીટર દૂર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર 2 થી 3 આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો.
અગાઉ ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જે અંતર્ગત આતંકીઓ સાથે ભારતીય સેનાની અથડામણ આજે મંગળવારે પણ ચાલુ જ હતી. ત્યારે શરૂઆતી હુમલા બાદ આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો અને પછી ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, પરંતુ આતંકવાદીઓ નજીકના જંગલમાં ભાગી ગયા.
સૈન્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ હુમલો કઠુઆથી 150 કિલોમીટર દૂર લોહાઈ મલ્હાર સ્થિત બદનોટા ગામમાં થયો હતો. અહીં સેનાના કેટલાક વાહનો નિયમિત પેટ્રોલિંગ પર હતા. આ દરમિયાન આતંકીઓએ કાફલા પર હુમલો કર્યો હતો. ત્યારે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં પાંચ જવાન શહીદ થયા હતા. જ્યારે પાંચ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે સોમવારના હુમલા બાદ આ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે. તે જ સમયે, સૈન્ય વાહન પરના આ આતંકવાદી હુમલા પછી આ વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને બિલવર તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ પણ દરેક વાહનોનું ચેકિંગ કરી રહી છે.