ઘેજ : ચીખલી (Chikhli) તાલુકાના ઘેજ ગામના ઠાકોર પરિવારનો કેમિકલ એન્જિનિયર કરનસિંહ (KaranSinh) ‘કોન બનેગા કરોડપતિ’ના (Kaun Banega CarorePati) શોમાં હોટ સીટ પર મહાનાયક અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) અઘરા પડકારજનક સવાલોના જવાબ આપી 50 લાખ રૂપિયાનું ઇનામ જીતતા પરિવાર અને ગામમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. કેબીસીની સિઝન-14 (KBC14) માં 10 પ્રતિસ્પર્ધીઓને પછાડી કરનસિંહ હોટ સીટ પર પહોંચ્યો હતો.
ઘેજ ગામના પાટીદાર મહોલ્લામાં પ્રવિણસિંહ હનમાનસિંહ ઠાકોર (શંભુભાઇ) તથા તેમના ભાઇ સ્વ. ડો. ઇન્દ્રસિંહ ઠાકોર ત્રણેક પેઢીથી વસવાટ કરે છે અને ગામમાં ખેતી કરે છે. જોકે સ્વ. ડો. ઇન્દ્રસિંહ સુરતમાં તબીબી ક્ષેત્રે જોડાયા હતા અને પત્ની પરીબેન સાથે સુરત રહેતા હતા. આ દંપતિ સંતાનોના શિક્ષણ માટે પહેલેથી જ સજાગ હતા અને તેમના પુત્ર કરનસિંહનો કોલેજ પૂર્વેનો અભ્યાસ સુરતમાં પૂર્ણ થયા બાદ ફરી ઘેજ ગામે પોતાના વતનમાં રહેવા આવી કરનસિંહે વલસાડની એન્જિનિયરીંગ કોલેજમાં કેમિકલ એન્જિનીયર તરીકેનો અભ્યાસ પૂર્ણ કરી ખેતી સાથે જીપીએસસીની (GPSC) પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
આ દરમ્યાન તેમના પિતા સ્વ. ડો. ઇન્દ્રસિંહનું સ્વપ્ન સાકાર કરવા કરનસિંહે જાણીતા ટીવી શો કોન બનેગા કરોડપતિમાં જવા માટે કમર કસી હતી અને કેબીસીના સિઝન-14 માં પ્રવેશ માટે બે ક્વીઝ પાસ કરતા તેને તેડું આવ્યું હતું. તેના 10 પ્રતિસ્પર્ધીઓને પછાડી કેબીસીની હોટ સીટ પર સ્થાન મેળવ્યું હતું અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના અઘરા પડકારજનક સવાલોના સચોટ જવાબ આપતા 50 લાખ રૂપિયાના ઇનામનો હક્કદાર બન્યો હતો. કેબીસીમાં અમિતાભ બચ્ચન સાથે ચમકી પરિવાર અને ઘેજ ગામનું નામ રોશન કરતા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઇ, સરપંચ રાકેશભાઇ, પૂર્વ સરપંચ વિનોદભાઇ સહિતનાઓ દ્વારા અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી હતી.
અમિતાભ બચ્ચન સાથેની મુલાકાતથી ઉર્જા મળે છે
કરનસિંહે જણાવ્યું હતું કે કેબીસીમાં મહાનાયક અમિતાભ બચ્ચન સાથેની ક્ષણ અદભૂત હતી. તેઓ ખૂબ સરળ સ્વભાવના છે અને તેમનામાંથી આપણને પણ એક ઉર્જા મળે છે. કેબીસીમાં હોટ સીટ પર બચ્ચન સાથે મુલાકાતનું માતા-પિતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. તેમણે જણાવ્યુ કે 50 લાખની રકમ તેના ભાઇના ભણતર માટે ઉપયોગ કરશે. શો દરમ્યાન પત્ની ખુશ્બુ ઠાકોર પણ સાથે રહી હતી અને અમિતાભ બચ્ચન માટે તેમની જ એક ફિલ્મનું ગીત ગાતા તેમને ખુબ પસંદ આવતા એ ફિલ્મની જૂની યાદો પણ તાજી કરી હતી.