નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતની (Supriya Srinet) બોલિવૂડ અભિનેત્રી અને મંડીથી બીજેપી ઉમેદવાર કંગના રનૌત (Kangana Ranaut) વિરુદ્ધ અપમાનજનક પોસ્ટને (Post) કારણે રાજકારણ ગરમાયું છે. તેમજ આ વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતના દાવાઓ પર ભાજપના નેતા અમિત માલવિયાએ સવાલ ઉઠાવ્યા છે.
હવે કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત વિરૂદ્ધ કાર્યવાહીની માંગણીને લઈને ભાજપ ચૂંટણી પંચ પાસે પહોંચી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે, કેન્દ્રીય મંત્રીઓ અશ્વની વૈષ્ણવ, ઓમ પાઠક અને સંજય મયુખ ચૂંટણી પંચ પાસે પહોંચ્યા છે અને કોંગ્રેસના નેતા વિરુદ્ધ ફરિયાદ કરી છે. વિનોદ તાવડેએ કહ્યું કે અમારું પ્રતિનિધિમંડળ આજે ચૂંટણી પંચને મળ્યું હતું. અમે વિવિધ રાજ્યોમાં ચૂંટણી અધિકારીઓના વિવિધ પ્રતિભાવોની નોંધ લીધી છે. તેમજ ચૂંટણી પંચ આ અંગે તપાસ કરશે.
રાષ્ટ્રીય મહિલા આયોગે કાર્યવાહી કરવાની માંગ કરી હતી
ભાજપ ઉપરાંત રાષ્ટ્રીય મહિલા આયોગે પણ ચૂંટણી પંચને કોંગ્રેસના નેતા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ તેમણે સુપ્રિયા શ્રીનેતે મંડીથી બીજેપી ઉમેદવાર કંગના રનૌત પર સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે.
માલવિયાએ કહ્યું કે જો તમારું એકાઉન્ટ પેરોડી એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વસ્તુ જ પોસ્ટ કરે છે. તો તેનો સીધો અર્થ એ છે કે બંને એકાઉન્ટના એડમીન એક જ છે. તેમજ કોઇ પણ વ્યક્તિ વિશે પોસ્ટ કરવા માટે તમારા ઓપીનીયન સીધા હોવા જરૂરી છે અને જો કોઇ વ્યક્તિ આ પ્રકારની પોસ્ટ કરે છે, તો તેની માનસિક્તા અને વિચાર સરણી ખુબ જ નીચલી કક્ષાની હોય તેમ કહી શકાય.
‘મેં આ જાતે પોસ્ટ કર્યું નથી’
સુપ્રિયા શ્રીનાતનું કહેવું છે કે તેણીના એકાઉન્ટનો એક્સેસ કોઈ બીજા પાસે ગયો હતો. જેના કારણે આ એરર થઈ છે. શ્રીનાતે દાવો કર્યો છે કે તેણીએ પોતે આ પોસ્ટ નથી કરી. દરમિયાન NCW અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે તેઓ આ અંગે ચૂંટણી પંચનો સંપર્ક કરશે. ભાજપના સભ્ય તજિન્દર બગ્ગા દ્વારા ટ્વિટર પર ઉઠાવવામાં આવેલા મુદ્દાના જવાબમાં શર્માએ લખ્યું, કંગના રનૌત, તમે યોદ્ધા અને ચમકતા સ્ટાર છો. જે લોકો અસુરક્ષિત અનુભવે છે તેઓ ખરાબ કામ કરે છે. આમ જ ચમકતા રહો, મારી શુભકામનાઓ તમારી સાથે છે.
‘દરેક મહિલા સન્માનને પાત્ર છે’
કંગનાએ સુપ્રિયાની પોસ્ટનો જવાબ આપતા કહ્યું- પ્રિય સુપ્રિયા જી, એક કલાકાર તરીકે મારી કારકિર્દીના છેલ્લા 20 વર્ષમાં મેં તમામ પ્રકારની મહિલાઓના રોલ કર્યા છે. રાનીમાં એક નિર્દોષ છોકરીથી લઈને ધાકડમાં એક મોહક ડિટેક્ટીવ સુધી, મણિકર્ણિકામાં દેવીથી લઈને ચંદ્રમુખીમાં એક રાક્ષસ સુધી, રજ્જોની વેશ્યાથી લઈને થાલાવીમાં ક્રાંતિકારી નેતા સુધી. કંગનાએ વધુમાં કહ્યું કે, તમામ મહિલાઓ તેમના સન્માનની હકદાર છે.
સુપ્રિયા શ્રીનેતે સ્પષ્ટતા આપી હતી
સુપ્રિયા શ્રીનેતે હવે એક નિવેદનમાં દાવો કર્યો છે કે તેણીના સોશિયલ મીડિયા એકાઉન્ટ સુધી ઘણા લોકો એક્સેસ ધરાવે છે. તેણીએ કહ્યું કે, ઘણા લોકો મારા ફેસબુક અને ઇન્સ્ટા એકાઉન્ટના ઍક્સેસ ધરાવે છે. તેમાંથી એક વ્યક્તિએ આજે ખૂબ જ વાંધાજનક પોસ્ટ કરી હતી. મને આ વાતની જાણ થતાં જ મેં તે પોસ્ટ હટાવી દીધી હતી. સુપ્રિયા શ્રીનેતે વધુમાં કહ્યું, ‘જે કોઈ મને ઓળખે છે, તે સારી રીતે જાણે છે કે હું કોઈ મહિલા વિરુદ્ધ અંગત ટિપ્પણી કરતી નથી.
મારી જાણકારીમાં એવું આવ્યું છે કે આ પોસ્ટ અગાઉ પેરોડી એકાઉન્ટ (@Supriyaparody) પર ચાલતી હતી. કોઈએ અહીંથી આ પોસ્ટ ઉપાડી અને મારા એકાઉન્ટ પર પોસ્ટ કરી. હું આ કૃત્ય કરનાર વ્યક્તિની શોધ કરવાનો પ્રયાસ કરી રહી છું.