National

સંસદમાં હોબાળો: કંગના રનૌતનો વિપક્ષ પર ગંભીર આરોપ, “અમિત શાહ પર પથ્થરમારો થયો”

નવી દિલ્હીમાં લોકસભામાં ગતરોજ ભારે હોબાળો સર્જાયો હતો. કલંકિત વડા પ્રધાન અને મુખ્યમંત્રીને હટાવવા માટે રજૂ કરાયેલા બિલને લઈને વિપક્ષી સાંસદોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. ચર્ચા દરમિયાન પરિસ્થિતિ એટલી બેકાબૂ થઈ ગઈ કે વિપક્ષના સાંસદોએ બિલની નકલ ફાડી ગૃહમંત્રી અમિત શાહ પર ફેંકી દીધી હતી. ગૃહમાં સતત હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.

આ મામલે સાંસદ કંગના રનૌતનો મોટો દાવો સામે આવ્યો છે. મીડિયા સાથે વાત કરતાં કંગનાએ જણાવ્યું કે વિપક્ષના સાંસદોએ માત્ર બિલની નકલ જ નહીં પરંતુ અમિત શાહ પર પથ્થર પણ ફેંક્યા. કંગનાએ કહ્યું “જ્યારે ગૃહમંત્રી બિલ રજૂ કરી રહ્યા હતા ત્યારે કેટલાક વિપક્ષ સાંસદોએ તેમનું માઈક ખેંચવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ કાગળની નકલ ફેંકી અને સાથે પથ્થર પણ લાવ્યા હતા. જે અમિત શાહના ચહેરા પર ફેંકવામાં આવ્યા.”

કંગનાના આ આરોપો બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે. સંસદના ઇતિહાસમાં આ પ્રકારની ઘટનાઓ દુર્લભ ગણાય છે. પરંતુ કંગનાએ વિપક્ષ પર ગંભીર આરોપ લગાવીને ચર્ચાને નવી દિશા આપી છે.

વિપક્ષના હોબાળા બાદ સત્તાધારી પક્ષે આ ઘટનાની કડક નિંદા કરી છે અને તેને લોકશાહી વિરુદ્ધની હરકત ગણાવી છે. બીજી તરફ વિપક્ષે પોતાને નિર્દોષ ગણાવતા જણાવ્યું કે તેઓ માત્ર બિલનો વિરોધ કરી રહ્યા હતા.

આ આખી ઘટનાએ માત્ર લોકસભાની ગૌરવશાળી પરંપરાને ઝટકો પહોંચાડ્યો નથી પરંતુ રાજકીય તણાવને પણ નવી ઊંચાઈ પર લઈ ગયો છે. હવે જોવાનું એ છે કે આ મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે કેવી રાજકીય ખેંચતાણ સર્જાય છે.

Most Popular

To Top