Columns

કંદહાર હાઈજેક: IC-814 રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ વચ્ચેની ભેદરેખા ઓળંગી જઇએ ત્યારે થતી ભૂલો ટાળવી જરૂરી

ટફ્લિક્સની સીરિઝ IC-814 કંદહાર હાઇજેક આજકાલ ચર્ચામાં છે. આ સિરિઝને લઇને વિવાદ છેડાયો. વિવાદ સાથે 1999ના આ અપહરણને લગતી ઘણી બાબતો સપાટી પર આવી. આપણે ત્યાં ધ્રુવીકરણ એ હદે થયું છે કે જે બાબતોને સંબોધવાની હોય તેના બદલે કંઇ ભળતી-સળતી બાબતો પર જ દેકારો કરવામાં આવે છે. સૌથી વધુ ઘોંઘાટ એ બાબતે કરાયો કે આતંકવાદીઓને સિરિઝમાં હિંદુ નામો – શંકર અને ભોલા – વાપરતા દેખાડાયા છે અને આ તો હિંદુઓનું અપમાન છે, આતંકવાદીઓ પર ધોળકું ધોળવામાં આવે છે અને ISIની પ્રવૃત્તિઓ પર ઢાંકપિછોડો કરવામાં આવ્યો છે વગેરે વગેરે.
વર્તમાન સરકારે બીજી બધી સમસ્યાઓ નેવે મૂકીને નેટફ્લિક્સના કોન્ટેન્ટ હેડને હાજર થવા ફરમાન કર્યું અને આ અંગે ચોખવટ કરવા કહ્યું. અત્યાર સુધીમાં તો આ બધી ચોખવટ થઇ ગઇ છે. સિરિઝ બનાવનારા ડાયરેક્ટર અનુભવ સિંહાએ સિરિઝમાં આતંકવાદીઓના નામ દર્શાવ્યા છે ચિફ, ડૉક્ટર, બર્ગર, શંકર અને ભોલા – અને લોકો તૂટી પડ્યા. પહેલીવાત તો આ સિરિઝ જે પુસ્તકના આધારે બનાવાઇ છે તે લખનાર છે એ કેપ્ટન દેવી શરણ જે આ ફ્લાઇટના 3 પાઇલટોમાંના એક હતા, તેમણે આ પુસ્તક પત્રકાર શ્રીન્જોય ચૌધરી સાથે મળીને લખ્યું છે. આ પુસ્તક, ‘ફ્લાઇટ ટુ ફિયરઃ ધી કૅપ્ટન્સ સ્ટોરી’ માં પાંચે પાંચ આતકંવાદીઓના સાચા નામ છે પણ આ આતકંવાદીઓએ પોતાના નામ છેક સુધી, વાટાઘાટ સુધી છુપાવ્યા હતા અને એકબીજાને કોડનેમ્સથી સંબોધ્યા હતા એવું જણાવેલું છે. આ જ હકીકત MEA – મિનિસ્ટ્રી ઑફ એક્સટર્નલ અફેર્સ-ના આ અપહરણ અંગેના રિપોર્ટમાં પણ સ્પષ્ટ કરાઇ છે. પણ માળું આપણે ત્યાં દેકારા કરનારાઓને મુદ્દાઓની પડી જ નથી હોતી. નેટફ્લિક્સે આ વિવાદની વચ્ચે સિરિઝ પહેલા આવતા ડિસ્ક્લેમરમાં જે ચોખવટ કરવાની હતી તે કરી દીધી. આ એક એવો વિવાદ હતો જેમાં સમય બગાડવાની જરૂર ન હોત જો લોકોએ સત્ય જાણવાની તસ્દી લીધી હોત તો. એક બીજો ગણગણાટ એવો પણ શરૂ થયો કે, ત્યારની સરકારે તો નમતું જોખ્યું, આવી રીતે કંઇ આતંકવાદીઓને કહ્યે આપણે પકડેલા આતંકીઓને જવા ન દેવાય. આ ઘોંઘાટ પણ એ જ લોકો કરે છે જેમણે આ હિંદુ નામો વાળો દેકારો કર્યો. 1999માં સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં કંચન ગુપ્તા નામના એક વરિષ્ઠ સલાહકાર હતા જેમણે એક જુના બ્લૉગમાં એ વખતે મંત્રાલયમાં, પ્રધાનમંત્રીની ઑફિસમાં શું સંજોગો હતા, કેવો તણાવ હતો તેને વિશે લખ્યું છે. તેમના રિપોર્ટ અનુસાર અપહરણની વાત શરૂઆતમાં તો પ્રધાનમંત્રી વાજપેયીની ફ્લાઇટના પાયલટને જણાવવામાં પણ નહોતી આવી. એમ મનાય છે કે વાયુસેનાને આ વિશે માહિતી હોવા છતાં પ્રધાનમંત્રીને તેની જાણકારી મોડી અપાઇ.
પ્રધાનમંત્રી આવાસ પર વરિષ્ઠ મંત્રીઓ અને સચિવની બેઠક ચાલુ થઇ ગઇ હતી. NSA બ્રિજેશ મિશ્રા રાજીવ ભવનમાં બનેલા ક્રાઇસિસ કન્ટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા. આ તરફ હાઇજેક થયેલું વિમાન મંજૂરી ન મળવાથી લાહોરમાં લેન્ડ ન થઇ શક્યું અને અમૃતસર તરફ વળ્યું. 45 મિનીટ ત્યાં ટર્મિનલ પર હોવા છતાં એરપોર્ટ અધિકારીઓ દિશાહિન અને હાંફળા-ફાફળા થઇ આમ-તેમ દોડાદોડી કરી રહ્યા હતા. સ્ટેન્ડ બાય પર તૈનાત NSG કમાંડો અમૃતસર કેમ ન પહોંચ્યા તેની ચોખવટ ક્યારેય ન થઇ – એક મત એમ છે કે તેમને દિલ્હીથી અમૃતસર લઇ જનારા વિમાનની રાહમાં તેઓ અટક્યા અને બીજા મત અનુસાર એ કમાંડો ટ્રાફિકમાં અટવાઇ ગયા હતા. આ તરફ વિમાનની ટાંકીમાં ઇંધણ ઓછું હોવા છતાં આતંકીના દબાણ પર લાહોર તરફ ફ્લાઇટ ઉપાડવામાં આવી. જસવંત સિંહે પાકિસ્તાની વિદેશ મંત્રીને ફોન કરી કહ્યું કે લાહોરથી વિમાનને આગળ ન ઉડવા દે પણ પાકિસ્તાનીઓ આ આખી ઘટનાથી ખૂદને દૂર રાખવા માગતા હતા કારણકે તેઓ બાદમાં હાથ ઊંચા કરી દઇ શકે કે આ ઘટના સાથે તેમને કંઇ લાગતું વળગતું નહોતું. પાકિસ્તાનનું દબાણ હતું કે બને એટલું જલદી આ વિમાન પોતાની ધરતી અને એરસ્પેસની બહાર જવું જોઇએ.
ઇંધણ ભરાયું અને વિમાન દુબઇ ગયું પણ ત્યા પણ લેન્ડિંગની મંજૂરી મળે તેમ નહોતું. આ સમયે જસવંત સિંઘ અને તત્કાલિકન UAE રાજદૂતે કે સી સિંહે યેનકેન પ્રકારેણ આ મંજૂરી મેળવી. UAE અધિકારીઓની મદદથી આતંકીઓ સાથે વાતચીત કરી 13 સ્ત્રીઓ અનો 11 બોળકોને વિમાનમાંથી છોડાવી લેવાયા. આ એ વખત હતો જ્યારે રૂપિન કત્યાલ જેને આતંકીએ ચપ્પુ માર્યુ હતું તેનું લોહી વહેવાને કારણે મોત થઇ ગયું હતું અને તેમના મૃતદેહને બહાર લવાયો પણ તેમની વિધવા પત્ની છેક સુધી વિમાનમાં જ હતી. હવે આ તો ત્યારની વિમાનની આસપાસની ઘટનાઓનું ચિત્રણ છે આ તરફ દિલ્હીમાં સરકાર એ અપહત્યોના પરિવારજનોના રોષનો સામનો કરી રહી હતી. લોકો બેફામ વિરોધ કરી રહ્યા હતા, સરકાર કંઇ કરતી નથી એવા નારાઓ વચ્ચે વાજપાઇ સરકારે બંધકોના પરિવારને સંબોધવાનું નક્કી કર્યું. આ તરફ મીડિયા માટે પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી અને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીમાંથી કોઇ મંત્રી બંધકોના પરિવારને સંબોધવા તૈયાર નહોતા પણ જસવંત સિંહે કંચન ગુપ્તાને (જેણે આ બાબતો બ્લોગમાં લખી છે) કહ્યું કે ચાલો આપણે જ્યાં આ લોકો છે ત્યાં જઇને વાત કરીએ. બંધકોના પરિવારોના ટોળાનું નેતૃત્વ કરનાર ડૉ. છિબ્બર દિલ્હીના સર્જન હતા – આ ટોળાએ મંત્રાલયના પ્રતિનિધિ પર હુમલો જ કર્યો અને એક વાત ન સાંભળી. ટોળાના આગેવાન બની બેઠેલા ડૉક્ટર ચાહતા હતા કે અપહરણકર્તાઓની બધી વાત માની લેવી જોઇએ, 36 આતંકીઓને છોડી દેવા જોઇએ. લોકોએ તો એ પણ કહ્યું કે એમને કાશ્મીર જોઇતું હોય તો આપી દો, અમને કંઇ પડી નથી. આ ટોળા સામે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલની પત્નીએ પણ જ્યારે રાષ્ટ્ર પ્રત્યેની કટિબદ્ધતાની વાત કરી હતી ત્યારે તેમનો ય વિરોધ કરાયો હતો. આ દબાણની વચ્ચે સરકારે અમુક નિર્ણયો લેવા જ પડ્યા અને જેલમાંથી અમુક આતંકીઓને છોડવાનો। સોદો થયો. જસવંત સિંહે પોતે કંદહાર જઇને વાટાઘાટો શાંતિથી પુરી થાય તેની તકેદારી રાખવાની તૈયારી બતાડી હતી અને કંદહાર જતા બે વિમાનમાંથી એકમાં એ પણ હતા. 31મી ડિસેમ્બરે રાત્રે બંધકો પાછા ફર્યા, આટલું મોટું ઑપરેશન પાર પાડ્યું હોવા છતાં સરકારની એ મામલે ટીકા કરાઇ કે સરકાર અપહરણકર્તાઓની માંગ સામે ઝુકી ગઈ. જસવંત સિંહને આખી ઘટનામાં ખલનાયક ચિતરવામાં આવ્યા જે સાવ વાહિયાત બાબત છે. આ આખું વિવરણ એ સાબિત કરે છે કે આપણે આતંકવાદ સામે લડવાની હિંમત નથી ધરાવતા – ના અહીં સૈન્ય કે સરકારની વાત છે જ નહીં – આપણે જવાબદારીના મામલે તેમને માથે બધો બોજ નાખવા માગીએ છીએ પણ આપણું તસુભાર નુકસાન વેઠવાની આપણામાં તાકાત નથી. એક સારા નેતાને દોષી ઠેરવવા, જે પોતે સૈન્યના અધિકારી રહી ચૂક્યા હતા તે નાગરિકો માટે સહેલું થઇ પડે છે. વળી આ અપહરણકાંડને મુંબઈ પોલીસ સાથે સીધો સબંધ હોવાનો સરસ લેખ મુંબઈ ક્રાઇમ બ્રાંચના પૂર્વ પ્રમુખ ડી શિવાનંદને લખ્યો છે, જે રિટાયર્ડ DGP છે. મુંભઈના પોલીસ અધિકારી હેમંત કરકરેને ટિપ મળી હતી કે RAWની મુંબઈ ઑફિસ પાસે મુંબઈનો એક એવો ફોન નંબર છે જે પાકિસ્તાનના એક નંબર સાથે સતત સંપર્કમાં છે. અપહરણ થયું હતું તે દરમિયાન જે ટીમ આ ઑપરેશન પર હતી તેણે મુંબઈ પાકિસ્તાન વચ્ચેના ફોન કૉલ 3 દિવસ સુધી સાંભળ્યા. સામે પાકિસ્તાની જૈશ-એ-
મોહંમદનો આતંકવાદી હતો જે જોગેશ્વરીમાં કોઈની સાથે સંપર્કમાં હતો અને પૈસાની લેવડદેવડની વાત ચાલુ હતી. તેને આધારે જે ધરપકડ થઇ હતી તેમાં બાળ ઠાકરેના માતોશ્રીનો નકશો પણ મળ્યો હતો અને સાથે રાઈફ્લ્સ, હેન્ડ ગ્રેનેડ, રૉકેટ લૉન્ચર, ડિટોનેટર અને વિસ્ફોટક, 6 પિસ્તોલ અને બારૂદ ગોળાનો જથ્થો મળ્યો હતો. મુંબઈમાંથી વાત કરનાર માણસ અબ્દુલ લતીફ હાઇજેકર્સનો સાથીદાર હતો અને તેણે ભારતીય તપાસ ટૂકડીને IC-814ના અપહરણકર્તાઓના નામ પણ જણાવ્યા હતા.

વળી જ્યારે મુંબઈ પોલીસે અબ્દુલ લતીફને પકડ્યા પછી અન્ય સ્થળે દરોડા પાડ્યા ત્યારે એમ પણ જાણવા મળ્યું કે આતંકીઓ મુંબઈમાં હાઇજેકિંગ કરવા ધારતા હતા એના માટે પહેલાં આતંકીઓને મુંબઈ લવાયા હતા. મુંબઈ પોલીસના પૂર્વ ACP પ્રદીપ શર્માના મતે આ લોકો મોટો આતંકી હુમલો કરવા ધારતા હતા, ત્યારે વડાપ્રધાન વાજપેઈ મુંબઈ આવવાના હતા અને તેમના કાફલા પર હુમલો કરવાનો આતંકીઓનો ઇરાદો હતો. હવે સિરિઝ તરફ પાછા વળીએ તો ખરેખર સારી બનાવાયેલી આ સિરિઝમાં એક તકલીફ એ છે કે આ અપહરણકાંડ સાથે પાકિસ્તાનના ISIની કડીઓ જોડાયેલી હતી તે સ્પષ્ટ દર્શાવાયું જ નથી. હિંદુ-
મુસ્લિમ નામો વાળી બબાલ કરતાં કોઇ મોટો પ્રશ્ન હોય તો એ છે કે આ અપહરણકર્તાઓ પાકિસ્તાની હતા એ બાબત સ્પષ્ટતાથી નથી કહેવાઇ. ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીને આ પાકિસ્તાની ઑપરેટિવ્ઝ પાકિસ્તાનના કયા હિસ્સાઓમાંથી આવ્યા હતા તેની પણ જાણ હતી પણ એ બાબત સિરિઝમાં નથી દર્શાવાઇ. અફઘાનિસ્તાન અને અલ-કાયદા સાથેની તેમની કડી બતાડાઇ છે પણ એ બહુ ગળે ઉતરે એવી નથી. આ અપહરણ પણ પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલતા ગુપ્ત યુદ્ધનો જ હિસ્સો હતો અને ISIનો તેમાં સીધો હાથ હતો. વળી RએWએ નેપાળી નાગરિકોને કરેલું ટોર્ચર, કોઈ ભારતીય એજન્ટ જે પાકિસ્તાની રાજદૂતનો પીછો કરે છે તે ઘટના વગેરેના કોઇપણ નક્કર પુરાવા નથી. ઇન્ટેલિજન્સ એજન્સીની કામગીરી જે રીતે થાય છે તેની વિગતોમાં પણ સિરિઝમાં લગિરેક ચિવટ નથી રખાઇ પણ આ માટે દિગ્દર્શક પાસે સર્જનાત્મક સ્વતંત્રતાનું બહાનું હોઇ જ શકે છે. પણ રિસર્ચ માટે એસ દુલાત, અજીત દોવાલ અને આનંદ ઇરાની જેવા અધિકારીઓ સાથે સિરિઝના મેકર્સે વાત કરી હોત તો સારું થાત.

Most Popular

To Top