પલસાણા : કામરેજ (Kamrej) તાલુકાના પરબ ગામના એક ખેતરમાંથી (Farm) પોલીસે (Police) 33 લાખના ગાંજા સાથે સુરતના (Surat) બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે ગાંજાનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા
સુરત ગ્રામ્ય એસઓજીને મળેલી બાતમીના આધારે કામરેજ તાલુકાના પરબ ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી 33 લાખના ગાંજા સાથે સુરતના બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
ગાંજાનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી.ઇશરાણી તથા પો.સ.ઇવી.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી હે.કો.જગદિશભાઇ કામરાજભાઇ તથા હે.કોરોહિતભાઇ બાબુભાઇને મળેલી બાતમીના આધારે કામરેજ તાલુકાના પરબ ગામની સીમમાં યોગેશ્વર સોસાયટીની સામે આવેલા એક શેરડીના ખેતરમાં અને તેની બાજુમાં આવેલા રોડ ઉપર જઇ રેડ કરતા માદક પ્રદાર્થ ગાંજાનો 334 કિલો ગ્રામ કિંમત 3347400 નો જથ્થો મળી આવ્યો હતો અને સુરતના સંજય શ્રીદયારામ ગૌતમ (ઉ.વ-૧૯ રહે-મ.નં-૬, મનુભાઇ શુક્લાના મકાનમાં, ખાડી મહોલ્લો, સ્મશાન ઘાટની બાજુમાં ફુલપાડા અશ્વિનીકુમાર રોડ, કતારગામ સુરત) તથા સુનિલ હરેન્દ્રકુમાર ગુપ્તા (ઉ.વ-૨૬ રહે-ફ્લેટ નં-૧૦૩ મહેર રેસીડેન્સી, મયુરભાઇનો ખાડી મહોલ્લો સ્મશાનઘાટની બાજુમાં, ફુલપાડા, અશ્વિનીકુમાર રોડ કતારગામ સુરત)ને માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખવા બદલ તેમની અટક કરી હતી તેમજ તપાસ દરમિયાન આ ગાંજાનો જથ્થો મંગાવનાર સુરતનો એમ.જે.પ્રધાન નામનો ઇસમ (રહે-વેડરોડ કતારગામ)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી એક મોબાઈલ અને એક મોટરસાયકલ પણ કબજામાં લીધી હતી.
સુરાલીમાં જુગાર રમી રહેલા પાંચ રંગે હાથ પકડાયા
બારડોલી : બારડોલી તાલુકાનાં સુરાલી ગામે રાજ રેસિડેન્સી પાછળ આવેલી ગુણવંતી નદીના કિનારે દિવાલની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા પાંચ ઇસમોને પોલીસે રંગે હાથ પકડી લીધા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર મઢી આઉટ પોસ્ટના જમાદાર ભરતભાઇ ગાંગજીભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરાલી ગામે રાજ રેસિડેન્સીની પાછળ આવેલી ગુણવંતી નદીના કિનારે દિવાલની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો ગંજીપાના પર જુગાર રમી રહ્યાં છે. જે બાતમીના આધારે પોલીસે છાપો મારતા પોલીસે સ્થળ પરથી હેમંતકુમાર રમેશચંદ્ર શાહ (રહે જયહિંદ મિલ ફળિયું, સુરાલી), પિયુષ ભુપેન્દ્ર ચૌધરી (રહે સુરાલી, બારડોલી), બળવંત ઠાકોરભાઈ પંચાલ (સુરાલી), સોમાભાઈ ભાણા રાઠોડ (સુરાલી) અને ચીમનભાઈ કમચી ચૌધરી (દાદરી ફળિયું, વાંસકુઇ)ને રંગે હાથ પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી દાવ પરના રોકડા રૂપિયા 1440, અંગઝડતીના રોકડા રૂ. 13250 મળી કુલ 14690 રૂપિયાના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.