કામરેજ: (Kamraj) વાલક પાટિયા (Vakal Patiya) પાસે રેડિયમની દુકાન ચલાવતા ઈસમને દારૂની માહિતી (Alcohol Information) પોલીસને આપી દારૂ કેમ પકડાવ્યો તેમ કહી કામરેજ પાસે પાનના ગલ્લા પર ત્રણ ઈસમે માર માર્યો હતો. મૂળ અમરેલીના બગસરાના વતની અને હાલ સુરતના કામરેજના નનસાડ રોડ પર આવેલા દેવમૂર્તિ કોમ્પ્લેક્સમાં ફ્લેટ નં.104માં રાજેશ નિહાલચંદ ધોળકિયા (ઉં.વ.39) રહે છે. વાલક પાટિયા પાસે ખોડિયાર પાર્કિંગના ગેટ નં.2 પાસે રાણપરિયા રેડિયમની દુકાન ચલાવે છે. દુકાનની બાજુમાં બે મહિના અગાઉ ભાવેશ (રહે.,વાવ એસઆરપીએફ ગ્રુપ-11ની સામે) અને મહેશ દારૂનો ધંધો કરતા હોવાથી દારૂ ના વેચવા માટે કહેવા છતાં પણ દારૂનો ધંધો ચાલુ રાખ્યો હતો.
સરથાણા પોલીસે રેડ કરી બંને સામે પોલીસ કેસ કર્યો હતો
સરથાણા પોલીસે રેડ કરી બંને સામે પોલીસ કેસ કર્યો હતો. ભાવેશ અને મહેશ પર રાજેશે કેસ કરાવ્યો હોવાની અદાવત રાખી કામરેજ-નનસાડ રોડ પર વૈકુંઠ ધામ સોસાયટીના ગેટ પાસે પાનના ગલ્લા પર સીગારેટ પી રહેલા રાજેશને ભાવેશ, મહેશ અને ત્રીજો અજાણ્યો ઈસમ આવીને ગાળો બોલી અમારી માહિતી પોલીસને આપી દારૂ પકડાવી દીધો તેમ કહી ત્રણેય ઈસમે લોખંડના પાઈપ પગમાં તેમજ હાથમાં માર મારી લોકોનું ટોળું ભેગું થઈ જતાં ત્રણેય ઈસમ નાસી છૂટ્યા હતા. જે અંગે કામરેજ પોલીસ મથકમાં રાજેશે ફરિયાદ નોંધાવી હતી.
મોટી દમણના પટલારાના ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
દમણ : સંઘપ્રદેશ દમણ એક્સાઈઝ વિભાગે ગેરકાયદે રીતે દારૂની ચાલી રહેલી હેરાફેરી સામે કડક ઝુંબેશ હાથ ધરી હતી. ત્યારે 3 ડિસેમ્બરનાં રોજ મોટી દમણ પટલારાનાં સીંગા ફળિયા ખાતે રહેતો અજય ઠાકુરભાઈ પટેલના ઘરમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતા એક્સાઈઝ વિભાગની ટીમે સ્થળ પર જઈ ઘરમાં તપાસ કરતાં મોટી માત્રામાં દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. વિભાગની ટીમે 1920 દારૂની બોટલના બોકસ જપ્ત કરી આ મામલે એક્સાઈઝ એક્ટ અને ડ્યૂટી રૂલ્સ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 45 દિવસની અંદર દમણ એક્સાઈઝ વિભાગે 15 જેટલા દારૂના કેસમાં 33,72,108 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે દારૂની હેરાફેરીના ઉપયોગમાં લેવાયેલા 8 વાહનો અને 1 બોટ જપ્ત કરવાની કાર્યવાહી પણ કરી છે.